બાળકોને મન રમકડાં એટલે આનંદ, પરંતુ કેટલાય બાળકો એવા છે જેઓ તે વસાવી નથી શકતા. અદાણી ફાઉન્ડેશન દ્વારા એવા બાળકોના જીવનમાં આનંદનો રંગ ભરવા ‘ટોય સે જોય’ નામની પહેલનું આયોજન કરવામાં આવ્યું. આ ખાસ પહેલ અંતર્ગત અદાણી જૂથની કંપનીઓના કર્મચારીઓએ અવનવા રમકડાંઓનું દાન કર્યું હતું. એટલું જ નહીં, કર્મચારીઓએ સ્વયંસેવક બની એકત્રિત રમકડાઓ વંચિત બાળકોમાં વહેંચી ઉત્કૃષ્ટ સેવાનું ઉદાહરણ પુરું પાડ્યું છે.
વર્ષોથી વંચિત બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરતા અદાણી ફાઉન્ડેશને આ વર્ષે પણ એ ક્રમ યથાવત રાખ્યો છે. નાતાલનો તહેવાર પ્રિયજનો સાથે આનંદ અને ઉત્સાહથી માણવામાં આવે છે. ’ટોય સે જોય’ અંતર્ગત એકત્રિત રમકડાંઓને અમદાવાદમાં વિવિધ સ્થળોએ વંચિત બાળકોને વિતરીત કરવામાં આવ્યા હતા. આ પહેલમાં કર્મચારીઓએ સ્વયંસેવક બનીને ઉત્સાહભેર સેવા પૂરી પાડી હતી.
અદાણી જૂથના કર્મચારી પૂજા દલવાણી જણાવે છે કે આ કવાયત દરમિયાન સ્વયંસેવક બનવાનો અનુભવ ખૂબ જ આનંદદાયક હતો, જ્યારે અમે રમકડાંનું વિતરણ કર્યું ત્યારે બાળકોના ચહેરા પરનું સ્મિત અનોખો આનંદ આપનારું હતું, હું હંમેશા તે યાદ રાખીશ.
’ટોય સે જોય’ પહેલની પ્રથમ આવૃત્તિને જોરદાર પ્રતિસાદ સાંપડ્યો છે, ત્યારે ફાઉન્ડેશનની ટીમે ભવિષ્યમાં પણ આવી કોમ્યુનિટી-બિલ્ડિંગ ડ્રાઇવ માટે તત્પરતા દર્શાવી છે.
અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વસંત ગઢવી જણાવે છે કે નાતાલનો તહેવાર પ્રિયજનો સાથે આનંદ અને ઉત્સાહથી મનાવવામાં આવે છે. તહેવારોની ઉજવણીમાં વંચિત બાળકો પણ આનંદિત રહે તે માટે કર્મચારીઓનોનો પ્રયાસ સરાહનીય છે. તેઓ ઉમેરે છે કે મોટાભાગે આપણે કપડાં, સ્ટેશનરી કે શૈક્ષણિક પુસ્તકો દાનમાં આપતા હોઈએ છીએ. શરૂઆતમાં અમે આ તમામ ચીજવસ્તુઓ મેળવવા માંગતા હતા, જો કે અંતે રમકડાંનો વિકલ્પ પસંદ કર્યો જે યોગ્ય હતું.
આ પહેલમાં એકત્ર કરવામાં આવેલા રમકડાં અપંગ માનવ મંડળ, વિકાસગૃહ, ચિલ્ડ્રન હોમ, શિશુગઢ અને શહેરમાં ચાલી રહેલી બાંધકામ સાઈટ્સ પરના બાળકોમાં વિતરિત કરવામાં આવ્યા હતા. રમકડાંઓ મેળવીને બાળકોના ચહેરા પર છલકાતું સ્મિત પ્રત્યેક સ્વયંસેવકને સંતોષ અને આનંદની અનુભૂતિ કરાવનારો હતો.