રાજકોટના નામચીન શખ્સ અને રાણપુર તાલુકાના ગઢીયા ગામના પૂર્વ સરપંચનું ચુડા ગામ નજીક માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું છે. પોતાના વતનથી માતાજીના દર્શન કરી પરત ફરતી વેળાએ ચુડા નજીક કાર થાંભલા સાથે અથડાતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાણપુર તાલુકાના ગઢીયા ગામના પૂર્વ સરપંચ તથા રાજકોટમાં શ્રી રાધિકા નામની શરાફી મંડળી ચલાવતા નામચીન શખ્સ રાજુભાઈ શેલાભાઈ શિયાડીયા ઉર્ફે કુકી ભરવાડ નામના 32 વર્ષના યુવાનનું ચુડા પાસે બોરિયાનેસ ગામ નજીક કાર અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું હતું.
મૃતક રાજુભાઈ ઉર્ફે કુકી પોતાના ગામ ગઢીયા અમાસ પર્વ માતાજીના દર્શન કરવા ગયા હતા. જ્યાંથી પોતાની ક્રેટા કારમાં પરત ફરતી વેળાએ બોરિયાનેસ પાસે થાંભલા સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજુભાઈ ઉર્ફે કુકી ભરવાડનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. મૃતક રાજુભાઈ ઉર્ફે કુકી ભરવાડ 3 ભાઈ અને એક બહેનમાં નાના હતા અને તેમના આકસ્મિક મોતથી ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં આક્રંદ છવાયો છે.
રાજુ ઉર્ફે કુકી ભરવાડ સામે નોંધાયેલા ગુનાઓ
રાજકોટના નામચીન શખ્સ રાજુ ઉર્ફે કુકી ભરવાડનું ચુડા ગામ નજીક માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. મૃતક રાજુ ઉર્ફે કુકી ભરવાડ પર ભૂતકાળમાં કારખાનેદારના પ્લોટમાં પેશકદમી કરવી અને કારખાનેદારો પર હુમલો કર્યાના ગુનામાં પોલીસ ચોપડે ચડ્યા હતા. જે ગુનામાં માલવિયાનગર પોલીસ મથક તેને પકડવા જતાં પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ પર સોડા બોટલ વડે હુમલો કરવામાં પણ નામચીન શખ્સની સંડોવણી હોવાની પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.