સેક્રેટરી ઓફ સ્ટેટ ટીલર્સન ભારતના પ્રવાસે: વિવિધ ક્ષેત્રોમાં થશે સમજૂતી
અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ રેકસ ટીલર્સન આજે ભારતના પ્રવાસે છે. તેમણે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનની જાટકણી કાઢી છે. તેમણે આતંકવાદના ફેલાવા પાછળ પાકિસ્તાનના સત્તાધીશો જવાબદાર હોવાનું કહ્યું છે અને વહેલીતકે આતંકીઓનો ખાત્મો બોલાવવા તેમને ચેતવણી આપી છે.
ગઈકાલે પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન જ તેમણે પાકિસ્તાનને આતંકીઓનું સ્વર્ગ હોવાનું કહ્યું હતું. તેમણે પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની આતંકવાદ વિરોધી લહાઈને આગળ ધપાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન અબ્બાસી સાથેની બેઠક દરમિયાન તેમણે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે આર્થિક સંબંધોની ચર્ચા પણ કરી હતી.
આ ઉપરાંત બેઠકનો મુખ્ય મુદ્દો આતંકવાદનો હતો. પાકિસ્તાનમાં આતંકીઓના અડ્ડાનો ખાત્મો બોલાવવાની તાકીદ તેમણે આ પ્રવાસ દરમિયાન કરી હતી. આજરોજ રેકસ ટીલર્સન ભારતના પ્રવાસે આવી પહોંચ્યા છે. તેઓ ત્રણ દિવસ સુધી ભારતમાં રોકાશે. જે દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે બેઠકમાં ભાગ લેશે.
સેક્રેટરી ઓફ સ્ટેટ રેકસ ટીલર્સન તા.૨૭ સુધી પાંચ દેશોના પ્રવાસે છે. તેઓ સાઉદી અરેબીયા, કતાર, પાકિસ્તાન અને સ્વીત્ઝરલેન્ડના પ્રવાસે નીકળ્યા છે. આજે તેઓ ભારતમાં આવી પહોંચ્યા બાદ ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક, ટેકનોલોજીના આદાન-પ્રદાન અને આતંકવાદના ખાત્મા સહિતના ક્ષેત્રે સમજૂતી થાય તેવી આશા છે.