આજે વર્ષ 2022 નો અંતિમ દિવસ છે. આ વર્ષમાં આપણે ઘણી બધી સારી ઘટનાઓનો સામનો કર્યો છે તો ઘણી ખરાબ ઘટનાઓનો પણ સામનો કર્યો છે જેણે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વ આખામાં હાહાકાર મચાવી દીધો હતો. આ વર્ષ કોઈ માટે અત્યંત સારું તો કોઈ માટે નિષ્ફળ નિવડ્યું હતું. આ વર્ષમાં આપણે ઘણી એવી યાદ વાગોળી હશે જે આપણા માટે ખરાબ પણ હતી અને સારી પણ હતી. આ વર્ષમાં આપણે ઘણી એવી પ્રવૃત્તિ કરી હશે જેનાથી આપણને આનંદ પણ મળ્યો હશે. જાણીએ ગુજરાતની એવી ઘટનાઓ વિશે જેના પડખા સમગ્ર વિશ્વમાં પડ્યા હતા.
1 ) ભાજપનો ઐતિહાસિક વિજય
વર્ષ 2022માં ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપનો ઐતિહાસિક વીજય થયો હતો. 182 બેઠકોમાંથી 156 બેઠકો પર ભાજપના ઉમેદવારીની રેકોર્ડ બ્રેક લીડ સાથે જીત થઈ હતી. ગત 12મી ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત બીજીવાર શપથ ગ્રહણ કર્યા હતા. ભુપેન્દ્ર પટેલે સતત બીજી વખત ગુજરાતની કમાન સંભાળી અને ભાજપે જનતાનો વિશ્વાસ જીત્યો હતી.
૨) વંદે ભારત ટ્રેન અને અમદાવાદ મેટ્રો ટ્રેન ફેઝ ૧નું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અને અમદાવાદ મેટ્રો ટ્રેન (Ahmedabad) ફેઝ-1ને લીલી ઝંડી આપી દીધી છે. પીએમ મોદી વંદે ભારત એક્સપ્રેસમાં ગાંધીનગર રેલવે સ્ટેશન થી બેસીને ટ્રેનની સફર માણી હતી.
૩) મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના:
મોરબીમાં જુલતો પુલ તુટવાની ઘટનાથી આપણે સૌ વાકેફ છીએ જેના પડઘા સમગ્ર ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં પડ્યા હતા. ઓરેવા ટ્રસ્ટ દ્વારા બેસતા વર્ષને દિવસે રીનોવેશન કર્યા બાદ લોકો માટે પુલ ખુલ્લો મુકાયો હતો. પુલ તૂટી પડતા પુલ પરથી અનેક લોકો મચ્છુ નદીના પાણીમાં ખાબકયા હતા. જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા. દુર્ધટનાના કારણે અનેક લોકોના પરિવાર વિખેરાય ગયા હતા.
૪) કિશન ભરવાડ હત્યા
25 જાન્યુઆરી 2022ના દિવસે અમદાવાદના ધંધૂકા તાલુકામાં 27 વર્ષીય યુવક કિશન ભરવાડની શબ્બીર અને ઇમ્તિયાઝ નામના બે શખ્સો દ્વારા કથિતપણે ‘વિવાદિત ધાર્મિક પોસ્ટ’ બાબતે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં કુલ સાત લોકોની ધરપકડ કરી હોવાનું પણ જણાવાયું હતું. ‘ઇન્ડિયન એક્સ્પ્રેસ’ના એક અહેવાલ અનુસાર, મૃતકના પિતરાઈ ભાઈ ભૌમિક ભરવાડે જણાવ્યું હતું કે કિશન ભરવાડની કથિતપણે વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટને લઈને વ્યથિત કેટલાક ‘અન્ય ધર્મ’ના લોકોએ હત્યા કરી હતી.
૫) સુરત ગ્રીષ્મા હત્યા કેસ
સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા પ્રકરણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું. સુરતમાં વૅલેન્ટાઇન ડેના બે દિવસ પહેલાં ફેનિલ નામના યુવકે એકતરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીના ઘર બહાર જ તેમની હત્યા કરી હતી. આ ઘટનામાં ગ્રીષ્માના પરિવારજનોની સામે જ યુવતી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ ફેનિલની ધરપકડ કરવામાં આવી હતી.
૬) બિલ્કીસ બાનો કેસ
2002નાં ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર ગેંગરેપના તમામ 11 દોષિતોને 75મા સ્વતંત્રતા દિવસે મુક્ત કરવામાં આવ્યા હતા. રાજ્યના દાહોદ જિલ્લામાં બનેલી ઘટના દરમિયાન બિલ્કીસ પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને 14 લોકોની હત્યા કરવામાં આવી હતી. ગુજરાત સરકારે તેમની માફી નીતિ હેઠળ તેમને મુક્ત કરવાની મંજૂરી આપી હતી.
