કોર્પોરેશન ફરી સંસદ સભ્યને સાથે રાખી દિલ્હીમાં રેલવે મંત્રી સમક્ષ કરશે રજૂઆત
Zશહેરના જામનગર રોડ પર આવેલા સાંઢીયા પુલનું આયુષ્ય પૂર્ણ થઇ ગયું છે. અહિં મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ પણ લાદી દેવામાં આવ્યો છે. સાંઢીયા પુલમાં હયાત બ્રિજની જગ્યાએ કરોડો રૂપિયાના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે કોર્પોરેશન દ્વારા ડિઝાઇન બનાવી મંજૂરી અર્થે રેલવે સમક્ષ રજૂ કરી દેવામાં આવી છે. જેમાં અલગ-અલગ ચાર વિકલ્પો આપવામાં આવ્યા હોવા છતાં તંત્ર દ્વારા બ્રિજ માટે મંજૂરી આપવામાં આવતી નથી. આગામી દિવસોમાં સંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયા અને રામભાઇ મોકરિયાને સાથે રાખીને કોર્પોરેશન દ્વારા દિલ્હીમાં રેલ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોર્પોરેશન દ્વારા સાંઢીયા પુલની નવી ડિઝાઇન તૈયાર કરી રેલવે સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરી દેવામાં આવી છે. જેમાં અલગ-અલગ ચાર વિકલ્પ આપવામાં આવ્યા છે. બ્રિજનો તમામ ખર્ચ કોર્પોરેશન ઉઠાવે તે શરતે, બ્રિજનો તમામ ખર્ચ રેલવે વિભાગ ઉઠાવે તે શરતે, રેલવે વિભાગના પોશનમાં આવતો બ્રિજના ભાગનો ખર્ચ રેલવે વિભાગ ઉઠાવે તે શરતે અને તમામ ખર્ચ કોર્પોરેશન ઉઠાવશે જ્યારે બ્રિજનું નિર્માણકામ રેલવે વિભાગે કરવાનું રહેશે તે શરતે એવા ચાર વિકલ્પો આપવામાં આવ્યા હોવા છતાં રેલવે દ્વારા કોઇ મંજૂરી આપવામાં આવતી નથી.
અવારનવાર ઉઘરાણી કરવા છતાં રેલવે વિભાગના અધિકારીઓ મગનુ નામ મરી પાડતા નથી. આગામી દિવસોમાં સિટી એન્જીનીંયર ફરી એકવાર રેલવેના અધિકારીને મળી સાંઢીયા પુલ માટે મંજૂરી આપવાની માંગણી કરશે. છતાં જો અધિકારીઓ દ્વારા મંજૂરી આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ અંગે દિલ્હીમાં રેલવે મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે.