2016ની નોટબંધી બાદ માર્કેટમાં રોકડ ધનનો પ્રવાહ લગભગ બમણુ : આરબીઆઈનો ખુલાસો
નાણા મંત્રાલયે સંસદને જણાવ્યું કે આ વર્ષ માર્ચમાં કુલ રોકડનું મૂલ્ય 2016ની સરખામણીમાં 89 ટકા વધીને 31,05,721 કરોડ રૂપિયા થઇ ગયું છે. માર્ચ 2022માં નોટોનાં પ્રચલનની સંખ્યાનાં સંદર્ભમાં રોકડ 44% વધીને 1,30,533 મિલિયન થઇ ગઈ છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએએ એક ડેટા જાહેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૧૬ની નોટબંધી બાદથી ભારતીય માર્કેટમાં રોકડ કેશનો પ્રવાહ ડબલ એટલે કે બેગણો થયો છે. એનો અર્થ એ થાય છે કે બજારમાં ચલણી નોટોની ઓછપ પડશે નહીં. રોકડ પૈસાનો પ્રવાહ આશરે ૨ ગણો વધ્યો છે. ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ ડેવેલોપ થયાં છતાં પણ આજે લોકો રોકડનો ઉપયોગ કરી રહ્યાં છે.
નોટબંધીનાં ૬ વર્ષ બાદ ભારતીય અર્થવ્યવસ્થામાં રોકડનો પ્રવાહ બેગણો થઇ ગયો છે. નાણા મંત્રાલયે આજે સંસદને જણાવ્યું કે આ વર્ષ માર્ચમાં કુલ રોકડનું મૂલ્ય 2016ની સરખામણીમાં 89% વધીને 31,05,721 કરોડ રૂપિયા થયું છે.
મંત્રાલય દ્વારા આજે લોકસભામાં આ અંગે માહિતી આપવામાં આવેલ આંકડાઓ અનુસાર માર્ચ 2022માં નોટોનાં પ્રચલનની સંખ્યાનાં સંદર્ભમાં રોકડ 44% વધીને 1,30,533 મિલિયન થઇ ગયેલ છે. મંત્રાલયે પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું કે 2016માં રોકડ રૂપિયાનું મૂલ્ય16,41,571 કરોડથી 20% જેટલું ઘટીને 2017માં 13,10,193 કરોડ રૂપિયા થઇ ગયું હતું. જો કે 2018થી તમામ વર્ષોમાં આંકડાઓમાં વૃદ્ધિ જ જોવા મળી છે.
સરકારને કોઈ પણ નોટ રદ્દ કરવાનો અધિકાર : સુપ્રીમ કોર્ટ
નોટબંધીના નિર્ણય પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે સરકારને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે આ મુદ્દામાં કોઈ ભૂલ નથી, જેની રાજકીય રીતે ઘણી ચર્ચા થઈ છે. પાંચ જજોની બેન્ચમાંથી જસ્ટીસ બીવી નાગરત્નાનો મત અલગ હતો અને તેઓએ નોટબંધી પર કેટલાક સવાલ ઉઠાવ્યા તેથી ૪:૧નો સુપ્રીમ કોર્ટના ફેંસલોએ કેન્દ્ર સરકારને ક્લિનચીટ આપી છે. ૮ નવેમ્બર ૨૦૧૬ ના રોજ નોટબંધી સંબંધિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં કોઈ ભૂલો મળી નથી. ૬ મહિના સુધી ચાલેલી લાંબી સુનાવણી બાદ કોર્ટે સ્વીકાર્યું છે કે નોટબંધીનો નિર્ણય સાચો હતો. નોંધનીય છે કે કોર્ટે કહ્યું છે કે નોટબંધીનો હેતુ સાચો હતો, પછી ભલે તે હાંસલ થયો કે નહીં. નિર્ણયની પ્રક્રિયા અથવા હેતુમાં કોઈ ભૂલ નહોતી.
અરજદારોની મુખ્ય દલીલ એ હતી કે આરબીઆઈ એક્ટની કલમ 26(2) નું પાલન કરવામાં આવ્યું નથી. આ અંતર્ગત આરબીઆઈને નોટ બદલવાનો અધિકાર મળે છે. કેન્દ્રના નિર્ણયને પડકારતી તમામ ૫૮ અરજીઓ કોર્ટે ફગાવી દીધી. વર્ષ 2016માં અચાનક 1000 અને 500 રૂપિયાની નોટ બંધ કરવાના મોદી સરકારના નિર્ણયની ઘણી ટીકા થઈ હતી. વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યો હતો. વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં 50થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. હવે જસ્ટિસ એસ.એ. નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે પોતાનો ચુકાદો આપ્યો છે.
નોટબંધીનો વિરોધ કરનારાઓ માફી માંગવી જોઈએ: ભાજપ
સુપ્રીમ કોર્ટે નોટબંધી પર મોદી સરકારના નિર્ણયને ક્લીનચીટ આપ્યા બાદ ભાજપે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી કોંગ્રેસના તમામ આરોપો પાયાવિહોણા સાબિત થયા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે નોટબંધી સામે હંગામો મચાવ્યો હતો, પરંતુ સુપ્રીમએ કહ્યું છે કે આરબીઆઈ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.
નોટબંધીને સફળ ગણાવતા ભાજપના નેતાએ કહ્યું કે દેશને નોટબંધીથી ઘણો ફાયદો થયો છે. નોટબંધીના બીજા જ વર્ષમાં ટેક્સ કલેક્શનમાં 18 ટકાનો વધારો થયો હતો અને 2.38 લાખ શેલ કંપનીઓ પણ પકડાઈ હતી. રવિશંકરે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે નોટબંધીની કાયદેસરતાને પડકારતી 58 અરજીઓને ફગાવીને સાબિત કર્યું કે નિર્ણય સાચો હતો. તેથી હવે નોટબંધીનો વિરોધ કરી રહેલા રાહુલ ગાંધી સહિતના વિપક્ષના નેતાઓ માફી માંગે તેવી અમારી માંગ છે.