રેલવેના રીડેવલપમેન્ટ પ્રોગ્રામમાં રોકાણ કરવા ખાનગી ક્ષેત્રની કંપનીઓને આકર્ષવા રેલ મંત્રાલયનો નિર્ણય
રેલવે સ્ટેશનોને આધુનિકતાના રંગમાં તરબોળ કરવા કેન્દ્રીય રેલ મંત્રાલય અનેકવિધ પ્રયાસો કરી રહ્યું છે. રેલવે મુસાફરોને ટીકીટ ઝડપથી મળી રહે અને ઓનલાઈન બુકિંગોમાં સરળતા રહે તે માટે રેલવે નવી એપ અને વેબસાઈટ લોન્ચ કરવા જઈ રહ્યું છે તો બીજી તરફ રેલમંત્રી પીયુષ ગોયલે કહ્યું છે કે જે લોકો રેલવે સ્ટેશનોના આધુનિકરણમાં પોતાનો ફાળો આપશે તેમને ભાડા પટ્ટે ૯૯ વર્ષના ગાળા માટે રેલ મંત્રાલય જમીન ફાળવશે. તેમજ આ જમીનો પર હોટેલ, મોલ, મલ્ટીપ્લેકસીસ વગેરેનું નિર્માણ કરી શકાશે.
રેલવે સાથે કોન્ટ્રાકટ કરી સ્ટેશનોમાં અને રેલવેના રીડેવલપમેન્ટ પ્રોગ્રામમાં રોકાણકર્તા લોકોને ૯૯ વર્ષ માટે પટ્ટે જમીન અપાશે. રેલવેમાં રોકાણ કરવા વધુને વધુ ખાનગી ક્ષેત્રો આકર્ષાય તે માટે સરકારે આ પ્રકારે જાહેરાત કરી છે. રેલવેના આધુનિકરણમાં ખાનગી ક્ષેત્રમાં સહકારથી રેલવે તેની મિલકતોને મુદીકૃત કરવા સક્ષમ થશે. રેલમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે, ધી નેશનલ બિલ્ડીંગ ક્ધસ્ટ્રકશન કોર્પોરેશને (એનબીસીસી) દેશના દસ રેલવે સ્ટેશનોના આધુનિકરણ માટે કામ શ‚ કરી દીધું છે. આ માટે પ્લાન પણ ઘડી કાઢયો છે. આ દસ રેલવે સ્ટેશનોમાં દિલ્હી સારાઈ રોહીલ્લા, લખનઉ, ગોમતીનગર, કોટા, તિરૂપતિ, નેલોર, ઈર્નાકુલમ, પોંડુચેરી, મેડગાઉ અને થાણેનો સમાવેશ છે.
રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ રોકાણ કરનારી તમામ કંપનીઓને ૯૯ વર્ષ માટે ભાડે પટ્ટે જમીન અપાશે. આ જમીન પર રોકાણકર્તાઓ પોતાનો બિઝનેસ વિકસાવી શકશે. મોલ, મલ્ટીપ્લેકસીસ, બિલ્ડીંગ, હોટેલો અથવા અન્ય કોઈ વાણિજયક હેતુથી જમીનનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત રેલ મંત્રાલય એનબીસીસી મોડેલના આધારે રેલવેની રેસીડેન્સીઅલ કોલોનીઓને પણ રીડેવલોપ કરવાની યોજના ઘડી રહ્યું છે.
પીયુષ ગોયલે વધુમાં જણાવતા કહ્યું કે, રેલવે પર સલામતીના સાધનો અને ધારાધોરણો વિકસાવવા, કાર્યો સુધારવા, રેલવેના જનરલ મેનેજરો અને ડિવીઝનલ રેલવે મેનેજરોને અમુક પ્રકારના ખાસ પાવરો અપાયા છે. તેમજ પિયુષ ગોયલે અધિકારીઓને રેલ કોરીડોર દિલ્હી, મુંબઈ અને બેંગ્લોરમાં સુધારવા જણાવ્યું હતું અને જાન્યુઆરીથી મુંબઈમાં લોકલ ટ્રેનોમાં એસીની સુવિધા ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું હતું.