રાજમાર્ગો પર બાઇક રેલીમાં ગુંજશે ‘જયશ્રી રામના નાદ’
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં તારીખ 27 ડિસેમ્બર, 2022થી તા. 1 જાન્યુઆરી, 2023ના રોજ શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉપક્રમે આજે શહેરમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના નિમંત્રણ માટે શહેરના સાત સ્થળેથી એકી સાથે રાજમાર્ગો ઉપર બાઈક રેલી નીકળશે.
કથાના પ્રારંભ પૂર્વે આજે મોરબી રોડ ઉપર આવેલી મધુવન સ્કુલ, કાલાવડ રોડ ઉપર આવેલી આત્મીય યુનિવર્સિટી, ગોંડલ રોડ ઉપર આવેલી પી.ડી.એમ. કોલેજ, રૈયા રોડ ઉપર આવેલ બાપાસીતારામ ચોક, સોરઠીયા વાડી સર્કલ, પાળ ગામે આવેલી સર્વોદય સ્કુલ તેમજ રૈયા રોડ ઉપર આવેલી ન્યુ એરા સ્કુલ સહિતના સાત સ્થળોએથી સાંજે પાંચ કલાકે એકી સાથે હનુમાનજીના રથ સાથે રાજમાર્ગો ઉપર નિમંત્રણ રેલી નિકળશે. જે નિમંત્રણ રેલી સાંજે 7.30 કલાકે રેસકોર્સ ગ્રાઉન્ડમાં પૂર્ણ થશે. આ ઉપરાંત નિમંત્રણ રેલીમાં ડીજેના તાલ અને પુષ્પવર્ષા સાથે સ્વયંસેવકો શહેરના રાજમાર્ગો ઉપર ફરશે. નિમંત્રણ રેલીમાં આવનારા તમામ મંદિરોમાં જઈને મંદિરના પુજારીઓને નિમંત્રણ પાઠવશે.
આ બાઈક રેલીનું ઠેર ઠેર સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા સ્વાગત કરાશે. જેમાં હનુમાન મિત્ર મંડળ, બાલક હનુમાન મંદિર, રણછોડ મંદિર સહિતના વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા બાઈક અને નિમંત્રણ રેલીનું ફુલહાર દ્વારા સ્વાગત કરવામાં આવશે. આ ઉપરાંત બાઈક રેલીના રૂટમાં આવનારી તમામ સ્કુલો દ્વારા ફુલહાર કરશે. મહત્વની વાત એ છે કે, નિમંત્રણ રેલીમાં સાત રથો રહેશે.
દરેક રથમાં હનુમાનજીની પ્રતિમા રહેશે. તેમજ આ નિમંત્રણ રેલીમાં પ્રથમ ધર્મ ધ્વજ અને બીજા રથમાં રાષ્ટ્રધ્વજ રહેશે. દરેક સ્થળેથી 200થી વધારે બાઈક, બુલેટમાં સ્વયંસેવકો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત નિમંત્રણ રેલીમાં રાજકોટમાં આવેલી તમામ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના શિક્ષકો અને સ્વયંસેવકો દ્વારા નિમંત્રણ રેલીના સ્વાગતમાં જોડાશે. બાઈક રેલીમાં આવનારા યજમાનોના ઘર નજીક યજમાન પરિવાર દ્વારા રેલીનું દિવ્ય અને ભવ્ય સ્વાત કરવામાં આવશે.
1100 જેટલા ધર્મધ્વજથી વાતાવરણ દિવ્ય બનશે
રાજકોટ શહેરના રાજમાર્ગ ઉપર આજે નીકળનારી શ્રી હનુમાન ચાલીસા યુવા કથાની બાઈક રેલીમાં 1100 જેટલા ધર્મધ્વજ લહેરાશે. જેનાથી વાતાવરણ દિવ્ય બનશે. તેમજ શહેરના અનેક વિસ્તારોમાં ધર્મધ્વજ લગાવાશે.
સાળંગપુરધામ કષ્ટભંજનદેવ કુદરતી સૌદર્યનો શણગાર
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજીના મંદિરે દરરોજ કંઈક અલગ શણગાર કરવામાં આવતો હોય છે ત્યારે આજ રોજ દાદાને કુદરતી સૌંદર્યનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના આ વાઘાનો શણગારના ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
શનિવારે હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવે છે એવું કહેવાય છે કે શનિવારે બજરંગબલીની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે ત્યારે પવિત્ર ધનુર્માસ અંતર્ગત સાળંગપુર કષ્ટભંજન દેવને કુદરતી સૌંદર્યનો અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. કુદરતી સૌંદર્યનો અનોખો શણગાર કરાયા બાદ દાદાનો અલૌકિક અને દિવ્ય નજારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ દાદાના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા હતા.
સાળંગપુરધામ ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.