ગુજરાતમાં ઐતિહાસિક જીતના સારથી સી.આર.પાટીલનો કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી અટકળો: પ્રથમવાર પ્રદેશ પ્રમુખ પદ મહિલા નેતાને સોંપાય તેવી પણ ચર્ચા
ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન માળખામાં ધડમૂળથી ફેરફાર કરવામાં આવે તેવી અટકળો હાલ ચાલી રહી છે. આગામી 16 અને 17 જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક મળશે. જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીતના સારથી સી.આર.પાટીલનો કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવે અને તેઓના સ્થાને પ્રદેશ પ્રમુખ તરીકે મહિલાની વરણી કરવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.
ભાજપ માટે ગુજરાત એક રાજકીય લેબોરેટરી છે. અહીં કોઇપણ પ્રકારના રાજકીય પ્રયોગ કરવામાં આવે તેને સફળતા સાંપડે છે. વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં પણ કેટલાક પ્રયોગો કરવામાં આવ્યા હતાં. જેમાં પક્ષને સફળતા સાંપડી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો સાથે ઐતિહાસિક વિજય થયો છે.
કમુરતા ઉતરતાની સાથે જ મોદી સરકાર દ્વારા મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવશે. જેમાં ગુજરાતના કેટલાક સાંસદોને મંત્રી મંડળમાંથી પડતા મૂકવામાં આવે તેવુ મનાય રહ્યું છે. ગુજરાતમાં સંગઠન માળખાને મજબૂત બનાવવા માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જનાર અને વિધાનસભાની ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીતના સારથી સી.આર.પાટીલને દિલ્હી લઇ જવામાં આવશે અને તેઓનો મોદી મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના હાલ જણાય રહી છે. 2019માં લોકસભાની ચૂંટણીમાં દેશમાં સૌથી વધુ લીડ સાથે પાટીલ વિજેતા બન્યા હતા. ત્યારે જ તેઓનો કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી અટકળો ચાલી હતી.
પરંતુ કોઇ કારણોસર તેઓનો મંત્રી મંડળમાં સમાવેશ કરાયો ન હતો. તેઓને ગુજરાત પ્રદેશ ભાજપની કમાન સોંપવામાં આવી હતી. તેઓના પ્રમુખ તરીકેના કાર્યકાળમાં ભાજપે વિધાનસભાની અલગ-અલગ બેઠકોની પેટાચૂંટણી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં શાનદાર વિજય મેળવ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તો તેઓની સંગઠન શક્તિ અને ચુંટણી વ્યૂહ રચનાએ કમાલ સર્જી દીધી હતી. ભાજપને ઐતિહાસિક વિજય થયો છે. હવે પાટીલને ગુજરાત પુરતા સિમિત ન રાખી રાષ્ટ્રીય કક્ષાએ તેઓની કૂનેહ શક્તિનો ઉપયોગ કરવાનું ભાજપે મન બનાવી લીધું છે.
કમુરતા ઉતરતાની સાથે જ મોદી મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવનાર છે. જેમાં ગુજરાતના કેટલાક સાંસદોને મંત્રી મંડળમાંથી પડતા મૂકવામાં આવશે અને કેટલાક નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે તેવું મનાય રહ્યું છે. સી.આર.પાટીલનો કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જો તેઓને મંત્રી બનાવવામાં આવશે તો ગુજરાતના સંગઠન માળખામાં ધડમુળથી ફેરફાર કરવામાં આવશે. પાટીલની મુદ્ત આગામી મહિનાઓ પૂર્ણ થઇ રહી છે. ત્યારે પ્રમુખ તરીકેની ટર્મ પૂરી કરે તે પહેલા જ તેઓને પ્રમોશન આપી દેવામાં આવે તેવું હાલ લાગી રહ્યું છે.
ભાજપ અને ખૂદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મહિલા સશક્તિકરણ પર પણ જોર મૂકી રહ્યાં છે. રાજનીતીમાં મહિલાઓની ભાગીદારી વધે તે માટે વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ દ્વારા મહિલાઓને અન્ય રાજકીય પક્ષોની સરખામણીએ સૌથી વધુ ટિકિટ આપવામાં આવી હતી. પક્ષ માટે હમેંશા પોલીટીકલી લેબ પર રહેલા ગુજરાતમાં પ્રથમવાર ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે કોઇ મહિલા નેતાની વરણી કરવામાં આવે તેવી ચર્ચાઓ પણ કાર્યકરોમાં ચાલી રહી છે.
જો મહિલાને પ્રમુખ પદ આપવાનો નિર્ણય ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં લેવામાં આવશે તો ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળનું નામ હાલ સૌથી આગળ ચાલી રહ્યું છે. એક વાત નિશ્ર્ચિત છે. આગામી દિવસોમાં ભાજપના સંગઠન માળખામાં બહુ મોટા ફેરફાર તોળાય રહ્યા છે.