ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે રમાનારા ત્રીજા અને અંતિમ ટી-20 મેચ માટે આજે બપોરે બંને ટીમોનું ચાર્ટર પ્લેનમાં રાજકોટમાં આગમન થતાની સાથે જ ક્રિકેટ ફિવર છવાય ગયો છે. બીજો મેચ શ્રીલંકાએ જીતી લેતા શ્રેણી 1-1ની બરાબર પર આવી જવા પામી છે. આવતીકાલનો મેચ ફાઇનલ સમાન બની રહેશે.
ટીમ ઇન્ડિયાની ટીમ રાજકોટની સૈયાજી હોટલ ખાતે આવી પહોંચી છે ત્યારે રંગીલા રાજકોટમાં ટીમ ઇન્ડિયાનું રજવાડી સ્વાગત કરવામાં આવ્યું છે. ગુજરાતી પરંપરા મુજબ મહેમાનો ગરબા રમીને વધાવવામાં આવે છે તે જ રીતે રંગે ચંગે તેમનું ગરબે રમીને સ્વાગત કરવામાં આવ્યું છે.
આજે બપોરે પૂણે ખાતેથી બન્ને ટીમોનું ચાર્ટર ફ્લાઇટમાં રાજકોટ આગમન થયું હતું. ટીમ ઇન્ડિયાને કાલાવાડ રોડ સ્થિત હોટલ સૈયાજી ખાતે ઉતારો આપવામાં આવ્યો છે. જ્યારે શ્રીલંકન ટીમને 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટલ ખાતે ઉતારો આપવામાં આવ્યો છે. એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ બન્ને ટીમોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પોત પોતાની હોટલ ખાતે લઇ જવામાં આવી હતી.
શ્રીલંકાની ટીમ પ્રથમવાર ખંઢેરીમાં ટી-20 મેચ રમશે. ભારત માટે સૌથી મોટો પડકાર કંગાળ બોલીંગ અને બેટ્સમેનોનું ખરાબ ફોર્મ છે. બન્ને મેચમાં બોલરોની ધોલાઇ થઇ હતી. જ્યારે બેટ્સમેનો પણ શ્રીલંકન બોલરો સામે સતત સંઘર્ષ કરતા નજરે પડ્યા હતાં. બીજી ટી-20 મેચમાં ભારતે 207 રનના લક્ષ્યાંક સામે માત્ર 57 રનમાં પાંચ વિકેટો ગુમાવી દીધી હતી. સુર્યકુમાર યાદવ અને અક્ષર પટેલની અર્ધી સદીની મદદથી ટીમનો રકાસ અટક્યો હતો. જો કે ભારે રોમાંચકતા બાદ ભારતનો 16 રને પરાજય થયો હતો.