ટીપી સ્કીમની 40 હજાર ચો.મી. જગ્યા મહાપાલિકાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ફાળવાઈ હતી: પાંચ જેટલા કાચા મકાનોનું દબાણ થઈ જતા તાલુકા મામલતદારે બુલડોઝર ફેરવી દીધું
મોટા મવામાં અંદાજે રૂ. 40 કરોડની કિંમતની જમીન ઉપર ખડકાયેલ દબાણો હટાવવા તાલુકા મામલતદાર કચેરી દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પાંચ જેટલા કાચા મકાનો તોડી પાડી 40 હજાર ચો.મી. જેટલી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.
મોટા મવા ગામના ટીપી સ્કીમ નંબર-10 ના ફાઇનલ પ્લોટ નંબર 78 પૈકી 1ની 40 હજાર ચોરસ મીટર જગ્યા જિલ્લા કલેક્ટર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે આપેલ હતી. તેમાં અનઅધિકૃત રીતે પાંચ જેટલા કાચા મકાનોનું દબાણ થયેલ હોય આ મામલે તાલુકા મામલતદાર કે.કે. કરમટા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પાંચ મકાન ધારકોને અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં દબાણ દૂર ન થતા આજે તાલુકા મામલતદાર કે.કે. કરમટા અને તેમની ટીમના રેવન્યુ તલાટી મનીષભાઈ ગીધવાણી અને કલ્પનાબેન ગોરે પોલીસ ટીમને સાથે રાખી ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ફાળવાયેલ આ જમીનમાં ગેરકાયદે ખડકાયેલ પાંચ જેટલા કાચા મકાનોનું દબાણ આજે તાલુકા મામલતદારે બુલડોઝર ફેરવી તોડી પાડ્યું હતું.