ચીનમાં દબાવેલી સ્પ્રિંગ હવે ધીમે ધીમે ઉછળી રહી છે. લોકો સરકારનો વિરોધ કરતા થયા છે. શી જિનપિંગ એવા પ્રથમ ચીનના રાષ્ટ્રપતિ બન્યા છે જેમને ચીનના લોકો દ્વારા પદ છોડવા માટે કહેવામાં આવ્યું છે. આ પહેલીવાર નથી જ્યારે જિનપિંગને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હોય. આ પહેલા પણ ચીનના લોકો ઘણા મુદ્દાઓ પર શી જિનપિંગ વિરુદ્ધ રસ્તા પર ઉતરી ચુક્યા છે. હવે લોકો શી જિનપિંગના કડક કોવિડ પગલાંના વિરોધમાં તેમના રાજીનામાની માંગ સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
એટલું જ નહીં, લોકોએ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના એક પક્ષના શાસનને ખતમ કરવાની માંગ પણ ઉઠાવી છે. રસ્તાઓ પર ઉતરેલા લોકો “રાજીનામું આપો, શી જિનપિંગ! રાજીનામું આપો, કમ્યુનિસ્ટ પાર્ટી!” જેવા નારા લગાવ્યા છે અને એમ પણ કહ્યું છે કે અમને આજીવન શાસક જોઈતા નથી. અમને એવો રાજા નથી જોઈતો. એવું માનવામાં આવે છે કે સીસીપી લોકો પર તેની પકડ યોગ્ય રીતે જાળવવામાં સક્ષમ નથી અને લોકોના ગુસ્સાનું મુખ્ય કારણ કોવિડ -19 રોગચાળાને યોગ્ય રીતે હેન્ડલ ન કરવું છે.
લોકોએ આગ્રહ કર્યો છે કે શી જિનપિંગની આગેવાની હેઠળની સરકારની શૂન્ય-કોવિડ નીતિ હેઠળ લાગુ કરાયેલા એન્ટી-વાયરસ પગલાં રોગચાળાને કાબૂમાં રાખવામાં નિષ્ફળ ગયા છે અને તેમની સ્વતંત્રતા, આરોગ્ય અને આજીવિકાને નુકસાન પહોંચાડ્યું છે. નોંધનીય છે કે, ચીન લોકડાઉન અને મુસાફરી પ્રતિબંધો સહિતના કડક પ્રતિબંધોનું પાલન કરી રહ્યું છે.
વર્તમાન પરિસ્થિતિને જોતાં, શી જિનપિંગના રાજીનામાની લોકોની માંગ અસાધારણ છે અને તે રાજકીય બળવા તરફ દોરી શકે છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનમાં ચાલી રહેલી સ્થિતિને કારણે ટોચના સીસીપી નેતાઓ અને શી જિનપિંગના હરીફો દ્વારા રાજકીય બળવો થઈ શકે છે.
બેઇજિંગની સિંઘુઆ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સીસીપી સરકાર સામે વિરોધ કરે છે અને લોકશાહી અને કાયદાનું શાસન, અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા સૂત્રોચ્ચાર કરે છે. શાંઘાઈ, વુહાન, ઉરુમકી, ચેંગડુ અને ગુઆંગઝુ સહિત સમગ્ર ચીનમાં સમાન વિરોધ જોવા મળ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં યુવાનો શી જિનપિંગ સામે રસ્તા પર ઉતરી આવ્યા હતા.