ઘુડખર અભ્યારણ્ય વિભાગે પરિપત્ર જાહેર કર્યો
કચ્છના નાના રણમાં આઝાદી પહેલા સને 1872થી અગરિયાઓ દ્વારા મીઠું પકવવામાં આવે છે. જ્યારે સને 1973માં કચ્છના રણના 4953 ચો.કિ.મી.વિસ્તારને ઘૂડખર માટે રક્ષિત કરવામાં આવ્યો હતો. ખારાઘોડા મીઠા એસોસિયેશનની રૂબરૂ મુલાકાત બાદ ધ્રાંગધ્રા ઘૂડખર અભયારણ્યના નાયબ વન સંરક્ષકે લેખિત પરિપત્ર જાdર કર્યો છે. અને હવેથી નવા વર્ષથી મીઠાના વેપારીઓ, અગરિયાઓ અને સ્થાનિક લોકો રણમાં જવા અભયારણ્ય વિભાગની પરવાનગી નહીં લેવી પડે.
ખારાઘોડા આયોડાઇઝ્ડ સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિયેશનના સભ્યોએ ધ્રાંગધ્રા ઘૂડખર અભયારણ્ય વિભાગના નાયબ વન સંરક્ષક ડો. ડી.એફ.ગઢવી સાથે રૂબરૂ મુલાકાત લઇ વિગતવાર આ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બાદમાં ધ્રાંગધ્રા નાયબ વન સંરક્ષક ડો.ડી.એફ.ગઢવી દ્વારા લેખિત પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે, ખારાઘોડા આયોડાઇઝ્ડ સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિયેશનના હોદેદારો તથા મીઠા મંડળીને લગતા એસોસિયેશન, અગરિયાઓ, સ્થાનિક વ્યક્તિઓ તેમજ એસોસિયેશનમાં કામ કરતા વ્યક્તિઓ કે જેઓ અભયારણ્ય વિસ્તારમાં જ્યાં મીઠું પકવે છે.
તથા સોલાર પેનલના રીપેરીંગ કામ માટે જતા લોકોને તે એરિયામાં જવા માટે બજાણા રેંજ દ્વારા જરૂરી ફી વસુલી પરમીટ આપતા હોય છે. પરંતુ આ તમામ લોકો પ્રવાસીઓ કે મુલાકાતીઓ નથી. પરંતુ વંશ પરંપરાગતરીતે પોતાની આજીવિકા ચલાવવા માટે મીઠું પકવવાનું કામ કરતા હોઇ તેઓની હવેથી ફી વસુલવી નહી. તથા અભયારણ્યમાં સુર્યોદયથી સુર્યાસ્ત સુધી પ્રવેશ કરવા દેવો. આથી હવેથી નવા વર્ષથી મીઠાના વેપારીઓ, અગરિયાઓ અને સ્થાનિક લોકો રણમાં જવા અભયારણ્ય વિભાગની પરવાનગી નહીં લેવી પડે.