‘પૈસા જોઇએ કે પ્રસન્નતા’ આ વિષય પરના પ્રવચન મોટી સંખ્યામાં શ્રોતાઓએ લીધો લાભ
ગિરનાર મહાતીર્થની ગોદમાં આવેલ ગીરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય પૂ. હેમવલ્લભસૂરિજી મહારાજ અને પૂ. પંન્યાસ પ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન નિશ્રામાં ‘પૈસા જોઇએ કે પ્રસન્નતા?’ આ વિષય ઉપર પ્રવચન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રોતાઓએ લાભ લીધો હતો. પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શન વિજયજીએ પ્રવચન દ્વારા વહાવતા કહ્યું હતું કે: ભોજનના ક્ષેત્રે બે રોટલી માઇલ સ્ટોન છે. તો દસ રોટલી એ મંજિલ છે. મુસાફરોના ક્ષેત્રે બે સર્જનના ક્ષેત્રે પચાસ પાના કદાચ માઇલસ્ટોન છે તો પાંચસો પાનાએ મંજિલ છે. દુ:ખની વાત તો એ છે કે, સંપત્તિના ક્ષેત્રે માત્ર માઇલસ્ટોન જ છે. પણ મંજિલ તો નકકી જ નથી. જેટલું છે તે ઓછું પડે છે જીવનના ક્ષેત્રે પણ લક્ષ્ય ચૂકાયું છે. પ્રસન્નતા કરતાં પણ શ્રીમંતાઇ તરફનું આકર્ષણ વધુ છે. સફળ થવા માટે મહાનતાનો છેદ ઉડી રહ્યો છે.
સંપત્તિના ક્ષેત્રે તમે ગમે તેટલી મોટી પણ રકમને ભલે માઇલસ્ટોન જ માનતા હો પણ તમારા જીવનની મંજિલ તો દરેક સમયે જાય છે. અને નજીક જ આવી રહી છે. ભલેને સંપત્તિના ક્ષેત્રનો તમારો આંકડો મોટોને મોટો થતો જતો હોય પણ જીવન તો તમારું પ્રત્યેક સમયે ટુંકુ ને ટુંકુ જ થતું જાય છે. માર્કેટમાં તમે પ00 કરોડના જાહેર થયા હો પણ એ જ પળે તમારી જિંદગીના છેલ્લા શ્ર્વાસ સમાપ્ત થઇ રહ્યાનું જાહેર થાય એ વખતે માનસિક પરિસ્થિતિ પ્રસન્ન ન જ હોય. જીભનું કેન્સર હોય અને તમારી સામે મિઠાઇના થાળ ભરેલા હોય, ઘરના આંગણે લેટેસ્ટ ગાડીઓની વણઝાર હોય પણ તમારું આખું શરીર લકવાગ્રસ્ત હોય, બેંક બેલેન્સ કરોડોની હોય અને નિશ્ર્ચેષ્ટ દેહ ઠાઠડીમાં બંધાઇ રહ્યો છે. આવા સમયે મીઠાઇના થાળ, ગાડીઓની વણઝાર અને કરોડોની બેંક બેલેન્સને શું કરવાનું ?
પૈસા સાથે જીવવું એ જુદી વાત છે અને પૈસા માટે જીવવું એ જુવી વાત છે. આજનો માણસ પૈસા મેળવવા ભલભલા ખુન ખરાબા, વિશ્ર્વાસઘાત અને બદમાશી કરવા ગમે ત્યારે તૈયાર હોય છે. પૈસા સાથે તમારુેં જીવન જીવાતું હશે તો તમારી પ્રસન્નતાને અકબંધ રાખવામાં તમને કોઇ જ વાંધો નહી આવે. પરંતુ પૈસા માટે જ જો તમે જીવન જીવતા હશો તો પ્રસન્નતાના નામને તમારે નાહી નાખવાનું જ રહેશે. જો તમારે શ્રીમંત પણ બનવું છે. અને પ્રસન્ન પણ રહેવું હોય તો પૈસાની કોઇ એક મર્યાદા નકકી કરી દો. સંપત્તિના ક્ષેત્રે ભીડ ચીકકાર છે. ભય પારાવાર છે અને સ્પર્ધા બેસુમાર છે. જે રસ્તા પર જવાનો ભય હોય એ રસ્તે સ્ટીઅરીંગ વ્હીલ પર બોડેલાને પ્રસન્નતા સંભવિત નથી. જયાં નિર્ભરતા ન હોય ત્યાં પ્રસન્નતા ન હોય, અતિ શ્રીમંતાઇ વાળાના ત્યાં ગમે ત્યારે આઇ.ટી. કે. જી.એસ.ટી.ની રેડ પડી શકે છે. જે માગ માગ કર્યા કરે છે. એ કદાચ ગરીબ છે. પરંતુ પોતાની પાસે પર્યાપ્ત પ્રમાણમાં હોવા છતાં આપવાની જે ના પાડે છે એ તો મોટો ગરીબ છે. પ્રસન્નતા બીજાને આપશો તો જ તમે પ્રસન્ન બની શકશો.