મેંદરડાના શૌરીપૂરી નગરીના સંકુલમાં 900 યાત્રિકોનો ઉતારો
જુનાગઢ જીલ્લા સ્થિત મેંદપરા ગામમાં ગીરનારથી ગીરનારના છ:રીપાલિત સંઘનું આગમન જૈનાચાર્ય હેમવલ્લભસૂરીજી મહારાજ અને પંન્યાસપ્રવર પહ્મદર્શનવિજયજી મ.આદિ શ્રમણ-શ્રમણી વૃંદની પાવન નિશ્રામાં થતાં બેન્ડવાજા સહિત ભવ્ય સ્વાગત થયું હતું. શૌરીપુરી નગરીના વિશાળ સંકુલમાં 900 યાત્રિકોનો વિસામો રાખવામાં આવ્યો હતો.
આ પાવન ક્ષણે પંન્યાસપ્રવર પહ્મદર્શનવિજયજી મહારાજે વિરાટ ધર્મસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, હું કોણ છું? કયાંથ આવ્યો છું? અને મારે શું કરવાનું છે? આપણે આપણી જાતને ઓળખી શકયા નથી. આપણો આત્મા અનંત શકિતમાન છે. ભીતરમાં અનંત શકિતઓ પડેલી છે. પણ આ શકિતનો આપણે ઉપયોગ કરી શકતા નથી. સત્તા, સંપતિ અને સુંદરીની પાછળ આપણે આપણી આત્મિક શકિતઓને ખોઇ બેઠા છીએ. ભૌતિકવાદ નામના ભૂતે અઘ્યાત્મવાદ ઉપર ભયંકર હુમલો કર્યો છે. આથી જ કૌટુંબિક પારિવારિક, સામાજિક અને રાષ્ટ્રીય સ્તરે સમસ્યાઓ ઉભી થઇ છે. આ સમસ્યાઓનું સમાધાન ગિરનાર તીર્થની ભકિતમાં છે.આજનો માનવ કલેકશન અને કરેકશનમાં જીવન બરબાદકરી રહ્યો છે.
માનવને સંપત્તિના સંગ્રહમાં સ્વાસ્થ્ય જાળવી રાખવામાં, સત્તા ટકાવી રાખવામાં અને સંબંધો જાળવી રાખવામાં રસ છે પણ સંસ્કારો ટકાવી રાખવામાં, સદગુણો ટકાવી રાખવામાં અને મનની સમાધિ ટકાવી રાખવામાં કોઇ રસ રહ્યો નથી. અત્યારે જીવનના કેન્દ્ર બિંદુમાં સંપત્તિનો વળગાડ છે. સંપત્તિ લાવો, ટકાવો અને વધારો હવે તમામ પરિવારનુ ભયંકર અંધકારમય છે કારણ કે સંપત્તિ તમને સન્મતિ નહી અપાવી શકે.આજના શ્રીમંતોની ધન કેન્દ્રીત જીવન શૈલી જોતાં એમ કહેવાનું મન થઇ જાય છે કે તેઓએ કૂતરાઓને સાંકળે બાંધી દીધા છે અને દીકરાઓને છુટ્ટા મૂકી દીધા છે. એમના સંતાનો મરજી પડે ત્યાં જાય છે, મરજીમાં આવે તે ખાય છે, મરજીમાં આવે તે કરે છે, મરજીમાં આવે એની સાથે મિત્રતા કેળવે છે અને બેફાર્મ બનીને જયાં ને ત્યાં નાચે છે. જો સંસ્કારોનો સંગ્રહ નહી કરવામાં આવે તો ઘરનું અને સમાજનું વાતાવરણ ગંદકીથી ઉભરાઇ જશે . સારાનો સંગ્રહ કરી ખરાબનો ત્યાગ કરવો પડશે.
ગાડી ગલત રસ્તા પર દોડી રહ્યાનો ખ્યાલ આવી ગયા પછી સાચા રસ્તે વાળો છો, વેપારમાં ગલત સોદાના કારણે ધંધામાં નુકશાની ગયાની સમજણ આવ્યા પછી ગલત સોદા વેપારી કરતો નથી. ભૂલોનું સાતત્ય ભૂલોના સેવન માટે શરીરને અને મનને સહજ બનાવતું રહે છે. ખોટા સાથેના કનેકશન તોડવા જરુરીછે. જીવનમાં સેવાતી ભૂલોની કબૂલાત કરી લેવા શકિત અને સરળતા જોઇએ. ભૂલ કરવી સહેલી છે, કબૂલાત કરવી અઘરી છે. કબૂલાત માટે છપ્પનની છાતી જોઇએ જેને પરલોકનો ડર હોય તે જ કબૂલાત કરી શકે છે. આજની માણસ વકીલાત કરવામાં શૂરો છે. પણ કબુલાત કરવાની આવે ત્યારે પરસેવો છૂટી જાય છે. પુણ્ય સત્કાર કરતાં પણ પાપધિકકાર નામનો ધર્મ શ્રેષ્ઠ છે. મેંદપરા ગામમાં ઘરી દીઠ પ00 ગ્રામ ખજૂરનું વિતરણ થયું હતું.