ડાકોર દર્શન કરી પરત આવતા મોડી રાતે સર્જાયો જીવલેણ અકસ્માત: ચાર મહિલા સહિત પાચ ઘાયલ
પોલીસ ડીપાર્ટમેન્ટમાં સારી નામના ધરાવતા બંને પોલીસ કર્મચારી માર્ગ અકસ્માતમાં કાળનો કોળિયો બનતા ગરાસિયા પરિવારમાં કરૂણાંતિકા
રાજકોટ શહેરના ભાગોળે આવેલા અમદાવાદ હાઈવે પર માલિયાસણ નજીક ગત મોડી રાત્રીના ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા રાજકોટના બે નિવૃત્ત એ.એસ.આઇ. સહિત કુલ ચાર લોકોના મોત નીપજ્યા છે. ડાકોરથી દર્શન કરી પરત ફરતી વેળાએ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર મહિલા સહિત પાચ લોકો ઘવાતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પોલીસ ડીપાર્ટમેન્ટમાં સારી નામના ધરાવતા બંને એએસઆઇ માર્ગ અકસ્માતમાં કાળનો કોળિયો બનતા ગરાસિયા પરિવારમાં કરુણાંતિકા સર્જાઈ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં જામનગર રોડ પર આવેલા પરાસત પાર્કમાં રહેતા નિવૃત્ત એ.એસ.આઇ. પૃથ્વીરાજસિંહ બહાદુરસિંહ જાડેજા (ઉ.વ.67) અને જયેન્દ્રસિંહ ઉમેદસિંહ ઝાલા (ઉ.વ.68) ઇકો કારમાં પોતાના પરિવાર સાથે ડાકોર દર્શન કરવા ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળાએ ગત મોડી રાત્રીના અગિયારેક વાગ્યાની આસપાસ માલિયાસણ પાસે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ અકમસતાના પગલે અમદાવાદ હાઇવે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ઇકો કારનું પડીકું વળી ગયું હતું. જેના કારણે નિવૃત્ત એ.એસ.આઇ. પૃથ્વીરાજસિંહ જાડેજા અને જયેન્દ્રસિંહ ઝાલાના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે ઇકોમાં સવાર નિવૃત્ત એ.એસ.આઇ.ના પરિવારજનો ઇન્દ્રજીતસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ.42), માયાબા અનોપસિંહ જાડેજા (ઉ.વ.70), પ્રકાશબા પૃથ્વીરાજસિંહ જાડેજા (ઉ.વ.50), કૈલાશબા પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ.55), પ્રિયાંસીબા ઈન્દ્રજીતસિંહ જાડેજા (ઉ.વ.23), મહેશ્વરીબા ઇન્દ્રજીતસિંહ જાડેજા (ઉ.વ.40) અને સુમાબા ઝાલા (ઉ.વ.55)ને ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પરંતુ સિવિલ હોસ્પિટલમાં પણ ટૂંકી સારવાર બાદ જ પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા ઈન્દ્રજીતસિંહ પ્રવીણસિંહ જાડેજા અને માયાબા અનોપસિંહ જાડેજાએ દમ તોડતા મૃત્યુઆંક ચાર સુધી પહોંચ્યો હતો. આ ઘટના અંગે જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ કે.એમ.ચૌધરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી મૃતદેહને પીએમ અર્થે લઈ જવામાં આવ્યા હતા.
આ ગમખ્વાર અકસ્માતમાં રાજકોટ પોલીસ ડીપાર્ટમેન્ટમાં સારી નામના ધરાવતા નિવૃત્ત એ.એસ.આઇ. પૃથ્વીરાજસિંહ જાડેજા અને જયેન્દ્રસિંહ ઝાલાના આકસ્મિક મોતથી ગરાસિયા પરિવાર અને પોલીસબેડામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.