ભાઈબીજના પવિત્ર દિવસે ગોમતી નદીમાં સ્નાન કરી પૂણ્યનું ભાથુ બાંધતા ભાવિકો
દ્વારકામાં દિવાળીના મીની વેકેશનમાં દિવાળી સુધીના શરૂઆતના દિવસોમાં યાત્રાળુઓના પ્રવાહમાં મંદી જોવાયા બાદ નવ વર્ષથી શરૂ થયેલ ગુજરાતભરના ટુરીસ્ટને લીધે સમગ્ર દ્વારકાનગરીમાં આવેલા હોટલ-ધર્મશાળા-ગેસ્ટહાઉસ-ભવનો હાઉસફુલ જોવા મળ્યા હતા. આગામી સપ્તાહ સુધી હજુ પણ વેકેશનનો સમયગાળો હોય યાત્રાળુઓ તથા ટુરીસ્ટનો અવિરત પ્રવાહ દ્વારકા તરફ રહેશે તેવુ જણાઈ રહ્યું છે.
દિપાવલી તહેવારો તેમજ નવ વર્ષના શ્રીજીના વિશેષ શૃંગાર તેમજ ભાઈબીજના દિવસે ગોમતી સ્નાન કરવા હજારો ભાવિકો ઉમટી પડયા હતા.શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિમાં ભગવાન રામચંદ્રનો અયોધ્યામાં ગાદી સંભાળ્યાના દિન તથા પ્રકાશના પર્વ તરીકે ઓળખાતા દિપાવલી તેમજ નૂતન વર્ષ અને ભાઈબીજની પરંપરાગત રીતે હર્ષોલ્લાસ અને ધાર્મિક રીતે રસમ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
દિપાવલીના દિવસે જગતમંદિરમાં યોજાયેલ હાટડી દર્શન તથા નૂતન વર્ષના દિવસે યોજાયેલ અન્નકૂટ ઉત્સવ મનોરથનો ભાવિકોએ લાભ લીધો હતો. દિપાવલી પર્વ નિમિતે રાજાધિરાજને અલૌકિક વસ્ત્ર પરિધાન, સુવર્ણ-ચાંદી તથા અન્ય ઉચ્ચધાતુઓના અલંકારો તથા ઝવેરાતોનો દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. આ અલૌકિક દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભાવિકોને થયો હતો.ભાઈબીજના દિવસે ગોમતી નદીમાં સ્નાનું સવિશેષ મહત્વ હોય હજારો ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ભાઈબીજના દિવસે જ સાંજે પરંપરાગત રીતે સ્થાનીય મહિલાઓ-કુમારીકાઓ દ્વારા પવિત્ર ગોમતી નદીમાં દિવડાઓની હારમાળા તરતી મુકવામાં આવી હતી. રાત્રીના સમયે સેંકડો દિવડાઓના પ્રકાશમાં ગોમતી નદી તથા ઝળહળતા દ્વારકાધીશ મંદિરનો દિવ્ય નજારો ભાવિકોને મળ્યો હતો.