પ્રમુખસ્વામી મહારાજના અધ્યાત્મ અને ચિકિત્સાના સુમેળકારી અભૂતપૂર્વ પ્રદાનને મહાનુભાવોએ બિરદાવ્યું
‘અધ્યાત્મ અને આરોગ્ય દિન’ના ઉપક્રમે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિરાટ સંધ્યા સભાનું આયોજન થયું હતું. જેમાં ભારતના આરોગ્ય અને ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ સાથે હજારો સંતો-ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજને સમાજના સ્વાસ્થ્ય રક્ષણ માટે અભૂતપૂર્વ કાર્યો કરવા બદલ શ્રદ્ધાંજલિ આપી હતી.
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં બીએપીએસ સંસ્થા દ્વારા સંચાલિત આરોગ્ય સેવાઓનો એક બૃહદ અધ્યાય છે. પ્રમુખસ્વામી મહારાજે 7 મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોની સ્થાપના કરી હતી. ઉપરાંત 11 નિ:શુલ્ક મોબાઈલ દવાખાનાઓ દ્વારા 1 કરોડ જેટલાં રોગીઓની સારવાર કરવામાં આવી છે. અનેક રક્તદાન યજ્ઞો, નિ:શુલ્ક રોગનિદાન કેન્દ્રો અને વિભિન્ન સ્વાસ્થ્ય સેવાઓ દ્વારા પ્રમુખસ્વામી મહારાજે સમાજના સ્વાસ્થ્યની રક્ષા કરી છે. પ્રતિ સપ્તાહ આશરે 2880 જેટલું અંતર કાપતા 14 મોબાઈલ દવાખાનાઓ દ્વારા 133 ગામોના 56 લાખ કરતાં વધુ લોકોને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત 1227 જેટલાં રોગનિદાન કેન્દ્રો દ્વારા 2,91,000 લોકોનું નિદાન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે સ્વામીજીએ 40 લાખ લોકોને વ્યસનમુક્તિની પ્રેરણા આપી સમગ્ર રાષ્ટ્રના આરોગ્યની રક્ષા કરી છે, બીજી બાજુ, તેમણે સમાજના આધ્યાત્મિક આરોગ્યની પણ ચિંતા કરી હતી. વિશ્વભરમાં 1231 જેટલાં મંદિરો, 9,500 કરતાં વધુ બાળ-યુવા કેન્દ્રો અને 9000 થી વધારે પુરુષ-મહિલા સત્સંગ કેન્દ્રોની સ્થાપના દ્વારા સર્વેના આધ્યાત્મિક આરોગ્યને સશક્ત બનાવ્યું.
ભગવાનની ધૂન, પ્રાર્થના અને કીર્તન સાથે સાંજે 5.15 વાગ્યે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. BAPSના સંગીત વૃંદ દ્વારા ‘દરદ મિટાયા મેરા દિલ કા’ કીર્તનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.બીએપીએસ ના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ શ્રેણી હેઠળ પ્રમુખસ્વામી મહારાજના આરોગ્ય સેવામાં અધ્યાત્મના સંગમના વિલક્ષણ કાર્યને વર્ણવ્યું હતું, પ્રમુખસ્વામી મહારાજ નગર માં પ્રમુખસ્વામી મહારાજ ની ધૂન કરતી હસ્તમુદ્રા મૂકવામાં આવી છે જે દર્શાવે છે કે પ્રમુખસ્વામી મહારાજ હંમેશા ભગવાનની ધૂન અને પ્રાર્થના પર મદાર રાખીને કામ કરવાવાળા પુરુષ હતા. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રમુખસ્વામી મહારાજ ની જ્ઞાન મુદ્રા, વંદન મુદ્રા અને પૂજન મુદ્રા અને અન્ય મુદ્રાઓ આપણને તેમની ભગવાન પ્રત્યે ની શ્રદ્ધા અને ભક્તિનો પરિચય કરાવે છે.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું, આજે વિજ્ઞાન પણ સ્વીકારે છે કે પ્રાર્થના કરવાથી અને સેવા કરવાથી તેમજ માફ કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને ઉપવાસ કરવાથી શરીરને લાભ થાય છે”. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતા કે “કમ ખાના અને ગમ ખાના” અર્થાત્ ભૂખ કરતાં ઓછું જમવાનું તેથી સ્વાસ્થ્ય સારું રહે અને જરૂર ના હોય ત્યાં ચૂપ રહેવાનું એટલે સંબધો સારા રહે કારણકે દુનિયાના મોટા ભાગના ઝગડા બોલવાના કારણે જ થયા છે અને પ્રમુખસ્વામી મહારાજ એ જ રીતે આખું જીવન જીવ્યા છે. “કથા અને સેવા કરશો તો તબિયત સારી રહેશે. મનના દુ:ખની અકસીર દવા એ અધ્યાત્મ છે.”