બાઈક પર આટો મારવા નિકળેલા બે પિતરાઇ ભાઇઓના મળ્યો અકસ્માત: પરિવારમાં આક્રંદ
રાજકોટ શહેરના ભાગોળે આવેલા કુવાડવા રોડ પર ગઇ કાલે સાંજના સમયે એક કાર ચાલકે બાઈકને અડફેટે લેતાં એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલા પિતરાઈ ભાઈને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવાગામ -૪માં રહેતા અને છૂટક મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતા ગોપાલ પ્રવીણભાઈ વાટિયા (ઉ.વ.૧૮) અને તેની પાડોશમાં જ રહેતા તેના પિતરાઈ ભાઈ ઉદય રાજેશભાઈ વાટિયા (ઉ.વ.૧૭)ને કુવાડવા રોડ પર અકસ્માત નડ્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલાં ગોપાલ વાટિયાનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે ઉદય વાટિયાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક ગોપાલ વાટિયા ગઇ કાલે તેના પિતરાઇ ભાઇ ઉદય વાટિયા સાથે બાઈક પર આટો મારવા નીકળ્યા હતા. ત્યારે કુવાડવા રોડ પર એક કાર ચાલકે બાઈકને અડફેટે લેતા બંને ભાઈઓ ફંગોળાયા હતા. જેમાં ગંભીર રીતે ઘાયલ ગોપલનું મોત નિપજ્યું હતું. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.