કિંમતી જમીન પાણીના ભાવે પડાવવા ફાયરીંગ કરતા ભયનો માહોલ : ત્રણ ખેડૂત પરિવારમાં ફફડાટ
પોલીસના ડર વિના સાત શખ્સોએ મચાવેલા આતંકથી નાના એવા માણાવાવમાં નાસભાગ : સાતેય શખ્સો સામે નોંધાતો ગુનો
ધારીના માણાવાવ ગામે ગઈકાલ સાંજના સમયે જમીનની લેતી દેતી પ્રશ્ને સ્કોર્પિયોમાં આવે સાત શખ્સોએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કરતા ફિલ્મી દ્ર્શ્યો સર્જાયા હતા.જેમાં તેઓ દ્વારા ત્રણ ખેડૂત પરિવારની જમીન પાણીના ભાવે પડાવી લેવા તેઓને ડરાવવા ફાયરીંગ કર્યા હોવાનું સામે આવ્યું હતું.હાલ પોલીસે સાત શખ્સો સામે ગુનો નોધી વધુ કાર્યવાહી હાથધરી છે.
આ અને વિગતો અનુસાર ધારી તાલુકાના માણાવાવની સીમમાં મુળ માંગરોળ તાલુકાના ગામના વતની વીરાભાઈ જગમાલભાઈ રામ અને અન્ય બે ખેડૂતોએ માણાવાવમાં ખેતીની જમીન ખરીદી હતી. જ્યારે પરબતભાઈ રાજાભાઈ રાજતીયા (રહે.કેશોદ) અને મનસુખભાઈ નાનજીભાઈ ડેડાણીયા અને કેશોદ તાલુકાના રંગપુરના વતનીને મેસુરભાઈની વાડીની બાજુની જમીન મેસુરભાઈએ વેચાતી અપાવેલી હતી. જે જમીન વેચાતી લેવા માટે હરદીપ દડુભાઈ વાળા,જશુભાઈ વલકુભાઈ વાળા, અને હકુભાઈ અમરાભાઈવાળા અને ઘેલુભાઈ નનકુભાઈ વાળાએ વાત કરી હતી. અને જમીન વેચાતી રાખ્યા વગર આ લોકોએ જમીનમાં કબજો કરી લઈ ચણાનું વાવેતર કર્યુ હતુ. જે વિવાદનું સમાધાન કરવાની વાત મેસુરભાઈના સબંધી થતા હોવાથી કબજો સંભાળનાર વચ્ચે તકરાર ચાલતી હતી અને આ જમીન હરદીપ અને ઉપર જણાવેલા શખ્સોને સસ્તામાં પડાવી લેવાનો ઈરાદો હતો.
જેથી પરબતભાઈએ તેમને જમીન આપવાની ના પાડતા એનો ખાર રાખી ફાયરિંગ કરનારા હરદીપએ મોબાઈલ પર ફોન કર્યો હતો.આ જમીન અમારે અને પરબતભાઈ, મનસુખભાઈ ડેડાણિયાને લે-વેચની વાત ચાલતી હતી. એમાં તમારે શા માટે વચ્ચે પડવું જોઈએ હું મર્ડર કરીને છુટ્ટો ફરું છું. અને થોડીવાર પછી અમો બધા તમારી સાથે જોવા જેવી કરશું એવી ધમકી આપી બે ફોરવ્હીલમાં આવી હરદીપ અને અન્ય છ શખ્સોએ વીરાભાઈ જગમાલભાઈ રામની વાડીએ જઈ ઘર પર પથ્થરમારો કરી ઘરની બાજુમાં રહેલી એક કારનો કડુસલો બોલાવી દીધો હતો. તેમજ બે મોટર સાયકલ તોડી નાંખ્યા હતા. આટલેથી ન અટકતા ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ ઘટનામાં વીરાભાઈ જગમાલભાઈ રામે હરદીપ દડુભાઈ વાળા, જશુભાઈ વલકુભાઈ વાળા, હકુભાઈ અમરાભાઈ વાળા, ઘેલુભાઈ નનકુભાઈવાળા અને અન્ય ૩ અજાણ્યા મળી કુલ સાત શખ્સો સામે પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.