કોંગ્રેસ પ્રભારી ગહેલોત સાથેની મુલાકાત બાદ બેગમાં શું હતું ? તેવા પ્રશ્ર્નો સાથે હાર્દિક પર પસ્તાળ
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને હવે કોંગ્રેસનું કોળુ ગળામાં સલવાઈ ગયું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.અત્યાર સુધી ભાજપના વિરોધમાં અને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષની તરફેણમાં નિવેદનો કરનાર હાર્દિકની સ્થિતિ કફોડી બની છે.
ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે કરેલી બેઠક બાદ પાસના જ કેટલાક સભ્યો હાર્દિક પર આંગળી ચીંધી રહ્યાં છે.
પાસના નેતાઓ અત્યાર સુધી પાટીદારોને અનામત અપાવવા સરકાર સામે એક થઈને લડતા હતા. જો કે હવે નેતાઓમાં મતભેદ ઉભા થયા છે. તેઓ એકબીજા પર ગંભીર આક્ષેપો કરી રહ્યાં છે. હાર્દિક પટેલ કોંગ્રેસના નેતાને અમદાવાદની એક ફાઈવ સ્ટાર હોટલમાં મળ્યા હોવાના અહેવાલો બાદ આ આગ વધુ ભડકી છે.
હોટલમાંથી બહાર નીકળતી વખતે હાર્દિકની બેગમાં શું હતું તેનો જવાબ આપવા તાજેતરમાં ભાજપમાં જોડાયેલા રેશ્મા પટેલે માંગ કરી છે. બીજી તરફ હાર્દિક પટેલે તેમની બેગમાં કપડા, લેપટોપ-આઈપેડ હોવાનું કહ્યું છે. જો કે આ વાત કેટલાક નેતાઓને ગળે ઉતરતી નથી. મોડી રાત્રે હોટલમાં કપડા અને લેપટોપનું શું કામ તેવા પ્રશ્ર્નો પણ થઈ રહ્યાં છે.
હાર્દિક પટેલની ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત સાથેની અમદાવાદની એક હોટલમાં રવિવારે મોડી રાત્રે થયેલી મુલાકાત બાદ જાહેર થયેલા સીસીટીવી ફૂટેજમાં હાર્દિક લીફટમાંથી નીકળે છે ત્યારે તેની પાસે બેગ દેખાય છે અને હાર્દિકની પાછળ એક વ્યક્તિ છે તેની પાસે પણ મોટી બેગ હોવાનું માલુમ પડે છે.
હોટલમાં હાર્દિકે પ્રવેશ કર્યો ત્યારે બેગ નહોતી તેવા મુદ્દા સાથે સોશ્યલ મીડિયામાં પણ હાર્દિકની બેગમાં શું હતું તેવી પસ્તાળ પડી રહી છે. હાર્દિક પટેલે અશોક ગેહલોત સાથે બંધ બારણે મુલાકાત શા માટે
કરી તેવા વેધક સવાલો પણ પુછાઈ રહ્યાં છે.કોંગ્રેસના આગેવાનો સાથે હાર્દિકે કરેલી મુલાકાત બાદ તેની પરિસ્થિતિ કફોડી બની ગઈ છે.
કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી પરિસ્થિતિ હાલ હાર્દિકની નથી. બીજી તરફ કોંગ્રેસ તમામ માંગ માની તેનો અમલ કરવાની ધરપત આપી રહી છે. પરિણામે હાર્દિકની પરિસ્થિતિ કોળુ ગળી ગયા જેવી થઈ છે.
આગામી સમયમાં ચૂંટણી છે ત્યારે હાર્દિક ભાજપ કે કોંગ્રેસ તરફ ઝૂકાવ રાખશે તે અંગે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યાં છે.
અત્યારે તો હાર્દિકની કોંગ્રેસના આગેવાનો સાથેની બેઠકમાં શું ચર્ચા થઈ અને કઈ રણનીતિ ઘડાઈ તે ચર્ચા ચાલુ છે.