સ્ટોર મેનેજરે રૂ.૧૭.૩૪ લાખના ૨૫ મોબાઈલ બારોબાર વેચી નાખ્યાં: કેશિયરે રૂ.૪.૯૫ લાખની ગેરરીત આચરી
રાજકોટના શોરૂમ માલિકે બંને શખ્સો સામે નોકર ચોરીની ફરિયાદ નોંધાવી
જામનગરમાં આવેલા ઉમિયા મોબાઈલ શોરૂમના બે કર્મચારીઓએ હિસાબમાં ગેરરીત આચરી લાખો રૂપિયાની ચોરી કરી હોવાનુ રાજકોટના શોરૂમ માલિકે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોકર ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેમાં સ્ટોર મેનેજરે રૂ.૧૭.૩૪ લાખની કિંમતના ૨૫ મોબાઈલ બારોબાર વેચી નાખ્યાં હતાં તો કેશિયરે રૂ.૪.૯૫ લાખની હિસાબમાં ગેરરીત આચરી હોવાનુ ફરિયાદમાં જણાવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં પંચશીલ સોસાયટીમાં રહેતા ઉમિયા મોબાઈલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક વિજેશભાઈ પ્રેમજીભાઈ જાદવાણી નામના ૩૯ વર્ષીય યુવાને જામનગર સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં નોકર ચોરીની ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં કંપનીના માલિક વીજેશભાઈ જાદવાણીએ જણાવ્યું હતું કે જામનગરમાં લીમડા લાઈન પાસે ઉમિયા મોબાઈલની બ્રાન્ચ આવેલી છે. જેમાં સ્ટોર મેનેજર તરીકે રાજકોટના આનંદ પ્રતાપ સંપટ અને કેશિયર તરીકે જામનગરમાં ગોકુલનગર રડાર રોડ પર રહેતો ચેતન ગોવિંદ પાથર નામના શખ્સો કામ કરતા હતા.
જેમાં કેશિયર તરીકે ફરજ બજાવતો ચેતન પાથર છેલ્લા કેટલાક દિવસથી હિસાબ આપતો ન હોય અને રોજ હિસાબના પૈસા જમા કરાવવાના હોય તે પણ ન જમાં ન કરાવતો હોવાથી કંપનીએ જામનગરની બ્રાન્ચે ઓડિટ ચેકીંગ કર્યું હતું.
તે દરમિયાન ઉમિયા મોબાઈલ શોરૂમના હિસાબમાં લાખોના ગોટાળા સામે આવ્યા હતા. ઓડિટમાં તપાસ કરતા સ્ટોર મેનેજર દ્વારા સ્ટોકનો હિસાબ પણ મળી આવ્યો ન હતો. સ્ટોરમાં આવેલા રૂ.૧૭,૩૪,૦૧૦ની કિંમતના ૨૫ મોબાઈલની પણ એન્ટ્રી મળી ન હતી. જે અંગે સ્ટોર મેનેજર આનંદ સંપટને ઓડીટની જાણ થતાં પોતે બીમાર હોવાનુ કહી હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. જેથી ઓડિટમાં આ ૨૫ મોબાઈલ બારોબાર વેચી નાખ્યાં હોવાનુ જાણવા મળ્યું હતું.
તો બીજી તરફ રોજ સાંજે થયેલા હિસાબના પૈસા જમા ન કરાવતા કેશિયર ચેતન પાથર પણ બીમાર હોવાનુ કહી હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો અને તેને છેલ્લા કેટલાક દિવસના કુલ રૂ.૪,૯૫,૯૦૬ પૈસા જમા ન કરાવી પોતાના ફાયદા માટે ઉપયોગમાં લીધા હોવાનુ જાણવા મળ્યુ હતું.
આ અંગે કંપનીના માલિક વિજેશભાઈને જાણ થતાં તેઓએ જામનગરમાં સિટી બી-ડિવિઝનમાં સ્ટોર મેનેજર આનંદ સંપટ અને કેશિયર ચેતન પાથર સામે નોકર ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પીએસઆઈ ડી.એસ. વાઢેર સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.