માળીયા મીયાણાના મોટા દહિસરા ગામે ખેલાયો ખૂની ખેલ: આરોપીની ધરપકડ
મોરબી પંથકમાં બે દિવસમાં બે હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં પ્લોટ બાબતે આધેડને કાર નીચે કચડી નાખતા બાદ ગઇ કાલે માળીયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામે ‘ તું કેમ મૂછના આકડા ચડાવે છે ?’ કહી પ્રૌઢને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવી છે. પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી આરોપીને દબોચી લીધો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માળીયા મિયાણા તાલુકાના મોટા દહીસારા ગામે રહેતા વિનોદભાઈ મુળુભાઇ ચાવડા નામના ૫૦ વર્ષીય પ્રૌઢને તેના જ ગામના હકા ચંદુ મિયાત્રા નામના શખ્સે છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ઇન્ચાર્જ પીએસઆઇ એમ.જે. ધાંધલ સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક વિનોદભાઈ ચાવડાએ આરોપી હકા મિયાત્રા સામે જોઈ મૂછને તાવ દેતા મામલો બિચકયો હતો. જેમાં હત્યારા હકા મિયાત્રાએ ‘ તું મૂછના આકડા કેમ ચડાવે છે?’ તેમ કહી વિનોદભાઈ ચાવડા પર છરી વડે તૂટી પડ્યો હતો. જેમાં પ્રૌઢનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી હત્યારા હકા મિયાત્રાને ગણતરીના કલાકોમાં દબોચી લઈ હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.