બંને મિત્રોએ સાથે અનંતની વાટ પકડી: કંધોતર પુત્રને પિતાએ કાંધ આપતા હૃદય દ્રાવક દ્રશ્ય સર્જાયા
અંકલેશ્વરની એક ફાર્મા કંપનીમાં કામ કરતા યુવાનો કારમાં ફરવા માટે સેલવાસ ગયા હતા. શુક્રવારે રાતે ત્યાંથી પરત આવતી વેળાએ મળસકે 3.20 વાગ્યાના અરસામાં પરથાણ નજીક નાઝ હોટેલની સામે હાઈવે પર સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા ડિવાઇડર કુદાવી ફોચ્ર્યુનર કાર બીજા ટ્રેક ઉપર નવસારી તરફ જતી લકઝરી બસની સાથે અથડાઇ હતી.
આ અકસ્માતમાં ગોંડલના ગુંદાળાના ધર્મેશ પ્રકાશભાઈ શેલડિયા (ઉં.વ.24) અને ધોરાજીના ભાદાજાળિયા ગામના જયદીપ કાંતિભાઈ પેથાણી (ઉં.વ.25)નું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બન્ને પાકા મિત્રો હતા. રવિવારે બન્ને મિત્રોની પોતપોતાના ગામમાંથી અંતિમયાત્રા નીકળી હતી. જેમાં બન્નેના પરિવાર હીબકે ચડ્યા હતા. કંધોતર દીકરા ધર્મેશની અર્થીને પિતા પ્રકાશભાઈએ કાંધ આપતા હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયાં હતાં.
ધર્મેશ શેલડિયા પિતાનો એકનો એક પુત્ર હતો
ગોંડલના ગુંદાળામાં રહેતા પ્રકાશભાઈ શેલડિયાને સંતાનમાં એક પુત્ર ધર્મેશ અને એક પુત્રી છે. પરંતુ ધર્મેશનું અકસ્માતમાં મોત થતા પિતાએ એકનો એક પુત્ર ગુમાવ્યો છે. ધર્મેશના કાકા જીતુભાઈ શેલડિયાએ જણાવ્યું હતું કે, ધર્મેશ પરિવારમાં એકનો એક આધારસ્તંભ હતો. ધર્મેશનો હસતો અને હસમુખો ચહેરો હતો. તેને પરિવારમાં અમે જોકર કહીને બોલાવતા હતા. ધર્મેશના પિતા પ્રકાશભાઈ ખેતીકામની સાથે સેન્ટિંગનું કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. ધર્મેશે ઇખજઈ કેમિકલ સુધીનો અભ્યાસ કર્યો છે. તે અંકલેશ્વરની પ્રો લાઈફ કેમો, ફાર્મામાં પ્રોડક્શન ઓફિસર ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો.
પરિવારને અકસ્માત ની રવિવારે સવારે જાણ કરવામાં આવી
ધર્મેશ મોટા તહેવાર અને પારિવારિક પ્રસંગોમાં ઘરે આવતો હતો. છેલ્લે 20 ઓક્ટોબરના રોજ ધર્મેશ તેના ભાભુના પાણીઢોળની વિધિમાં ગુંદાળા આવ્યો હતો.
અકસ્માત ની જાણ થતાં ધર્મેશના મામા અશ્વિનભાઈ વડોદરિયા નવસારી જવા રવાના થયા હતા. શનિવારે રાત્રે 12.30 વાગ્યે ધર્મેશનો મૃતદેહ ગોંડલ પહોંચ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ ધર્મેશના પરિવારને રવિવારે સવારે કરવામાં આવી હતી. રવિવારે સવારે 7 વાગ્યે ધર્મેશની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.