ભારતે સંરક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈ પ્રાપ્ત કરી
૫૦૦ કિલોગ્રામ વિસ્ફોટક સાથે પૃથ્વી-૨ મિસાઈલ દુશ્મન દેશની ધરા ધ્રુજાવવા સક્ષમ !!
ભારતે મંગળવારે ઓડિશાના દરિયાકાંઠે વ્યૂહાત્મક બેલેસ્ટિક મિસાઈલ પૃથ્વી-૨નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, આ મિસાઈલે ખૂબ જ ચોક્કસાઈથી લક્ષ્યને નિશાન બનાવ્યું. મંત્રાલયે જણાવ્યું હતું કે ટૂંકી અંતરની બેલેસ્ટિક મિસાઈલ પૃથ્વી-૨નું ૧૦ જાન્યુઆરીએ ઓડિશાના કિનારે ચાંદીપુર ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રતિષ્ઠિત સિસ્ટમ પૃથ્વી-૨ મિસાઈલ ભારતના પરમાણુ શસ્ત્રાગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. મિસાઈલે ખૂબ જ ચોકસાઈથી લક્ષ્યને નિશાન બનાવ્યું હતું.
ભારતીય સેના અને ડીઆરડીઓએ મંગળવારે રાત્રે ૮:૨૫ કલાકે ઓડિશાના ચાંદીપુર સ્થિત આઇટીઆર સંકુલમાંથી પૃથ્વી-૨ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ પહેલા પણ પૃથ્વી-૨ મિસાઈલનું નાઈટ ટેસ્ટ ઘણી વખત સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.
આ મિસાઈલની મારક ક્ષમતા ૩૫૦ કિલોમીટર છે. આ મિસાઈલ સ્ટ્રેપ ડાઉન સીરિયલ નેવીગેશન સિસ્ટમથી ચાલે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પૃથ્વી-૧ અને પૃથ્વી-૨નું રાત્રે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સાથે જ અગ્નિ શ્રેણીની અગ્નિ ૧,૨,૩,૪,૫ની તમામ મિસાઈલનું રાત્રે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.
આજે જો એમ કહેવામાં આવે કે ભારત સમગ્ર વિશ્વમાં મિસાઈલ ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ બની ગયું છે, તો કદાચ ખોટું નથી, કારણ કે તમામ દેશો જાણે છે કે આવનારું યુદ્ધ બુલેટ ગનથી નહીં પરંતુ મિસાઈલથી જ જીતી શકાય છે. એટલા માટે વિશ્વના તમામ દેશો પોતાના જ્ઞાન કૌશલ્યથી મિસાઈલના વિકાસ અને મિસાઈલના પરીક્ષણમાં લાગેલા છે, આવી સ્થિતિમાં આપણો દેશ ભારત કેવી રીતે પાછળ રહી શકે.
પૃથ્વી-૨ મિસાઈલ સિંગલ સ્ટેજ લિક્વિડ એન્જિન મિસાઈલ છે જે ૫૦૦ કિલોગ્રામ સુધીના વિસ્ફોટકને લઈ જવા માટે સક્ષમ છે. તે ઉચ્ચ વિસ્ફોટક, પેનિટ્રેટિંગ, ક્લસ્ટર બોમ્બ, ફ્રેગમેન્ટેશન, ગરમી ઉત્પન્ન કરતા રાસાયણિક અને વ્યૂહાત્મક અણુશસ્ત્રો લઈ શકે છે. એટલે કે કોઈપણ હથિયારનો ઉપયોગ કરીને પૃથ્વી-૨ મિસાઈલ છોડશો તો દુશ્મનની ધરતી ધ્રૂજશે. ભવિષ્યમાં આ મિસાઈલો ભારતની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
સંરક્ષણ ક્ષેત્રને મજબૂતી આપવા કેન્દ્ર સરકારે સેના માટે રૂ. ૪૨૭૬ કરોડનું ભંડોળ મંજુર કર્યું
ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રક્ષા અધિગ્રહણ પરિષદએ મંગળવારે ૪૨૭૬ કરોડ રૂપિયાના ત્રણ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેમાં ૨ પ્રસ્તાવ સેના અને એક પ્રસ્તાવ નેવી માટે છે. આ પ્રસ્તાવ થકી દુશ્મનના વિમાનોને તોડી પાડવા માટે સ્વદેશી હેલિના એન્ટી ટેન્ક મિસાઈલ ખરીદવામાં આવશે. આ સાથે જ એર ડિફેન્સ સિસ્ટમને પણ ડેવલોપ કરવામાં આવશે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં હેલિના એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલો, લૉન્ચરો સહિત અન્ય ઈક્વિપમેન્ટની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. જેને એડવાન્સ લાઈટ હેલિકૉપ્ટર (એએલએચ) સાથે જોડવામાં આવશે. હેલિના એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ સામેલ થવાથી ભારતીય સેનાની તાકાતમાં વધારો થશે.
ભારતીય સેના હવે એએલએચ હથિયાર અને શોર્ટ રેન્જ મિસાઈલ સિસ્ટમોથી સજ્જ થશે
દેશની સુરક્ષા માટે પડકાર ઉભો કરનારાને જડબાતોડ જવાબ આપવા માટે એએલએચને હથિયારથી સજ્જ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જે અંતર્ગત તેમને આવી મિસાઈલોથી સજ્જ કરવામાં આવી રહ્યાં છે. આ મિસાઈલો હવે એએલએચનો અભિન્ન અંગ હશે. જે અન્ય પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે, તેમાં વેરી શૉર્ટ રેન્જ એર ડિફેન્સ માટેની મિસાઈલ સિસ્ટમ પણ સામેલ છે.આ ઉપરાંત ભારતીય નૌસેના માટે શિવાલિક વર્ગના જહાજો તેમજ નેક્સ્ટ જનરેશન મિસાઈલ વેસલ્સ માટે બ્રહ્મોસ લૉન્ચર અને ફાયર કંટ્રોલ સિસ્ટમની ખરીદી માટે મંજૂરી આપી છે.
જેના થકી નૌસેનાની અનેક મોટા ઑપરેશનોને પાર પાડવાની ક્ષમતામાં વધારો થશે. રૂ. ૪૨૭૬ કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરીથી મેક ઈન ઈન્ડિયાને પણ વેગ મળશે, કારણ કે આ અભિયાન અંતર્ગત જ સ્વદેશી હેલિના એન્ટી ટેન્ક મિસાઈલ સહિત અન્ય સૈન્ય ઈક્વિપમેન્ટ ખરીદવામાં આવશે. જેના કારણે દેશમાં ડિફેન્સ સાથે સંકળાયેલ પ્રોડ્ક્ટ બનાવતી કંપનીઓનું વેચાણ વધતા મેક ઈન ઈન્ડિયાને વેગ મળશે.