મૌખિક દુર્વ્યવહાર આપઘાત માટે પ્રેરવાનો આધાર ન બની શકે !!
મધ્યપ્રદેશ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા અવલોકન કર્યું છે કે, ઘણીવાર વ્યક્તિ ક્ષણિક આવેશમાં આવીને અમુક શબ્દો બોલી જતો હોય છે પરંતુ આ શબ્દો આપઘાત માટે ઉશ્કેરવા માટેનું જવાબદાર પરિબળ ગની શકાય નહીં. મધ્યપ્રદેશ હાઇકોર્ટનું આ અવલોકન અનેક આપઘાતબી દુષપ્રેરણના કેસમાં લેન્ડમાર્ક સમાન સાબિત થશે. અનેક કેસોમાં આ પ્રકારે આવેશમાં બોલી જવા બદલ વ્યક્તિને આરોપી તરીકે રજૂ કરી દેવામાં આવે છે ત્યારે આ તમામ કેસોમાં મધ્યપ્રદેશ હાઇકોર્ટનો ચુકાદો સીમાચિહ્નરૂપી સાબિત થશે.
મધ્યપ્રદેશ હાઈકોર્ટે કહ્યું છે કે ગુસ્સામાં બોલવામાં આવેલા શબ્દોને આત્મહત્યા માટે ઉશ્કેરવા સાથે જોડી શકાય નહીં. આ સાથે હાઇકોર્ટે ખેડૂતને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ત્રણ લોકો સામે જિલ્લા કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીને રદ કરી દીધી છે. ૨૯ ઓક્ટોબર, ૨૦૨૦ ના રોજ દમોહ જિલ્લાના પથરિયાના મુરત લોધીએ ઘરે જંતુનાશક પીને જીવન ટૂંકાવ્યું હતું.
સમાચાર અનુસાર મુરત લોધીએ પોતાની સુસાઇડ નોટમાં આરોપ લગાવ્યો છે કે, ભૂપેન્દ્ર લોધી નામના વ્યક્તિએ તેના પર લાકડી વડે હુમલો કર્યો અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. મુરતે કહ્યું કે, તેણે આ અંગે પથરિયા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ જ્યારે તે ઘરે પરત ફર્યો ત્યારે રાજેન્દ્ર લોધી અને ભાનુ લોધીએ તેના પર સમાધાન માટે દબાણ કર્યું હતું. તેમણે કહ્યું કે, જો તે સમાધાન માટે સંમત નહીં થાય તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. જેના આધારે પોલીસે રાજેન્દ્ર, ભૂપેન્દ્ર અને ભાનુ સામે આઈપીસી કલમ ૩૦૬ અને ૩૪ હેઠળ મુરત લોધીને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ કેસ નોંધ્યો છે.
ટ્રાયલ કોર્ટે આરોપો ઘડ્યા પછી ત્રણેય આરોપીઓ આરોપોને રદ કરવા માટે હાઈકોર્ટમાં ગયા હતા. જસ્ટિસ સુજોય પોલની બેન્ચે બંને પક્ષોને સાંભળ્યા બાદ સમાન કેસોમાં સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આત્મહત્યા માટે ઉશ્કેરવું એ ‘માનસિક પ્રક્રિયા’ છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે ‘જો કોઈ વ્યક્તિ જે મૌખિક રીતે દુર્વ્યવહાર કરે છે અથવા ધમકી આપે છે અને ત્યારબાદ કોઈ આત્મહત્યા કરે છે, તો ગુસ્સામાં બોલાયેલા શબ્દો કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિઓના જૂથ સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપ માટે યોગ્ય આધાર બનતો નથી.