રાજકોટ: કપડાનો એક્સ્પોર્ટના ધંધાર્થી 11.11 ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપાયો
જેલમાંથી છૂટયાના નવ દિવસ બાદ જ સુરતના પેડલરે ધંધો શરૂ કરી દીધો : કુલ રૂ.1.16 લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ એસ.ઓ.જીએ નવા વર્ષના પ્રારંભ સાથે જ એમ.ડી ડ્રગ્સ પકડવામાં મોટી સફળતા મળી છે.આજી ડેમ ચોકડી પાસે ભાવનગર રોડ પર પોલીસે 11.11 ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે સુરતના કપડાના એક્સપોર્ટરને પકડી પાડયો હતો.તેની પાસેથી કુલ રૂ.1.16 લાખનો મુદ્દામાલ કબજે કરી તે ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો.અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે વધુ પૂછતાછ હાથધરી છે. ઉલ્લેખનીય છે કે,આરોપી નવ દિવસ પહેલા જ સુરત જેલમાંથી છૂટયો હતો.અને જેલમાંથી છૂટતાની સાથે જ ડ્રગ્સનો કાળો કારોબાર શરૂ કરી દીધી હતો.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર એસ.ઓ.જીના એએસઆઈ ડી.બી. ખેરે મળેલી બાતમીના આધારે આજી ડેમ ચોકડી નજીક સુરતનો મહંમદફયાઝ મહમદફારુક ગલાની(ઉ. વ.34)વાળો ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનું જણાતા પોલીસે સ્થળ પર જાઈ તેના પેન્ટના ખીસ્સામાં તપાસ કરતા તેમાંથી 11.11 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સની વેકયુમ પેક કોથળી મળી આવી હતી. સાથોસાથ આ ડ્રગ્સ લેવા માટે ઉપયોગમાં લેવાતી 10 સીરીન્ઝ પણ મળી આવી હતી. તેના મોબાઈલ ફોન અને ડ્રગ્સની એક ગ્રામની રૂા.10,000 કિંમત ગણી એસઓજીએ કુલ રૂા.1.16 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
એસઓજીના સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી મહંમદફયાઝ કટલેરી- હોઝિયરી ઉપરાંત કપડાના એક્ષપોર્ટનું કામ કરતો હોવાનું જણાવે છે. અત્યાર સુધી જે માહિતી મળી છે તે મુજબ તે રાજકોટમાં યુવાધન કે છાત્રોને ડ્રગ્સ સપ્લાય કરવા આવ્યાનું જણાઈ રહ્યું છે. તે પોતે પણ ડ્રગ્સનો બંધાણી છે. તે ડ્રગ્સ કોની પાસેથી લઈ આવ્યો હતો અને રાજકોટમાં કોને સપ્લાય કરવાનો હતો તે બાબતે હજૂ કોઈ માહિતી આપતો નથી. હાલ આ કેસની વધુ તપાસ આજીડેમ પોલીસને સોંપવામાં આવી છે. આજી ડેમ પોલીસ તેની પૂછતાછ કરશે તે બાદ તેની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા સેરવાઈ રહી છે.