મેદસ્વિતા એ ફક્ત તન નહીં પરંતુ મન સાથે પણ જોડાયેલુ છે.
ભારતમા મેદસ્વિતા એ ચિંતાનો વિષય છે તો ખરું પણ તેને કોઇ બીમારી માનવામાં આવતી નથી તે વધુ વિચારવાનો વિષય છે. એમાં પણ ખાસ કરીને જાણે સારુ ભોજન કરવાના કારણે વજન તો વધે એવી સામાન્ય માનસિકતા ને લઇ તેની તરફ ધ્યાન કેન્દ્રિત કરતા નથી અને જાણે મોટુ પેટ એટલે સુખી માણસની નિશાની. પણ જ્યારે એ જ શરીર બીમારનું ઘર ત્યારે લોકો અવનવા ડાયટ અને કસરતો તરફ઼ દોટ મૂકે છે. તો પણ વજન વધવાની સમસ્યા એવી ને એવી જ રે છે ત્યારે ફરી માણસ વિચારતો થઈ જાય છે કે હવે જાય તો જાય ક્યાં?
વિશ્વમાં સ્થૂળતામાં ભારત બીજા ક્રમે છે અને ક્યારે પહેલા ક્રમે આવી જશુ તે નક્કી ન કેવાય એટલું જ નહી ઓબેસિટી એટલેકે સ્થૂળતા જ્યારે આવે છે ત્યારે તે તેની સાથે દિલની બીમારી, ડાયાબિટીસ, હાડકાની બીમારી, સ્નાયુના રોગો વગેરે જેવા રોગોને સાથે પેકેજમાં લઈને આવે છે. ખાસ કરીને ઘણી બધી કસરતો કરવા છતાં પણ જ્યારે વજન ઘટતું નથી ત્યારે માણસ વધુ હતાશ થઇ જાય છે.
એટલે સ્થૂળતા એ ફક્ત શારીરિક નહી પરંતું માનસિક સમસ્યા છે. જેનો ઉકેલ ખાસ કરીને આપણા મગજથી જ લાવી શકાય.પ્રારંભિક જીવન દરમિયાન મગજના વિકાસની પરમાણુ પદ્ધતિઓ સ્થૂળતાના જોખમનું મુખ્ય નિર્ણાયક છે. મનુષ્યોમાં અગાઉના મોટા અભ્યાસોએ સંકેત આપ્યો છે કે સ્થૂળતા સાથે સૌથી વધુ મજબૂત રીતે સંકળાયેલા જનીનો વિકાસશીલ મગજમાં વ્યક્ત થાય છે.
આમ જોવા જઈએ તો સ્થૂળતા બેઠાડા જીવનથી આવે છે એ વાત સાચી પરંતુ વાસ્તવમાં એ આપના મગજ સાથે પણ એટલું જ જોડાયેલું હોય છે , ફક્ત કસરતો કરવાથી નહી પરંતુ મગજથી પણ તેનું સીધુ જોડાણ રહેલું છે. જેમાં તણાવ અને હતાશા પણ ખાસ કરીને પેટની ચરબી વધવાના કારણો માંથી એક છે.
વર્લ્ડ ઓબેસિટી ફેડરેશને કરેલા રિસર્ચ પ્રમાણે ચીન બાદ ભારતમાં મેદસ્વી બાળકોની સંખ્યા સૌથી વધારે છે. જે રીતે મેદસ્વીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેને જોતાં ભારતમાં મેદસ્વી બાળકોની સંખ્યા વર્ષ ૨૦૩૦ સુધીમાં વધીને ૨૭ મિલ્યનની થઈ જવાનું અનુમાન છે. આવા જ બીજા એક અભ્યાસ પ્રમાણે, છેલ્લાં ૨૦ વર્ષમાં દેશમાંનાં બાળકો અને ટીનએજર્સમાં ઓબેસિટીના પ્રમાણમાં વાર્ષિક ૪.૯૮% ની વૃદ્ધિ થઈ છે.