વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ 30મી એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવા તાકીદ
કોર્પોરેશનના અલગ-અલગ અનેક પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ ધરાવતી રણજીત બિલ્ડકોન નામની એજન્સી જાણે પેધી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. એકપણ પ્રોજેક્ટ સમય મર્યાદામાં પૂર્ણ ન કરવાનું કં5નીએ મન બનાવી લીધું છે. બ્રિજ પ્રોજેક્ટમાં પણ દર મહિને નોટિસ ફટકારવામાં આવે છે. છતાં કંપનીને તેની કોઇ જ અસર થતી ન હોય તેવુ લાગી રહ્યું છે. જેટકો ચોકડી ખાતે રૂ.42.50 કરોડના ખર્ચે બની રહેલા 50 એમએલડીની ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કોન્ટ્રાક્ટ પણ રણજીત બિલ્ડકોન પાસે છે. તાજેતરમાં કોર્પોરેશન દ્વારા આ કામમાં ઢીલ દાખવવા બદલ 12મી વખત નોટિસ ફટકારવામાં આવી છે. હવે કુલ પ્રોજેક્ટના 10 ટકા લેખે 4.25 કરોડનો દંડ વસૂલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ વોર્ડ નં.11 અને 12ના તમામ વિસ્તારોને પૂરા ફોર્સથી પીવાનું પાણી આપી શકાય તે માટે કોર્પોરેશન દ્વારા કણકોટ રોડ પર જેટકો ચોકડી પાસે રૂ.42.50 કરોડના ખર્ચે દૈનિક 50 એમએલડીની ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો કોન્ટ્રાક્ટ રણજીત બિલ્ડકોન કંપનીને આપવામાં આવ્યો છે. ગત તા.29/02/2020ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ 18 માસમાં પૂર્ણ કરવાની મુદ્ત રાખવામાં આવી હતી. 22 માસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં હજુ ડબલ્યૂટીપીનો પ્રોજેક્ટનું કામ પુરૂં થયું નથી.
કામમાં રખાતી ઢીલ અને ઝડપ વધારવા સંદર્ભે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા અગાઉ 11 વખત નોટિસ આપવામાં આવ્યા બાદ તાજેતરમાં રણજીત બિલ્ડકોનને 12મી વખત નોટિસ ફટકારવામાં આવી છે. હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે કંપનીને કુલ પ્રોજેક્ટના 10 ટકા લેખે 4.25 કરોડની પેનલ્ટી ફટકારવી બીજી તરફ કોઇપણ ભોગે 30 એપ્રિલ સુધીમાં આ ડબલ્યૂટીપીનો કામ પૂર્ણ કરવા કડક તાકીદ કરવામાં આવી છે.