અમરેલીના જાળિયા ગામે ડો.હિમાંશુ કિલાવતે પ્રકૃતિના જતન માટે જુદી-જુદી 250 પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરીને હરિયાળી ક્રાંતિમાં અનોખું યોગદાન આપ્યું
દિનપ્રતિદિન વધી રહેલા ઉષ્ણતામાન અને ગ્લોબલ વોર્મિંગની સ્થિતિને પહોંચી વળવા માટે નિષ્ણાતોએ વૃક્ષારોપણને એક મજબૂત ઉપાય તરીકે ગણાવ્યો છે. વૃક્ષોનું વાવેતર વધશે એમ એમ હરિત કવચ વધશે અને પૃથ્વીના તાપમાનમાં ઘટાડો થઈ શકશે. પૃથ્વીને હરિયાળી બનાવવા માટે દેશ સહિત રાજ્યમાં મોટાપાયે હરિત ક્રાંતિનું અભિયાન પુરજોશમાં શરૂ છે. હરિત ક્રાંતિના આ અભિયાનમાં અમરેલીના એક તબીબે અનોખું યોગદાન આપ્યું છે. અમરેલી નજીક આવેલા જાળિયા ગામે તબીબ તરીકે સેવા આપતા ડો. હિમાંશુ કિલાવતે પ્રકૃતિના જતન માટે એક ’મિયાવાંકી જંગલ’ તૈયાર કર્યુ છે.
લગભગ બે એકર જમીનમાં 800 વૃક્ષોને મિયાવાંકી પદ્ધતિ દ્વારા ઉછેરવામાં આવ્યા છે. જાણીને નવાઈ લાગે પરંતુ આ 800 વૃક્ષોમાં કુલ 250 વૃક્ષો અલગ અલગ પ્રજાતિના છે. ડો. હિમાંશુ કિલાવતએ આ ભગીરથ કાર્ય છેલ્લા દોઢ વર્ષ જેટલા ટૂંકા ગાળામાં જ કર્યુ છે. હજુ આ પૈકીના કેટલાક છોડ ઉછરી રહ્યા છે જ્યારે કેટલાક ઘેઘુર વૃક્ષ બની ગયા છે. જો કે, આ વિચારબીજ પાછળ કોરોના મહામારી સમયે ઉદભવેલી ઓક્સિજનની સ્થિતિ પણ જવાબદાર છે.
આ ’મિયાવાંકી જંગલ’માં વૃક્ષોની વૈવિધ્યતા એટલી બધી છે કે ઠંડા પ્રદેશના કેટલાક છોડ સફળતા પૂર્વક ઉછરી શક્યા નથી. જેમ કે, સફરજન, આવાં અનેક છોડ જમીનની વિષમતા અને વાતાવરણની વિષમતાના કારણે નિષ્ફળ ગયા છે, છતાં તેઓ ફરીવાર આવાં છોડનું વાવેતર કરી અને તેને ઉછેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મિયાવાંકી જંગલમાં કેટલાક લુપ્ત થતાં જતાં વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે. ચંદન, સીસમ, સાગ, ખીજડો, એલચી, જાયફળ, સેતુર, અશ્વગંધા, અમેરિકન લીમડો, ફણસ, અર્જુન, સફરજન, રૂદ્રાક્ષ, હિંગ, ગુંદ, વાંસ, રબર, સતાવરી, અપરાજિતા. ખેર, એલચી જેવી અનેક જુદી જુદી પ્રજાતિના છોડ વાવીને ’મિયાવાંકી જંગલ’તૈયાર કરવામાં આવ્યું છે. આ મિયાવાંકી જંગલમાં પ્રકૃતિ સાથે પાણીના જતનનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે.
મિયાવાંકી પદ્ધતિના જનક જાપાનના વનસ્પતિશાસ્ત્રી અકિરા મિયાવાંકી છે. તેમણે જંગલોના જતન માટે મિયાવાંકી પદ્ધતિ દ્વારા એટલે કે ગીચોગીચ વૃક્ષો વાવવાની હિમાયત કરી હતી. અમરેલીના જાળિયામાં આવેલું આ ’મિયાવાંકી જંગલ’ડો.હિમાંશુના મતે જિલ્લાનું એક માત્ર ’મિયાવાંકી વન’ છે. તેમના આ જંગલની વન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા પણ મુલાકાત કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ જંગલ જ્યારે ઘેઘૂર બનશે ત્યારે અન્ય લોકો પણ આ પ્રકારની પ્રેરણા લઈ અને પ્રકૃતિ-પર્યાવરણ જતનનો સંકલ્પ લઈ જળવાયુ પરિવર્તનમાં મોટાપાયે થઈ રહેલી ઉથલપાથલને કાબૂમાં રાખવા યોગદાન આપી શકે છે…