કર્મચારીઓએ વર્ષની જમા રજાઓનો લાભ લેતા કલેકટર કચેરી, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને બહુમાળી સહિતની અનેક સરકારી કચેરીઓ ખાલી-ખાલી
અબતક, રાજકોટ : રાજકોટ જિલ્લાની સરકારી કચેરીઓના યર એન્ડિંગ ઇફેક્ટ જોવા મળી રહી છે. કર્મચારીઓએ વર્ષની જમા રજાઓનો લાભ લેતા કલેકટર કચેરી, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને બહુમાળી સહિતની અનેક સરકારી કચેરીઓ સુમસામ બની છે.
વિધાનસભાની ચૂંટણીના કારણે મોટાભાગની સરકારી કચેરીઓ ચૂંટણીના કામે લાગી હતી. સ્ટાફ ચૂંટણીની તૈયારી તથા કામગીરીમાં વ્યસ્ત રહેતો હોય રૂટિન કામકાજ ખોરવાયા હતા. જો કે ચૂંટણી પૂર્ણ થયા બાદ સરકારી કચેરીઓમાં કામગીરીનક ધમધમાટ શરૂ થઈ ગયો હતો. પણ થોડા જ દિવસોમાં ફરી યર એન્ડિંગની ઇફેક્ટ દેખાઈ છે. ડિસેમ્બર મહિનામાં સરકારી કર્મચારીઓને પોતાના આખા વર્ષની રજાઓને લેફ્ટ થતી બચાવવાની તક મળતી હોય, અનેક કર્મચારીઓએ આ તકનો લાભ લઇ રજા મેળવી છે.
જો કે ઘણા કર્મચારીઓ એવા પણ છે જે પોતાની જમા રજાઓ પણ લેફ્ટ જવા દેતા હોય છે. પણ અત્યારે રાજકોટની કલેકટર કચેરી, બહુમાળી ભવન , મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત સહિતની સરકારી કચેરીઓમાં અનેક કર્મચારીઓએ જમા રજાઓનો લાભ લીધો છે. જેને પરિણામે કચેરીઓની શાખાઓ ખાલી ખમ દેખાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી સમયે રાત દિવસ એક કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની જમા રજાઓનો લાભ લઈને પરિવારને સમય આપી રહ્યા છે. હવે આગામી સોમવારથી તમામ સરકારી કચેરીમાં કામગીરીનો ધમધમાટ શરૂ થશે. ખાસ કરીને જિલ્લા કલેકટર કચેરી ખાતે હવે આગામી સપ્તાહથી લેન્ડ ગ્રેબિંગ, અપીલ બોર્ડ અને ફૂડના કેસોનું હિયરીંગ તેમજ સરફેસી એકટ સંદર્ભે બેઠક સહિતની કામગીરી પુરજોશમાં આગળ ચલાવવામાં આવશે.