પોલીસે બે મહિલા સહિત છ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય અને ગુનેગારોને જાણે ખાખીનો થોડો પણ ખોફ ના રહ્યો હોય તે મારામારીના બનાવો અનેક સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક મારામારીનો બનાવ સામે આવ્યો છે.જેમાં લાપાસરી રોડ પર ગાડી પાર્ક કરવા મુદ્દે બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી જેમાં બે મહિલાને ઇજા પહોંચી હતી મારામારી કરનાર બંને પક્ષે બે મહિલા સહિત છ શખ્સો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વેલનાથપરામાં રહેતા હંસાબેન ગેલાભાઈ દાદરેચા નામની 35 વર્ષની પરિણીતા લાપાસરી રોડ પર મચ્છી ખરીદવા ગયા હતા ત્યારે બાઈક પાર્ક કરવા મુદ્દે આરોપી રાજુ કાલીયા, રોહિત કાલીયા અને એક મહિલાએ ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો
જ્યારે વળતા પ્રહારમાં રૂપાબેન રાજુભાઈ કાલીયા નામની 28 વર્ષની પરિણીતા ઉપર હંસાબેન દાદરેચા, ચિરાગ દાદરેચા અને મુકેશ ઉર્ફે મહેશ વાઘેલાએ લાકડી વડે હુમલો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. આ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી જાહેરમાં મારામારી કરનાર બંને પક્ષોની પોલીસે ફરિયાદ નોધી બે મહિલા સહિત છ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.