70થી વધુ ગેમ્સ અને એક્ટિવિટીથી બાળકોની કલાને ઉજાગર કરાશે
કલેકટર અરૂણ મહેશ બાબુ , જીનિયસ સ્કૂલના ડી.વી મહેતા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું, ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બાળકોને પ્રોત્સાહિત કરાશે
બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકારે અનેક નીતિ નિયમોમાં બદલાવ કર્યા છે અને ભાર વગરના ભણતરને પણ પ્રોત્સાહન આપી રહ્યુ છે. ત્યારે વાત કરવામાં આવે તો રાજકોટ ખાતે આવેલી એકરોલોન્સ ચિલ્ડ્રન ક્લબ દ્વારા એકરોલોન્સ ખાતે કિડ્સ કાર્નિવલનું જાજરમાન આયોજન સર્વ પ્રથમ વખત રાજકોટના આંગણે કરવામાં આવ્યું છે .જેમાં બાળકો માટે 70 થી વધુ પ્રવૃત્તિઓ એટલું જ નહીં અનેકવિધ સ્પર્ધાઓનો પણ આયોજન કરાયું છે જેમાં વિજેતા બાળકોને પ્રોત્સાહિત કરવામાં પણ આવશે.
કાર્નિવલમાં બાળકો વિજ્ઞાનને ખૂબ સરળતાથી સમજી શકે અને તેમાં આનંદ માણી શકે તે માટે પણ અનેક મોડલ ઉભા કરાયા છે. બીજી તરફ કલકત્તા ખાતે ત્રણ હુનરબ્ધ લોકો પણ આવ્યા છે કે જે જગલિંગ શો સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરી લોકો અને બાળકોનું આકર્ષણ વધારી રહ્યા છે. ઉપસ્થિત મહેમાનો ના જણાવ્યા અનુસાર તેઓએ રાજકોટની જનતાને અપીલ પણ કરી છે કે તેઓ તેમના બાળકોને આ કિડ્સ કાર્નિવલમાં લઈને આવે અને તેમનામાં રહેલી કલાને ઉજાગર કરે. રાજકોટના આંગણે સૌપ્રથમ વખત કિડ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્નિવલથી બાળકોમાં રહેલી ક્ષમતાને ઉજાગર કરવામાં આવશે. ત્યારે 70થી વધુ ગેમ્સ અને એક્ટિવિટી સાથે બાળકોનું આગામી 5 દિવસ ઘડતર કરવામાં આવશે. એટલુંજ નહીં અનેક સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકો સહભાગી બનશે. બાળકોના વાલીઓ માટે પણ અનેકવિધ સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું છે જેથી તેઓ પણ સહજતાથી સમય પસાર કરી શકે અને હળવાશની પળો માણી શકે.
કિડ્સ કાર્નિવલ બાળકોના સર્વાંગી વિકાસ માટે ખુબજ જરૂરી: શ્રીકાંત તન્ના
એકરોલોન્સ ચિલ્ડ્રન ક્લબના શ્રીકાંતભાઈ તન્નાએ જણાવ્યું હતું કે, આ આયોજન કરવા પાછળનો ઉદેશ્ય બાળકોના સર્વાંગી વિકાસ માટેનો છે. ત્યારે આગામી 5 દિવસ વધુને વધુ બાળકો આ કાર્નિવલનો લાભ લ્યે એ જરૂરી છે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, બાળકોની સાથે તેમના માતા-પિતા માટે પણ અનેક પ્રવૃતિઓ માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
રજાના માહોલમાં બાળકોની કલા ઉજાગર થાય એ મુખ્ય હેતુ : પરાગ તન્ના
એકરોલોન્સ ચિલ્ડ્રન ક્લબના પરાગભાઈ તન્નાએ જણાવ્યું હતું કે, નાતાલના નાના વેકેશનમાં બાળકોની કલા ઉજાગર થાઈ અને તેઓ કંઈક નવું શીખે તેના માટે આ કાર્નિવલ અત્યંત ઉપયોગી સાબિત થશે. રજાના માહોલમાં બાળકો કાંઈક નવું શીખી પોતાના જીવનને કોશલ્યવર્ધક બનાવે તે માટે આવનારા દીવસોમાં પણ કંઈક અલગ આયોજન કરવામાં આવશે. કિડ્સ કાર્નિવલના પ્રથમ દિવસેજ બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કામની વ્યસ્તતા વચ્ચે પરિવાર સાથે સમય વિતાવો એ પણ એટલો જ આવશ્યક : અરૂણ મહેશ બાબુ
રાજકોટના કલેકટર અરુણ મહેશ બાબુએ હર્ષ અને ઉલ્લાસની અનુભૂતિ કરતા અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કામ ની વ્યસ્તતા વચ્ચે પરિવાર સાથે સમય વિતાવો એ પણ એટલોજ આવશ્યક અને જરૂરી છે, ત્યારે એકરોલોન્સ કિડ્સ ક્લબ દ્વારા બાળકો માટે જે આયોજન કરવામાં આવ્યું તેમાં એક અલગ આનંદની અનુભૂતિ થઇ છે. ત્યારે રાજકોટના વાલીઓએ તેમના બાળકોને આ કાર્નિવલમાં લાવવા જોઈએ અને જ્ઞાનની સાથે ગમત પણ કરાવી જોઈએ.
હંમેશા કંઈક નવું કરવાની પ્રબળ ઈચ્છા અનેરૂ પરિણામ લાવે છે : ડી. વી. મહેતા
એકરોલોન્સ અનવા જીનિયસ સ્કૂલના ડીવી મહેતાએ જણાવ્યું હતું કે, હરહંમેશ કંઈક નવું કરવાનો ઉત્સાહ રહેતો હોય છે, ત્યારે રમતગમત સહિત અનેક ક્ષેત્રે ઘણું કામ કરવામાં આવ્યું હતું પરંતુ નાના ભૂલકાઓ માટે અત્યાર સુધી કોઈ કામ થયું નહતું, માટે કિડ્સ કાર્નિવલ યોજવાનો વિચાર આવ્યો અને ટીમે ખુબજ ઓછા સમયમાં એક અદભુત આયોજન હાથ ધર્યું. આ કાર્નિવલથી બાળકોને ઘણો ફાયદો મળશે અને મનોસ્થિતિમાં પણ સુધારો આવશે.