મિલ્કત વેરા નંબર સાથે લિંક ન થયેલા કનેકશનોની ઈન્કમલેપ્સ દૂર કરવા તાકીદ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2022-23 ના મિલકત વેરા વસુલાતના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે સઘન વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમાં મિલકત વેરાની સાથોસાથ પાણી દરની રકમ ભરવાની બાકી હોય તેવા અનલિંક નળ કનેક્શન અંગેની એક ખાસ ઝુંબેશ શરૂ કરવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આદેશ કર્યો છે. હાલ કુલ-57,780 અનલિંક નળ કનેક્શનોના પાણી દરના માંગણાની વસુલાત બાકી છે, જે પૈકી 25406 અનલિંક નળ કનેક્શનો એવા છે જેની દરેકની રૂ.25000/- થી વધારે રકમની પેન્ડીંગ માંગણાની વસુલાત કરવા આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જ્યારે રૂ. 5,000/- કે તેથી વધુ રકમનો પાણી દર ભરપાઈ કરવાનો બાકી હોય તેવા અન્ય કનેક્શનોને પણ આ ઝુંબેશમાં આવરી લેવામાં આવનાર છે.
આ નળ કનેક્શનો મિલકત વેરા નંબર સાથે લિંક થયેલ ન હોઈ બાકી વેરાની સાથે વેરા વસુલાત શાખા દ્વારા મિલકત વેરા સાથે વસુલાત થઇ શકતી નથી. જે વસુલાત માટે અલગથી આયોજન કરવું અત્યંત આવશ્યક જણાય છે. આથી રૂ.25,000/- થી વધુ પાણી દર બાકી હોય તેવા કુલ-25,406 નળ કનેકશનોની વસુલાત કરવા માટે ત્રણેય ઝોનના સીટી એન્જીનીયરશ્રીના સીધા નિયંત્રણ અને સુપરવિઝન હેઠળ લગત ઝોનના વોર્ડ એન્જીનીયર મારફત કામગીરી સુપ્રત કરવા કમિશનર દ્વારા હુકમ કરવામાં આવેલ છે.
આ કામગીરી 31 માર્ચ, 2023 સુધી કરવાની રહેશે તેમજ વધુમાં વધુ રીકવરી થાય તે મુજબનું લગત વોર્ડમાં આયોજન કરી સંબંધિત વોર્ડના વોર્ડ એન્જીનીયર તેઓના તાબા હેઠળના એ.ઇ./એ.એ.ઇ. અને વર્ક આસીસ્ટન્ટ મારફત કરાવવામાં આવનાર છે.
આ ઝુંબેશ દરમ્યાન સ્થાનીકે અનલિંક કનેક્શન વસુલાત દરમ્યાન સંબંધિત નળ કનેક્શનને લગત મિલકતના મિલકત નંબર તેમજ મોબાઇલ નંબર મેળવવામાં આવશે.
સ્થાનિકે નળ કનેકશન હયાત ન હોય તેવા કિસ્સામાં ક્નેકશન રદ્દ કરવા માટે જરૂરી કાર્યવાહી કરી નળ કનેકશન કઈ તારીખથી રદ કરવા પાત્ર છે તે સ્પષ્ટ માહિતી સાથેનો સક્ષમ અધિકારીશ્રીનો હુકમ કરી તેની નકલ સંબંધીત વોર્ડ ઑફિસે આપવામાં આવશે.
સ્થાનિકે વધારાનુ નળ કનેક્શન જોવા મળે તો તે કનેકશનની સાઇઝ અને જો કનેક્શન રેગ્યુલરાઇઝ કરવાનું થતું હોય તો તે મુજબ રેગ્યુલરાઇઝ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
આ કામગીરી જે તે વોર્ડના વોર્ડ ઑફિસરના સંકલનમાં રહીને કરવામાં આવશે.
વેરા વસૂલાત શાખાએ 71 મિલકતોને ફટકારી નોટિસ: 13 યુનિટ સીલ
રિક્વરી સેલે રૂ.34.58 લાખની રિક્વરી કરી
રાજકોટ મહાનગર પાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ટેક્સ રિક્વરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત આજરોજ 71 મિલકતોને માંગણા નોટિસ આપવામાં આવી હતી તથા બપોર સુધીમાં રૂ.34.58 લાખની વસૂલાત થવા પામી હતી. આજે હાથ ધરવામાં આવેલ ટેક્સ રિક્વરીની કામગીરી અંતર્ગત રાજકોટના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પાંચ યુનિટને સીલ કરી 21 મિલકતોને બાકી માંગણા સામે નોટિસ આપેલ તથા રૂ.9.89 લાખની રિક્વરી થઇ છે. જ્યારે વેસ્ટ ઝોનમાં આઠ યુનિટને સીલ કરાયા તથા 27 મિલકતોને બાકી માંગણા સામે નોટિસ આપેલ તથા રૂ.11.05 લાખની રિક્વરી થઇ છે. ઇસ્ટ ઝોન દ્વારા 8 યુનિટને સીલ કરાયા તથા 27 મિલકતોને બાકી માંગણા સામે નોટિસ આપેલ તથા રૂ.13.64 લાખની રિક્વરી થતા થઇ છે.
આજે રિક્વરી સેલ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી 13 યુનિટને સીલ કરાયા તથા 71 મિલકતોને બાકી માંગણા સામે નોટિસ તથા રૂ.34.58 લાખની રિક્વરી થવા પામી છે.આગામી દિવસોમાં બાકી વેરો વસૂલાત કરવા માટે ઝુંબેશ વેગવાન બનાવવામાં આવશે.