જો બાઈડને વહીવટીતંત્રે નોન-ઇમિગ્રન્ટ એમ્પ્લોયમેન્ટ-આધારિત વિઝા ફીમાં ભારે વધારો કરવા કરી દરખાસ્ત
હવે અમેરિકા જઈને સ્થાયી થવા ઈચ્છતા લોકો માટે હવે માઠા સમાચાર છે કારણકે જો બાઈડન વહીવટીતંત્રે નોન-ઇમિગ્રન્ટ એમ્પ્લોયમેન્ટ-આધારિત વિઝા ફીમાં ભારે વધારો કરવાની દરખાસ્ત કરી છે, કે જેમાં H-1B અને L વિઝાનો સમાવેશ થાય છે. આ વિઝા ફી અમેરિકી એમ્પ્લોયર કંપનીઓ દ્વારા વસૂલવામાં આવે છે.મંગળવારે મોડી રાત્રે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ) દ્વારા ફી વધારવાનો આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ 469 પાનાનો દસ્તાવેજ છે કે જેમાં વિગતવાર માહીતી સમાયેલ છે. જો કે, આ ફી વધારો તાત્કાલિક લાગુ કરવામાં આવશે નહીં. વહીવટી પ્રક્રિયાની જરૂરિયાતો અનુસાર, દરખાસ્ત પર સાર્વજનિક અભિપ્રાય માટે 60 દિવસનો સમય આપવામાં આવ્યો.
એજન્સીના દાવા મૂજબ 96 ટકા ભંડોળ યુ એસ સી આઈ એસ દ્વારા ફાઇલિંગ ફીમાંથી મેળવવામાં આવે છે. કોરોના વાયરસ રોગચાળાએ યુએસ ઇમિગ્રેશન સર્વિસીસની કમાણી પર પણ ગંભીર અસર પહોંચાડી છે. સ્ટાફની અછતથી ત્રસ્ત અમેરિકાની ઈમિગ્રેશન એજન્સી પર જૂની અરજીઓ મંજૂર કરવાનું દબાણ વધી ગયું છે. તેની અખબારી યાદીમાં એજન્સીએ જણાવ્યું હતું કે, સૂચિત ફી યુએસસીઆઈએસ ખાતે વ્યાપક ફી સમીક્ષાનું જ પરિણામ છે. આ સમીક્ષામાં જાણવા મળ્યું હતું કે, એજન્સીની હાલની ફીમાં 2016થી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. માટે આ એજન્સી કામગીરીની વસૂલવામાં કિંમત ઘણી ઓછી છે.
સૌથી વધુ અસર ભારતીયોને થશે
જો બાઈડન વહીવટીતંત્રના વિઝા ફી વધારાના પ્રસ્તાવથી સૌથી વધુ અસર ભારતીય અને ચીની નાગરિકોને થશે. અમેરિકામાં આઈટી અને ફાર્મા જેવી કંપનીઓમાં ભારતીય નાગરિકો મોટી સંખ્યામાં કામ કરે છે. ભારતીય વિદેશ મંત્રાલયના ડેટા અનુસાર, અમેરિકામાં 12,80,000 ભારતીય એન આર આઈ 31,80,000 અને 44,60,000 વિદેશી ભારતીયો રહે છે. આ નાગરિકો પણ ત્યાંથી તેમની કમાણીનો મોટો હિસ્સો ભારતમાં રહેતા તેમના પરિવારોને મોકલે છે, જે સરકારને વિદેશી હૂંડિયામણ રિઝર્વ જાળવવામાં મદદરૂપ થાય છે.
ટ્રમ્પે પણ ફી વધારવાનો પ્રયાસ કર્યો હતો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના કાર્યકાળ દરમિયાન વિઝા ફી વધારવાનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ તેમના પ્રસ્તાવની ઇમિગ્રન્ટ સંસ્થાઓ અને વિપક્ષી નેતાઓ દ્વારા ઉગ્ર ટીકા કરવામાં આવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ વિઝા ફીમાં નોંધપાત્ર વધારો કરવા ઈચ્છતા હતા. તેમણે અમેરિકામાં પહેલીવાર આશ્રય મેળવનારાઓ પાસેથી 50 ડોલર ફી વસૂલવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. ટ્રમ્પની દરખાસ્તથી ઓછી આવક ધરાવતા અરજદારો માટે ઘણી ફી માફી પણ ઓછી થઈ જાત. પરંતુ યુએસ ફેડરલ કોર્ટે 2020માં ટ્રમ્પની યોજનાને અટકાવી દીધી હતી.