ચોટીલામાં પતંગ ચગાવવામાં મશગુલ તરુણ અગાસી પરથી નીચે પટકાયો
ઉતરાયણનો પર્વમાં માત્ર ગણતરીના દિવસો બાકી છે તે પહેલા જ બાળકોમાં પતંગ ચગાવવાનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે. પરંતુ પતંગની મોજમાં મશગુલ બાળકો ઘણી વખત અગાસી પરથી પટકાતાં હોવાના બનાવ બનતા હોય છે. તેવી જ રીતે રાજકોટ અને ચોટીલામાં પણ બે બાળકો પતંગ ચગાવતી વેળાએ અગાસી પરથી પટકાતા તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતા મોહસીન મજીદભાઈ શેખ નામનો 13 વર્ષનો તરુણ કેસરી પુલ પાસે આવેલા સાગર આરકેડ કોમ્પલેક્ષમાં પતંગ ચગાવતી વેળાએ અકસ્માતે નીચે પટકાયો હતો. તરુણને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અન્ય બનાવમાં સુરેન્દ્રનગરમાં આવેલા મૂળચંદ રોડ પર રહેતો રવિ રણછોડભાઈ માનસુરીયા નામનો 10 વર્ષનો માસુમ ચોટીલામાં રહેતા મામા હિતેશભાઈના ઘરે અગાસી ઉપર પતંગ ચગાવતો હતો ત્યારે રવિ અકસ્માતે અગાશી પરથી નીચે પટકાયો હતો. જેમાં રવિ માનસુરીયાને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ચોટીલા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.