રાજકોટના ત્રણ ઝોનમાં એકસાથે બેન્ડ સાથે સંચલન ઘોષનું આયોજન કરતું રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ૯૭ વર્ષની અવિરત યાત્રામાં પથ સંચલન એ હંમેશા શક્તિદાયક અને સમાજ જાગરણ માટે આકર્ષક કેન્દ્ર રહ્યું છે. અનુશાસિત સંગઠન શક્તિનુ પગથી પગ મેળવીને તાલબદ્ધ ચાલતા સ્વયંસેવકો આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે.
સ્વાધીનતાના અમૃત મહોત્સવ સાથે જ સંઘ શતાબ્દી વર્ષની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શતાબ્દી વર્ષમાં સંઘકાર્ય દરેક ઉપવસ્તી સુધી પહોંચે એ યોજનાને સફળ બનાવવા રાજકોટ મહાનગરની રચના પાંચ ઝોન અને ૩૫ નગરો અંતર્ગત ૨૨૪ વસ્તી અને આશરે ૧૧૦૦ ઉપવસ્તીમાં કરવામાં આવી છે.
મહાનગરના દરેક ભાગમાં રહેલા સ્વયંસેવકો જોડાઈ શકે અને સમાજના મોટા તબક્કા સુધી શક્તિ જાગરણનો સંદેશ પહોંચાડી શકાય તે માટે પાંચ ભાગમાં વિસ્તાર સ્તરે પથ સંચલનની યોજના કરવામાં આવેલ છે.
અગાઉ વિજયાદશમી સમયે રણછોડનગર વિસ્તાર અને લક્ષ્મીનગર વિસ્તારના બે ભવ્ય પથ સંચલનનું આયોજન થયું હતું. ત્યારબાદ જાન્યુઆરી મહિનાની પહેલી તારીખ અને રવિવારે મારુતિનગર, નટરાજનગર અને વર્ધમાનનગર વિસ્તાર એમ ત્રણ વિસ્તારમાં એક સાથે ત્રણ અલગ અલગ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
મારુતિનગર વિસ્તારનું સંચલન સાંજે ૫ વાગે રેલનગરમાં, શ્રીનાથજી પાર્ક થી નીકળી અવધ પાર્ક મેઇન રોડ, સંતોષીનગર, ફાયર બ્રિગેડ, ભગવતી હોલ, આસ્થા ચોક વગેરે સ્થાનોથી પસાર થયું હતું. જયારે નટરાજનગર વિસ્તારનું સંચલન સાંજે ૫:૩૦ વાગે આત્મીય યુનિવર્સિટીથી નીકળી કાલાવડ રોડ, જ્યોતિનગર, આકાશવાણી ચોક, ભગતસિંહ ગાર્ડન, જે કે ચોક, પુષ્કર ધામ, શનિ મંદિર, વૃંદાવન નગર, ક્રિસ્ટલ મોલ જેવા સ્થાનોથી પસાર થયું હતું. વર્ધમાન વિસ્તારનું પથ સંચલન શણગાર હોલના મેદાનથી સાંજે ૫:૩૦ વાગ્યે નીકળી રાજકોટ નાગરિક સહકારી બેંક, સોમનાથ સોસાયટી , શ્યામ પાર્ક, રામ રણુજા, માતૃશ્રી વિદ્યાલય, કોઠારીયા રોડ, ગોકુલ પાર્ક જેવા સ્થાનો પરથી પસાર થયું હતું.
ત્રણેય સંચાલનમાં આકર્ષક ઘોષ (બેન્ડ) સાથે ગણવેશમાં કદમથી કદમ મેળવીને ચાલતા સ્વયંસેવકોએ આકર્ષણ જમાવ્યું હતું.
લોકોને સાથે જોડી સંગઠન ઉભું કરવું તે જ લક્ષ્યાંક : ભરત કોઠારી (સંચાલક)
આ અંગે નટરાજ વિસ્તારના સંચાલક વિજયભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે, રાજકોટને 5 ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યું છે. તે પૈકી ૩ વિસ્તારમાં પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોમાં આત્મવિશ્વાસ ઉભો કરવા તેમજ હિન્દૂ સમાજને સંગઠિત કરવાના ઉદેશ્ય સાથે પથ સંચલન યોજવામાં આવે છે. વર્ષમાં એકવાર આ પ્રકારનું પથ સંચલનનું આયોજન કરવામાં આવે છે. લોકોને જોડી સમાજનું સંગઠન ઉભું કરી શકાય તેવા ઉદેશ્ય સાથે પણ સંચલનનું આયોજન કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જયારે સંઘ શતાબ્દી મહોત્સવનો સમય નજીક છે ત્યારે પથ સંચલનનું મહત્વ વિશેષ છે.