ઓનલાઇન નોંધણી ન કરાવતા 23 બોટમાં સંચાલકો અને જૂની બોટમાં કાગળો નવી બોટમાં ઉપયોગ કરનાર બે સંચાલકો સામે કાર્યવાહી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા પંથકમાંથી એક વર્ષ પૂર્વે મળી આવેલા રૂ.315 કરોડના ડ્રગ્સના જથ્થા પ્રકરણમાં એક માછીમારી બોટ દ્વારા પાકિસ્તાની જળસીમામાંથી ડ્રગ્સનો આ જથ્થો અહીં લાવવામાં આવ્યો હોવાનો ચકચારી ખુલાસો થયો હતો. ત્યાર બાદ માછીમારો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને થતી માછીમારી વચ્ચે ગત તારીખ 18મી ડિસેમ્બરના રોજ કલ્યાણપુરના નાવદ્રા બંદરની એક ફિશીંગ બોટ, એક મશીન તથા પેટ્રોલની ચોરી થયાના ચિંતાજનક બનાવનો ભેદ ઉકેલાયા પછી પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે અને નાવદ્રા વિસ્તારમાં માછીમારી અંગેના વિવિધ નિયમોનું ઉલ્લંઘન કરતા સામે તંત્રએ લાલ આંખ કરી બે ડઝન જેટલા આસામીઓ સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામના દરિયાકાંઠા વિસ્તારમાંથી કરાતી માછીમારી સંદર્ભે સામુહિક રીતે સધન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઓનલાઇન નોંધણી કરાવ્યા વગર માછીમારી કરતી 23 બોટના સંચાલકો સામે ગુજરાત મત્સ્યોધ્યોગની ધારા હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
તો બીજી તરફ માછીમારો કરતા સંચાલકો ઘણી વખત એક નામ પર બે બોટ ચાલતી હોય છે અને જૂની થયેલી બોટના કાગડો નવી બોટ પર લગાવીને માછીમારી કરતા હોય છે. જે બાબત ધ્યાને આવતા પોલીસે આવી રીતે નિયમોનું ઉલ્લંઘન કરતા બે બોટના સંચાલકો સામે જામ કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.