કાલે વર્લ્ડ બ્રેઈલ ડે
સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ નેત્રહીન બહેનોને વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી સમાજની મુખ્યધારામાં સામેલ કરવાનો છે:મંત્રી ડો. પ્રકાશભાઈ મંકોડી
અંધ વિદ્યાર્થીનીઓ માટે રાઇટર તરીકે સેવા આપવા ઈચ્છુકોએ સંસ્થાનો સંપર્ક કરવા સંસ્થા દ્વારા અનુરોધ
અંધ દીકરી મંદિરા પોતાની વ્યથા ભૂલીને જીવન જીવવાની નવી રાહ ચીંધે છે. જ્યારે એવું લાગે કે જીવનમાં અનેક સમસ્યાઓ છે ત્યારે રાજકોટના ઢેબરભાઈ રોડ પર આવેલ વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહની મુલાકાતે જઈએ તો ખ્યાલ આવે કે આપણી મુશ્કેલીઓ તો રતિભાર છે. જન્મથી જ જોઈ ન શકતી બાળકીઓ પોતાની ઉણપને અવગણી બ્રેઈલ લિપિના માધ્યમથી કૂણી આંગળીઓના સ્પર્શ વડે વાંચતા-લખતા શીખી રહી છે,એટલું જ નહીં સાથેસાથે તેઓમાં ભણાવાતી કવિતાઓ ગાવાનો અદમ્ય ઉત્સાહ જોવા મળે છે.
પ્રજ્ઞાચક્ષુને ઉપયોગી બ્રેઈલ લિપિના શોધક લૂઈસ બ્રેઈલના જન્મદિવસ નિમિત્તે તા. 04 જાન્યુઆરીના રોજ વર્લ્ડ બ્રેઈલ ડે મનાવાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની પેટા સંસ્થા યુનેસ્કો દ્વારા ઇન્ટરનેશનલ સ્ક્રીપ્ટ ફોર ધ બ્લાઇન્ડ તરીકે સ્વીકૃત થયેલી બ્રેઈલ લિપિમાં 6 ટપકાંનો ઉપયોગ કરી 63 પ્રતીકો બનાવાયા છે. જેમાં અંકો,વિરામ ચિન્હો,ગાણિતિક ચિન્હોનો સમાવેશ કરાયો છે. ઉચ્ચારણના આધારે તૈયાર થયેલી બ્રેઈલ લિપિ તમામ ભાષાઓને લખવા અને વાંચવા માટે ઉપયોગી છે.
વ્રજલાલ દુર્લભજીભાઈ પારેખ અંધ મહિલા વિકાસ ગૃહમાં નેત્રહીન બહેનોના ઉત્કર્ષ માટે ધો. 8 સુધીનું પ્રાથમિક શિક્ષણ,સંમિલિત શિક્ષણ યોજના અંતર્ગત ધો. 9થી સ્નાતક સુધીનું શિક્ષણ તથા પ્રારંભિકથી વિશારદ સુધી સંગીત શિક્ષણ તેમજ કોમ્પ્યુટર શિક્ષણ તાલીમ અને સેમિનાર,બ્રેઈલ લીપીમાં ગણિતની તાલીમ અપાય છે. સાંસ્કૃતિક કાર્યક્રમો,પર્યટનતેમજ વિવિધસ્પર્ધાઓ વગેરે જેવી ઈત્તર પ્રવૃતિઓનું આયોજન સંસ્થા ખાતે કરવામાં આવે છે. ખાસ કરીને લાભાર્થી નેત્રહીન બહેનો માટે વિનામૂલ્યે આવાસ અને ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે.
