સાપ છોડવાની ના પાડતા યુવાનને પોલીસની હાજરીમાં છરી ઝીંકયાના આક્ષેપ: ત્રણ સામે નોંધાતો ગુનો
સામાપક્ષે કરિયાણાના વેપારીના હાથમાંથી ડબ્બો છૂટી જતાં સાપ ભાગતા ફલેટ ધારકોએ લમધાર્યો
શહેરના ભાગોળે આવેલા ધંટેશ્વર પાસે એસ.આર.પી. કેમ્પ નજીક વર્ધમાન હાઇટ્સ અને અતુલ્યમ બંગ્લોઝના ફલેટ ધારકો વચ્ચે સાપ છોડવા મામલે મારામારી થઈ હતી. જેમાં બે યુવાનોને ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાપ છોડવા મામલે પોલીસની હાજરીમાં યુવાનને છરીના ઘા ઝીંક્યા હોવાના પણ આક્ષેપો થયા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ એસ.આર.પી.કેમ્પ પાસે વર્ધમાન હાઇટ્સમાં રહેતા અને એમ.આર. તરીકે કામ કરતા પવનકુમાર બ્રીજકિશોર શર્મા નામના 34 વર્ષીય યુવાને યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે ગઈ કાલે સાંજે અતુલ્યમ્ બંગ્લોઝમાં રહેતા પ્રતિકભારથી ગોસ્વામી નામના શખ્સે તેમના ઘર પાસે સાપ છોડ્યો હતો.ફ
જેમાં પવનકુમારે સાપ છોડવાની ના પાડતા પ્રતીકભારથીએ યુવાનને ગાળો દાઈ માર માર્યો હતો. ત્યાર બાદ યુવાને પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. જ્યાં પોલીસની હાજરીમાં પ્રતીકભારથી તેના પિતા અરવિંદ ભારથી અને પ્રતિકની પત્નીએ પવનકુમાર પર છરી વડે હુમલો કર્યો હોવાના આક્ષેપ પણ કર્યો છે.તો સામાપક્ષે અતુલ્યમ્ બંગ્લોઝમા રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા પ્રતીકભારથી અરવિંદભારથી ગોસ્વામી નામના 30 વર્ષીય યુવાન પર રઘુ ઝાલા સહિતના શખ્સોએ માર મારતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલના બિછાને રહેલા યુવાને જણાવ્યું હતું કે ગઈ કાલે રાત્રીના હું સાપને ડબ્બામાં પૂરીને હતો હતો ત્યારે વર્ધમાન હાઈટ્સ પાસે ડબ્બો પડી જતાં સાપ છૂટી ગયો હતો. જેનો ખાર રાખી રઘુ ઝાલા સહિતના શખ્સોએ માર માર્યો હતો.