૭) બોટાદ લઠ્ઠા કાંડ
24મી જુલાઈના દિવસે બોટાદ જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની હતી. જેમાં દેશી દારૂને નામે મિથેનોલયુક્ત ઝેરી દ્રવ્ય પીવાથી 44 જેટલાં લોકોના મોત નીપજ્યા હતા. તેમાં બોટાદ જિલ્લાના 33 લોકો અને ધંધુકા તાલુકાના 11 લોકો સામેલ હતા. આ મામલે પોલીસે 34 જેટલા લોકો સામે ગુનો નોંધ્યો હતો અને 21 આરોપીની ધરપકડ કરી હતી.
૮) મોરબી દીવાલ ધરાશાય
મોરબી જિલ્લાના હળવદમાં દીવાલ ધસી પડવાની એક દૂર્ઘટનામાં 12 લોકોનાં મોત થયાં હતા. હળવદ જીઆઈડીસીમાં આવેલી સાગર સૉલ્ટ નામની કંપનીમાં આ દુર્ઘટના ઘટી છે. મળતી માહિતી પ્રમાણે આ કંપનીમાં દરરોજની જેમ મીઠાની કોથળીઓ ભરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે દીવાલ ધસી પડતા ૧૨ શ્મીકો મૃત્યુ પામ્યા હતા.
૯) પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પ્રારંભ
પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનો મહંત સ્વામી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દિવ્ય આરંભ થયો હતો. અમદાવાદના ઓગણજ નજીક વિશાળ ૬૦૦ એકર જમીન પર ઊભા કરાયેલા પ્રમુખસ્વામી નગરમાં ૧૫ જાન્યુઆરી સુધી ચાલનારા મહોત્સવને ખુલ્લો મૂકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘અહીં એક દિવ્યતાની અનુભૂતિ છે. સંકલ્પોની ભવ્યતા છે. ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસત, ધરોહરની સાથે ભારતના દરેક રંગ દેખાય છે.’ પ્રમુખ સ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. નગરની અંદર અક્ષરધામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. સાથે જ અહીં રાત્રિના સમયે ગ્લો ગાર્ડન પણ માણી શકાશે. 3,600 સ્વયં સેવકોએ ગ્લો ગાર્ડન તૈયાર કર્યું છે અને 8 હજાર 300 લાઈટ સ્કલપચર તૈયાર કર્યાં છે.
૧૦) કેબીનેટ મંત્રી મંડળમાં રાજકોટના એક માત્ર મહિલા મંત્રીને સ્થાન
૧૨મી ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત બીજીવાર શપથ ગ્રહણ કર્યા હતા. પ્રચંડ બહુમતી મળવા છતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા મંત્રી મંડળ ખૂબ જ નાનુ રાખવામાં આવ્યું છે. તેમના રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના બે ધારાસભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નવી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે એક મહિલાને સ્થાન આપવામાં આવ્યું છે. જેના કારણે ગુજરાત સરકારમાં રાજકોટ શહેરનું વજન વધ્યું છે. ભાનુબેન બાબરિયાને સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સોપવામાં આવ્યો છે
11) અમદાવાદ સીરીયલ બ્લાસ્ટનો ચુકાદો
26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં સીરીયલ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં 56 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઈન્ડિયન મુજાહિદ્દીને હુમલાની જવાબદારી લીધી હતી. હવે 13 વર્ષની સુનાવણી બાદ આ કેસમાં 38 દોષિતોને ફાંસી આપવામાં આવી છે.
૧૨ ) રીબડામાં ઉખડતો ચરુ
ગોંડલ વિધાનસભા મત વિસ્તારની ટિકિટના મુદે ગોંડલ અને રીબડા જુથ્થ વચ્ચે થયેલા મનદુ:ખ ચૂંટણી પુરી થયા બાદ પણ સમ્યુ ન હોય તેમ ફરી ચૂંટણીના મુદે જ બઘડાટી બોલતા મોડીરાતે પોલીસના ધાડેધાડ ઉતારવામાં આવ્યા છે. ગોંડલ તાલુકા પોલીસે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ટેકેદારે પૂર્વ ધારાસભ્યના પુત્ર અનિરૂધ્ધસિંહ જાડેજા તેમના બે પુત્ર અને અન્ય પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી છે. ગોંડલ અને રીબડા વચ્ચે ચાલતા વિવાદને સંવાદથી ઉકેલ લાવવા માટે ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજાને સમાજે જવાબદારી સોપવામાં આવતા તેઓએ આ ‘બીડુ’ ઝડપી જયરાજસિંહ જાડેજાને સમાજના હિત માટે સમજાવશુ, સમાજનો પ્રશ્ર્ન છે. તે નિભાવવા માટે અમો મેદાને આવ્યા છીએ આ વિવાદનો સુખદ અંત લાવવા તમામ પ્રયાસો કરવામાં આવશે તેમ ‘અબતક’ સાથેની વાત ચીતમાં પી.ટી.જાડેજાએ જાણાવ્યું છે.
