રાષ્ટ્રીય કારોબારીના આરંભ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો પટેલ ચોકથી સંસદ માર્ગ સુધીનો વિશાળ રોડ-શો
નવા રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી, 10 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને લોકસભા-2024 માટે કારોબારીમાં ઘડાશે રણનીતિ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં રાજધાની નવી દિલ્હી ખાતે ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીનો આરંભ થઇ ચુક્યો છે. લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપને 400થી વધુ બેઠકો મળે તે માટે પક્ષ દ્વારા અત્યારથી જ વ્યૂહ રચના ઘડી કાઢવામાં આવશે. નવા રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી અને ચાલુ વર્ષે યોજાનારી સત્તાના સેમિફાઇનલ સમી દેશના 10 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કમળ ખીલે તે માટેની રણનીતી પણ ઘડવામાં આવશે.
ભાજપની રાષ્ટ્રીય કારોબારીના આરંભ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દિલ્હીમાં પટેલ ચોકથી લઇ ભાજપ કાર્યાલય સુધી એક વિશાળ રોડ-શો યોજવામાં આવ્યો હતો. દિલ્હીમાં કાતીલ ઠંડીના પ્રકોપ વચ્ચે પણ વડાપ્રધાનના રોડ-શોમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતાં. રોડ-શોના રૂટ પર ઠેર-ઠેર પીએમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપ કાર્યાલયે પહોંચતાની સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેઓના હસ્તે વિધિવત રિતે ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકનો આરંભ કરવામાં આવ્યો હતો.
આગામી 20મી જાન્યુઆરીના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની મુદ્ત પૂર્ણ થઇ રહી છે. નવા અધ્યક્ષની વરણી માટે પણ કારોબારીમાં ચર્ચા કરવામાં આવી હતી. જે.પી.નડ્ડાને પ્રમુખ પદે રિપીટ કરવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. ચાલુ સાલ લોકસભાની ચૂંટણીમાં 400થી વધુ બેઠકો મેળવવા માટે ભાજપ માટે આ વર્ષે યોજાનારી 10 રાજ્યોની ચૂંટણી સત્તાના સેમિફાઇનલ સમી માનવામાં આવી રહી છે. આ રાજ્યોમાં ભાજપને જો જીત મળે તો લોકસભાનો ફાઇનલ જંગ પક્ષ માટે ખૂબ જ આસાન બની રહેશે. જેથી કારોબારીમાં મુખ્ય 10 રાજ્યોની ચૂંટણીઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત દેશના નાના-મોટા 10 રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપનો ભગવો લહેરાય તે માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ચૂંટણીની વ્યૂહ રચના ઘડવામાં આવી હતી. મોદી સરકારના મંત્રી મંડળનું ટૂંક સમયમાં વિસ્તરણ કરવામાં આવશે. જેમાં જે રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે રાજ્યોને વધુ પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવું લાગી રહ્યું છે.
ગુજરાતના સંગઠનમાં પણ મોટા ફેરફારના સંકેતો???
એક વ્યકિત એક હોદ્દો પોલિસીના ભાગરૂપે વિધાનસભા જીતેલા પ્રદેશ હોદ્દેદારોના રાજીનામાં લઈ લેવાશે
ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં ફરી એકવાર એક વ્યક્તિ એક હોદ્દાની પોલીસી પર કામ કરવાની કવાયત શરૂ થઈ છે. આગામી દિવસોએ ભાજપમાં કેટલાક ફેરબદલ થશે. જેમાં સંગઠનના હોદ્દા પર રહેલા જે નેતાઓ વિધાનસભાની ચૂંટણી જીત્યા હોય તેઓના રાજીનામા લેવાશે. જેનો મુખ્ય હેતુ એક વ્યક્તિ એક હોદ્દાની પોલીસી પર કામ કરવાનો છે.
અનેક નેતાઓના લેવાશે રાજીનામાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના અનેક નેતાઓ, આગેવાનોએ ઝંપલાવ્યું હતું. જેમાંથી અનેક વ્યક્તિની જીત પણ થઈ છે. જોકે હવે જે-જે નેતા કે આગેવાનોએ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી છે તે પ્રદેશ સંગઠનના તમામના નેતાઓના રાજીનામાં લેવાશે. મહત્વનું છે કે, અનેક શહેર-જિલ્લાના પ્રમુખ ઉપ-પ્રમુખ, મહામંત્રી ચૂંટણી લડ્યા હતા.