સપ્ત સંગીતનો આજથી પ્રારંભ
આજે પં.બિરજુ મહારાજના પૌત્રી શિંજીની કુલકર્ણીનું કથ્થક નૃત્ય માણવા મળશે
સભાના પ્રથમ ચરણમાં રાજકોટના પરમ કથક કેન્દ્રના કલાકારો દ્વારા ગૃ્રપ નૃત્ય અને અંકિતા જાડેજા સોલો નૃત્ય કરી લોકોના મન મોહી લેશે
રાજકોટની કલા રસીક જનતાની આતુરતાના અંત સાથે નૂતન વર્ષના આરંભ સાથે કલા આધારીત સાત દિવસના રંગા-રંગ મહોત્સવ ‘સપ્ત-સંગીતિ-2023’ હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે આજે સાંજથી શરૂ થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં દેશના ખ્યાતિ-પ્રાપ્ત અને અગ્ર પંક્તિના કલાકારો સુર, તાલ અને નૃત્ય દ્વારા પોતાની કલા રજુ કરશે.
સમાજ સેવા તથા રચનાત્મક કાર્યના પ્રકલ્પોને કંઇક અનોખી રીતે કરી છુટવાના ધ્યેયથી રચાયેલ નીઓ રાજકોટ ફાઉન્ડેશન-2017 થી લગાતાર રાજકોટની કલાની કદરદાન પ્રજાને સતત સાત-સાત દિવસો સુધી શાસ્ત્રીય સંગીતના સુર, તાલ અને નૃત્યથી તરબોળ કરી અને 2023ના નૂતન વર્ષે પાંચમી વાર ખ્યાતનામ કલાકારોની કલા માણવાની તકરુપી ભેંટ આપવા જઈ રહી છે. વર્ષો વર્ષ રાજકોટવાસીઓનો પ્રેમ અને પ્રતિસાદ સપ્ત સંગીતિ તરફ ઉતરોતર વધી રહ્યો છે. આ વર્ષે આ નિ:શુલ્ક કાર્યક્રમ માણવા માટે સંસ્થાની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન રૂપે હજારો લોકોનો અપ્રતિમ પ્રતિસાદ સાંપડ્યો. આ સઘળા આયોજનનો યશ નીઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેકટરો જેમા પરાક્રમસિંહ જાડેજા, મુકેશભાઇ શેઠ, અરવિંદભાઇ પટેલ, દીપકભાઇ રીંડાણી, વિક્રમભાઇ સંઘાણી, હિરેનભાઇ સોઢા અને અતુલભાઇ કાલરિયા સેવાઓ આપે છે તેમજ 100 થી વધારે સ્વયં સેવકો અને કોર કમીટીની સમર્પિત ટીમના એક મહિનાના અથાગ પરિશ્રમને જાય છે.
“સપ્ત સંગીતિ-2023” તા.02 જાન્યુઆરી, સોમવારના રોજ સુશ્રી શિંજીની કુલકર્ણીનું કથ્થક નૃત્ય માણવાનો રાજકોટવાસીઓને મોકો મળશે. તેમની કથ્થક પ્રસ્તુતીમાં સલિલ ભટ્ટ સાત્વીક વીણા, હિમાંશુ મહંત તબલા સંગત, ઝકી અહમદ વોકલ અને હાર્મોનિયમ, ગુલામ મોહમદ સારંગીવાદન અને યોગેશ ગંગાણી તબલાવાદનમાં સાથી કલાકારો તરીકે સંગત ક2શે. આ ઉપરાંત સપ્ત સંગીતિની દર વર્ષની પરંપરા મુજબ સ્થાનિક ઉભરતી યુવા પ્રતિભાઓને પણ કલા મંચનો ભાગ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે. જેમાં આ વર્ષે સાત થી આઠ રાજકોટ શહેર અને વિસ્તારના ઉભરતા કલાકારોને પોતાની કલા રજુ કરવાનો અવસર મળવાનો છે. પહેલા દિવસે પ્રથમ ચરણમાં રાજકોટના પરમ કથક કેન્દ્રના કલાકારો દ્વારા ગ્રુપ ડાન્સ અને અંકિતા જાડેજા સોલો નૃત્ય રજુ કરશે.
શિંજીની કુલકર્ણી (કથ્થક)
કાલકા બ્રિંદાદીલ કથ્થક પરંપરામાં શિંજીની નવમી પેઢી છે. નાનાજી પંડિત બિરજુ મહારજજી પાસેથી પ વર્ષની નાની ઉંમરથી તાલીમ મેળવવાનું શરૂ કર્યું હતું. 8 વર્ષની ઉંમરથી જાહેર કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું હતું. શિંજીનીએ દિલ્હી યુનિવર્સિટીથી હિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કરેલું છે. દેશના અનેક ડાન્સ ફેસ્ટિવલમાં નૃત્ય રજૂ કરેલું છે. જેમાં ખજુરાહો ડાન્સ ફેસ્ટિવલ તાજ મહોત્સવ, ચક્રધર સમારોહ, કાલિદાસ ફેસ્ટિવલ, સંકટમોચન સંગીત સમારોહ બનારસ કથ્થક મહોત્સવ વગેરે મુખ્ય છે. શિંજીનીએ દેશમાં અનેક શહેરોમાં અને વિદેશમાં ન્યૂયોર્ક, સાનફ્રાન્સિસ્કો, હોસ્ટીન, બેંગકોકમાં સોલો તથા ગ્રુપ પરફોર્મન્સીસ આપેલા છે. તેણીએ શ્રોતાઓની દાદ અને આશીર્વાદ ખુબજ ઓછા સમયમાં પ્રાપ્ત કર્યા છે. આવનારી પેઢીને પ્રેરણા આપવાના હેતુથી તેણીએ તાજેતરમાં બે વખત પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ TEDx પર સ્પીચ આપેલી છે.
“લયકારી” ઇન્ડિયન પર્કશન ફ્યુઝન ગ્રુપ સાથે અનેક કાર્યક્રમો આપેલા છે. પંડિત બીરજુ મહારાજના નૃત્ય સંચાલન કરેલા અનેક પરફોર્મન્સમાં શિંજીનીજીને નૃત્ય રજૂ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેણીએ નૃત્યની સાથે-સાથે અભિનય કલાને પણ વિકસાવી છે. હાલમાં જ રિલીઝ થયેલ ફિલ્મ “જાનીસાર” ડાન્સ સિકવન્સ રજૂ કરી છે. બંગાળી ફિલ્મમાં પં.બિક્રમ ઘોષ દ્વારા કંપોઝ કરેલ ગીતમાં અભિનય અને નૃત્ય કરેલું છે. આ ઉપરાંત લકઝરી હેન્ડલૂમ પ્રોડકટની વિજ્ઞાપનોમાં પણ અભિનય કર્યો છે. 2018માં તરાના ફાઉન્ડેશન દિલ્હી દ્વારા યુવા પ્રતિભા એવોર્ડ પ્રાપ્ત થયો છે. ઇન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટિવલ કટક ખાતે નૃત્ય શિરોમણી એવોર્ડ પ્રાપ્ત થયો છે.