૧૩) ગુજરાતમાં સૌ પ્રથમ 5G સેવા
જિયો તેના ટ્રુ 5G નેટવર્કને ખૂબ જ ઝડપી ગતિએ લોન્ચ કરી રહ્યું છે. ત્યારે જિયોએ તેના ટ્રુ-5G કવરેજને ગુજરાતના 33 જિલ્લા મુખ્ય મથકો સુધી પહોંચાડીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે, જેનાથી તમામ જિલ્લા મુખ્યમથકોના 100% વિસ્તારમાં જિયો ટ્રૂ 5G કવરેજ મેળવનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગુજરાત એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે કારણ કે તે રિલાયન્સની જન્મભૂમિ છે. આ વ્યૂહાત્મક જાહેરાત ગુજરાત અને તેની જનતાને સમર્પિત છે. એક આદર્શ રાજ્ય તરીકે ગુજરાતમાં જિયો શિક્ષણ, આરોગ્ય સંભાળ, કૃષિ, ઉદ્યોગ 4.0 અને આઇઓટી ક્ષેત્રોમાં ટ્રુ 5G-સંચાલિત અભિયાનોની શ્રેણી શરૂ કરશે અને પછી તેને સમગ્ર દેશમાં વિસ્તારશે.
14) વડોદરાની યુવતીએ પોતાની સાથે જ કર્યા લગ્ન
ભારતીય દુલ્હનની જેમ જ ક્ષમા બિંદુએ બની ગઈ દુલ્હન. 24 વર્ષની વડોદરાની ક્ષમાએ પોતાની જાત સાથે જ લગ્ન કરી લીધા છે. તેની સાથે ફેરા ફરવા માટે વરરાજો આવ્યો નહોતો .આ યુવતીએ પહેલા જાહેરાત કરી હતી કે, તે 11મી તારીખે લગ્ન કરશે પરંતુ તેણે 8મી તારીખે જ લગ્ન કરી લીધા છે. ક્ષમાના વિવાદમાં સપડાયા બાદ મિત્રો સાથે રાખીને લગ્ન સમારંભ યોજ્યો હતો. ક્ષમાના લગ્ન સામાન્ય લગ્ન કરતા થોડા અલગ હતા જેમાં ન તો કોઇ વર હતો કે ન કોઇ પૂજારી હતો ન તો કોઇ જાનૈયાઓ હતા. ક્ષમા બિંદુએ બુધવારે પોતાના ઘરે જ 40 મિનિટની ડિજિટલ વિધિ સાથે પોતાની સાથે જ લગ્ન કરી લીધા હતા.ક્ષમાએ પોતાના લગ્ન અંગે જણાવ્યું કે, ‘અન્ય દુલ્હન કરતા મારા લગ્ન એકદમ અલગ હતા, મારે લગ્ન કરીને ઘર છોડવું પડ્યું નથી.”
૧૫) હીરાબાનું ૧૦૦ વર્ષની વયે અવસાન
પીએમ નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું ૩૦ ડિસેમ્બરે સવારે નિધન થયું છે. જેને પગલે વડાપ્રધાન મોદી અમદાવાદ દોડી આવ્યા હતા. તેઓએ માતૃશ્રી હીરાબાના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર આપ્યા હતા. વડાપ્રધાન મોદીના પરિવારે માતા હીરાબાના નિધન પર સંદેશ જારી કર્યો છે. જેમાં તેઓએ કહ્યું કે આ મુશ્કેલ સમયમાં કરવામાં આવેલી પ્રાર્થના માટે અમે દરેકનો આભાર માનીએ છીએ. મારી સૌને નમ્ર વિનંતી છે કે દિવંગત આત્માને તમારા વિચારોમાં રાખો અને તમારા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો અને પ્રતિબદ્ધતાઓ ચાલુ જ રાખો. આ જ હીરાબાને સાચી શ્રદ્ધાંજલિ હશે.