ડો. મહેન્દ્ર મુંજપરાને કેન્દ્રીય મંડળમાંથી પડતા મુકાય તે અટકળ: સૌરાષ્ટ્રમાંથી મોહનભાઇ કુંડારીયા અને ભારતીબેન શિયાળના નામોની ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કમુરતા ઉતરતાની સાથે જ આવતા સપ્તાહે મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. જેમાં ચાલુ વર્ષ જે રાજયોમાં વિધાનસભાની ચુંટણી યોજાવાની છે તે રાજયોને વધુ પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાને વધુ એકવાર મોદી મંત્રી મંડળમાં સ્થાન મળે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. મંત્રી મંડળના વિસ્તરણ દરમિયાન ગુજરાતના કેટલાક સાંસદોને પડતા મુકવામાં આવી તેવી અટકળો પણ ચાલી રહી છે.
ચાલુ સાલ અલગ અલગ રાજયોની વિધાનસભાની ચુંટણી યોજાવાની છે જયાં ભારતનો વિજય થાય તેવા આશ્રય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આગામી દિવસોમાં વધુ એક વખત મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવશે. જેમાં જે રાજયોની ચુઁટણી યોજાવાની છે ત્યાંના સાંસદોનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.
ગુજરાત વિધાનસભાની ચુંટણીને ઘ્યાનમાં રાખી ગુજરાતથી રાજયસભાના સાંસદ એવા ડો. મનસુખભાઇ માંડવીયા અને પુરૂષોતમભાઇ રૂપાલાને મંત્રી મંડળના અંતિમ વિતરણમાં રાજયકક્ષાના મંત્રીમાંથી પ્રમોશન આપી કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાતથી લોકસભાના સાંસદ તરીકે ચુંટાયેલા ડો. મહેન્દ્ર મુંજપરા દર્શનાબેન જશદોશ અને દેવુસિંહ ચૌહાણને મોદી મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. આ ત્રણેય મંત્રીઓનું પર્ફોમન્સ એવરેજ રહ્યું હતું. દરમિયાન ડો. મહેન્દ્ર મુંજપરાએ પોતાના માનિતાને વિધાનસભાની ચુંટણીમાં ટિકીટ અપાવવા ધમપછાડા કર્યા હતા. તેઓને કેન્દ્રીય મંત્રી મંડળ માંથી પડતા મુકવામાં આવે તે ફાઇનલ માનવામાં આવે છે. તેઓના સ્થાને સૌરાષ્ટ્રમાંથી જો કોઇ સાંસદને મંત્રી મંડળમાં લેવામાં આવે તો રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાનું નામ હાલ સૌથી આગળ ચાલી રહ્યું છે. આ ઉપરાંત ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ અને કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાના નામો પણ ચર્ચાય રહ્યા છે.
દર્શનાબેન જશદોશ અને દેવુસિંહ ચૌહાણને પણ મંત્રી મંડળમાંથી પડતા મુકવામાં આવે તેવી અટકળો હાલ ચાલી રહી છે. રાજયસભાના સાંસદ જુગલજી ઠાકોરને સ્થાન મળે તેવી સંભાવના પણ જણાય રહી છે. મોદી સરકાર-1માં મોહનભાઇ કુંડારીયાને રાજયકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા. જો કે થોડા સમયમાં તેઓને પડતા પણ મુકી દેવામાં આવ્યા હતા. ફરી એકવાર મોહનલાલનો પતંગ આસમાનમાં ચગે તેવા સુખદ સંજોગો વર્તાય રહ્યા છે. જો મંત્રી મંડળનું વિસ્તરણ તમામ સમીકરણોને ઘ્યાનમાં લેવામાં આવશે. મોદી હંમેશા કંઇક નવું જ કરવા માટે જાણીતા છે વતી શકે તેઓ મોહનભાઇ, ભારતીબેન શિયાળ કે વિનોદ ચાવડાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવાના બદલે સૌરાષ્ટ્રના અનય કોઇ સાંસદની પસંદગી કરે હાલ અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા સૌથી સીનીયર છે.
જો મંત્રી મંડળમાંથી પુરૂષોતમભાઇ રૂપાલાની બાદબાકી બકરી તેઓને પ્રદેશ સંગઠનમાં મોટો હોદો આપવામાં આવે તો નારણભાઇ માટે તક વધી જાય છે. સામાન્ય રીતે ભાજપ દ્વારા અંતિમ ઘડી સુધી કોને પડતા મુકવામાં આવશે અને કોને લેવામાં આવશે. તે અંગે ફોક પાડવામાં આવતો નથી. છેલ્લી ઘડી એ જ ખબર પડશે કે મોદી મંત્રી મંડળમાં કોનો પતંગ ચગશે કે કોનો પતંગ કપાશે.