ઉપરાંત,સંસ્થા તરફથી અંધ મહિલાઓને ધીરાણ,સાધનો મુકવા માટેઈકવીપમેન્ટ બેંકસહિતરૂ. 1500થી 3500ની શિષ્યવૃત્તિ,દિવ્યાંગ સાધનો આપવાની સહાય વગેરે પુરા પાડવામાં આવે છે. ગૃહમાં બ્રેઈલ પુસ્તકાલય પણ છે. તેમજ કોમ્પ્યુટરાઈઝડ બ્રેઈલ પ્રોડકશન સેન્ટરમાં નેત્રહીનો માટે’સંઘર્ષ’બ્રેઈલ દ્વિમાસિક પત્રિકા સહિતના બ્રેઈલ સાહિત્યનું નિર્માણ કરવામાં આવે છે,જે 500થી વધુ લોકોને સંસ્થા દ્વારા મોકલવામાં આવે છે. સંસ્થાના ટ્રસ્ટીશ્રી ગીતાબેન મંકોડી દ્વારા બ્રેઈલ લિપિમાં તૈયાર કરાયેલ શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રજ્ઞાચક્ષુઓને નિ:શુલ્ક પહોંચાડવામાં આવે છે.
યુનિવર્સિટી ઓફ ચિત્રકૂટ,ઉત્તરપ્રદેશ તરફથી ડોક્ટર ઓફ લિટરેચર ઇન ધ ફિલ્ડ ઓફ ડિસેબિલીટીની પદવી પ્રાપ્ત કરેલા ગુજરાતના એકમાત્ર વ્યક્તિ તથા જન્મજાત પ્રજ્ઞાચક્ષુ ધરાવતા સંસ્થાના માનદ મંત્રીશ્રી ડો. પ્રકાશભાઈ મંકોડીએ જણાવ્યું હતું કે આ અંધ મહિલા વિકાસ ગૃહની સ્થાપના સ્વ. સંતોકબેન બેંગાલી દ્વારા પોરબંદરમાં થઈ હતી. પોરબંદર બાદ સોનગઢ અને ત્યારબાદ ઈ.સ. 1960માં રાજકોટ ખાતે સંસ્થાને ખસેડવામાં આવી. તેઓ અંધ મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે ગામડે-ગામડે જતા. લોકોને અંધ મહિલાઓના શિક્ષણ માટે સમજાવતા અને જાગૃત કરતા. સમયની સાથે સરકાર અને શુભેચ્છકોના સહયોગથી સંસ્થા પર લોકોએ વિશ્વાસ મૂક્યો. આથી,આ સંસ્થાએ સામાન્ય લોકો અને દિવ્યાંગો વચ્ચે ભેદભાવ રાખતાં સમાજને સર્વસમાવેશી બનવાનો દૃષ્ટિકોણ સમજાવી જનમાનસ પરિવર્તન કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.
આ અંધ મહિલા વિકાસ ગૃહના કેમ્પસ ઈનચાર્જ કલ્યાણીબેન જોષીએ જણાવ્યું હતું કે સંસ્થામાં 7 વર્ષથી 65 વર્ષની ઉંમર ધરાવતી દીકરીઓ-બહેનો સુખ,શાંતિ અને સલામતીથી હળીમળીને રહે છે. તેમજ તેઓને પારિવારિક હૂંફ અને પ્રેમભર્યું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. ગૃહ ખાતે હાલમાં 85 અંધ મહિલાઓ રહે છે,જ્યારે 13 દીકરીઓ માત્ર અભ્યાસ અર્થે આવે છે. અંધ મહિલાઓને સહાયરૂપ બનવા કુલ 21 લોકોનો સ્ટાફ ફરજ બજાવે છે.
આમ,પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ પાસે આંખ ન હોય પરંતુ તેઓ સ્પર્શ,સુગંધ તથા ધ્વનિની ભાષા જાણે છે. દ્રષ્ટિ વિના પણ ભૌતિક જગતનો અનુભવ થઈ શકે છે તેની સાબીતી વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહની બહેનો આપે છે. તેમજ કવિ ભાનુપ્રસાદ પંડયા લિખિત પંક્તિઓને ખરા અર્થમાં સાકાર કરે છે કે..
દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ,પણ કલરવની દુનિયા અમારી, ટેરવાને તાજી કૈં ફૂટી તે નજરુંના,અનુભવની દુનિયા અમારી!