250 કરતાં વધુ સંતો, મહંતો અને ધાર્મિક આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયું વિરાટ સંત સંમેલન
ભારતના નૈતિક ઘડતરમાં સંત પરંપરાનું યોગદાન અનેરું છે. ભગવાન સ્વામિનારાયણે પણ એક વિશિષ્ટ સંત પરંપરાની ભેટ આપીને તેને ગૌરવાન્વિત કરી. તેમણે 3000 થી વધુ પરમહંસો દ્વારા પવિત્ર નૈતિક, આધ્યાત્મિક જીવન જીવવા લાખો લોકોને પ્રેરિત કરીને શાંત ક્રાંતિ કરી હતી. તેમજ ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુ પરંપરાના પાંચમા ગુરુદેવ પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર વિશ્ર્વમાં સનાતન હિંદુ ધર્મની મહાન સંત પરંપરાનું ગૌરવ વધાર્યું હતું. પ્રમુખસ્વામી મહારાજના આ અપ્રતિમ યોગદાનને અંજલિ અર્પવા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં રાષ્ટ્રીય સંત સંમેલનનું આયોજન થયું હતું. જેમાં 250 કરતાં વધુ સંતો, મહંતો અને વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સવારે 9 વાગ્યે નગરના મુખ્ય દ્વાર પાસે સર્વે અતિથિ સંતોનું વૈદિક મંત્રોચ્ચાર અને શાંતિ પાઠ સાથે પુષ્પમાળા અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર પછી સર્વે સંતો શોભાયાત્રાના સ્વરૂપમાં પ્રમુખસ્વામી મહારાજની વિશાલ પ્રતિમા પાસે પહોંચ્યા. ત્યાં વેદોક્ત પૂજન સાથે સૌ સંતોએ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં. પૂજન અને પ્રદક્ષિણા બાદ સર્વે સંતોએ સમ્મેલનના સભાગૃહમાં સ્થાન ગ્રહણ કર્યું.
સંધ્યા સભામાં બીએપીએસના સંગીતવૃંદ દ્વારા ભક્તિ સંગીતના વિશિષ્ટ કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. બીએપીએસના આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ પ્રમુખસ્વામી મહારાજના સંતત્વના વિરલ ગુણો વિષે વક્તવ્ય આપ્યું હતું.
બીએપીએસના વરિષ્ઠ સંતો – ઘનશ્યામચરણ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, ભક્તિપ્રિય (કોઠારી) સ્વામી, ડોક્ટર સ્વામી દ્વારા સાધુતાના શિખર એવા પ્રમુખસ્વામી મહારાજ વિષે મનનીય પ્રવચનો કરવામાં આવ્યા હતાં.પૂજ્ય મહંતસ્વામીજી મહારાજે આશીર્વાદ આપતાં કહ્યું હતું કે આજે ભારતભરમાંથી પધારેલા સંતો-મહંતોના એકસાથે દર્શન થવાથી હું ખૂબ જ ધન્યતા અનુભવું છું અને તમામનાં ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું કારણકે આપ સૌ સમાજની સારામાં સારી સેવા કરી રહ્યા છો. આપ સૌ વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પધાર્યા તે માટે હું આપ સૌનો ઋણી છું. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે “પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ” અને આજે આપણે સૌ જુદા જુદા સંપ્રદાયોના સંતો મહંતો ભેગા થયા છીએ ત્યારે તેમણે કહેલું આ વાક્ય સાચું થતું જણાય છે. આપણે સૌ સાથે મળીને સમાજની સેવા કરી શકીએ અને આપ સૌના આશીર્વાદ અમને હમેશાં મળતા રહે તેવી અભ્યર્થના.
જગદગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજે જણાવ્યું હતું કે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને ખૂબ આનંદ થયો છે અને મહંતસ્વામી મહારાજને ધન્યવાદ આપું છું આ શતાબ્દી મહોત્સવના આયોજન માટે. આપણે સૌ સંતો-મહંતો એક થઈને કાર્ય કરીશું તો સમાજ સેવાનું ઉત્તમ કાર્ય કરી શકીશું.
મહામંડલેશ્ર્વર ડોક્ટર સ્વામી રામેશ્ર્વરદાસજી મહારાજે જણાવ્યું હતું કે નૈમિષારણ્ય ક્ષેત્રમાં જે રીતે 88000 ઋષિમુનિઓ તપ કરી રહ્યા હતા તે રીતે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સેવારૂપી તપ કરનાર 80,000 સ્વયંસેવકોને શત શત નમન કરું છું. સંપૂર્ણ વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચાર-પ્રસારનું શ્રેય પ્રમુખસ્વામી મહારાજને જાય છે. પ્રમુખસ્વામી મહારાજે 1000 થી વધુ સંતો અને 1100 થી વધુ મંદિરોનું નિર્માણ કરીને ધાર્મિક ક્રાંતિ કરી છે અને તેમના પુરુષાર્થના કારણે સમગ્ર વિશ્વ તેમને સાચા અર્થમાં “પ્રમુખ” માને છે.