ભાજપની બેઠકો ૧૧૮ થી ૧૩૪ થવાની ધારણા

કોંગ્રેસની ઘટીને ૪૯ થશે ભાજપનો વોટશેર ૪૮ ટકાથી વધી ૫૨ ટકા થશે

વર્ષ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી કરતા આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષની બેઠકોમાં વધારો થશે તેવું ટાઈમ્સ નાવ-વીએમઆરના સર્વેમાં ફલીત થયું છે. સર્વેના અનુમાન મુજબ ભારતીય જનતા પક્ષને ૨૦૧૨ની ૧૧૮ બેઠકોની સરખામણીએ હવે ૧૩૪ બેઠકો મળશે જયારે કોંગ્રેસને ૬૧ બેઠકોમાંથી ઘટીને ૪૯ બેઠકો જ મળશે.

ટાઈમ્સના સર્વેના અંદાજ મુજબ ચૂંટણીમાં ભાજપનો વોટ શેર ૪ ટકા સુધી વધી જશે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વોટ શેર ૪૮ ટકાનો હતો જે આગામી ચૂંટણીમાં ૫૨ ટકા સુધી પહોંચી જશે. જયારે કોંગ્રેસનો વોટ શેર ૩૯ ટકામાંથી માત્ર ૩૭ ટકા થઈ જશે. મોદી સરકારે લીધેલા પગલા કારણે ભાજપ જીતશે તેવું સર્વેમાં ભાગ લીધેલા લોકોએ કહ્યું હતું. ૪૨ ટકા લોકોએ કહ્યું હતું કે, જીવન ધોરણ નોટબંધી અને જીએસટી બાદ વધુ સુધર્યું છે ! જયારે ૪૦ ટકા લોકોએ માન્યુ હતું કે, જીવન ધોરણ બગડયું છે. જયારે ૧૮ ટકા લોકોએ જીવન ધોરણમાં કોઈ ફેર પડયો ન હોવાનું કહ્યું હતું.

બીજી તરફ જે રીતે ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને નોટબંધીના કારણે જીત મળી હતી તે રીતે ગુજરાતમાં જીએસટીના કારણે સફળતા મળશે તેવું પણ કેટલાક નિષ્ણાંતો માની રહ્યાં છે. ઉત્તરપ્રદેશ વિધાનસભા સમયે નોટબંધીના કારણે લોકોને પડેલી હાલાકીથી ભાજપને ફટકો પડશે અને સમાજવાદી તથા કોંગ્રેસને ફાયદો થશે તેવું માનવામાં આવતું હતું. પરંતુ પરિણામો કંઈક અલગ આવ્યા હતા. ભાજપનો ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય થયો હતો. આ જ રીતે ગુજરાત વિધાનસભામાં જીએસટીના કારણે ભાજપની મત બેંક તૂટશે તેવું માનવામાં આવી રહ્યું છે. જો કે હાલ નિષ્ણાંતોના અનુમાન મુજબ જીએસટી જ ભાજપને ગુજરાત વિધાનસભા જીતવામાં ફાયદો કરાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.