અમૃત મહોત્સવમાં તલવાર રાસ, અન્નકુટ, આતશબાજી સાથે ભવ્ય રંગારંગ ઉજવણીથી હરી ભકતો ભાવ વિભોર
સ્વામીનારાયણી ગુરુકુળના 75માં વર્ષની ઉજવણી અમૃત મહોત્સવની ભાવભેર ઉઝવણી અનેક વિધ કાર્યક્રમો સાથે થઇ રહી છે.
તંત્ર અને યંત્ર કામીયાબ ન નીવડે ત્યાં મંત્રશક્તિ સફળતા અપાવે છે એમ આજે પ્રભુ સ્વામીએ સત્સંગ સભામાં કહ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપના દિને રાત્રે યોજાયેલ સત્સંગ સભામાં કરોડોની સંખ્યામાં મંત્રલેખન તથા મંત્ર જપ કરનારા અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા વગેરે દેશોના ભક્તોને ગુરૂવર્ય મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ ભાલમાં ચાંદલો કરી, કંઠમાં માળા પહેરાવી શુભાશીર્વાદ આપેલા.
આ પ્રસંગની ઉજવણીના ભાગરૂપે ગુરુકુલના 51 સંતોએ વિવિધ વાજીંત્રો તબલા, ઢોલક, હારમોનીયમ, ઓરગન, વાયોલીન, ડ્રમ પેડ, વાંસળી, સારંગી, સિતાર, બેન્જો, ઝાંઝ, પખાજ, મંજીરા, ધૂધરા વગેરે સાજ સાથે સ્વામિનારાયણ મહામંત્રની ધૂનનું ગાન કરાવ્યું. શ્રી અક્ષર પ્રિયદાસજી સ્વામી, સંગીત વિશારદ શ્રી વંદન સ્વામી તેમજ ધનશ્યામ ભગતે કરાવ્યું હતું.
220 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે ગુજરાતમાં પધારી પ્રથમ કાઠીયાવાડના કાઠી દરબારોના ઘરે જ ઉત્તારા કરેલા. એ કાઠી દરબારઓના વંશના જુનાગઢ પાસેના ભાડેર તથા સુરેન્દ્રનગર પાસેના રામપરા, ટીંબા, લટુડા વગેરે ગામોના 12 વર્ષથી 65 વર્ષના 35 યુવાનો બબે ખુલ્લી તલવારો સાથે ઢોલ અને શરણાઇના શૂરીલા સૂરો સભર કરામતવાળો રાસ રમ્યા હતા. કોઈના બે હાથમાં તલવારો, એક એક મોઢામાં , કેડે ચારચાર ખુલ્લી તલવારો બાંધી કૌશલ્ય દેખાડી સંતો હરિભક્તોને રાજી કર્યા હતા.
સૌને દેવ કૃષ્ણદાસજી સ્વામી તથા મહંત દેવપ્રસાદદાસજી સ્વામીએ ચાંદલો કરી પ્રસાદ આપ્યો હતો.આવતીકાલે ર1મીએ ગુરુકુળ મૈયાનું પુજન અને બાલ મંચનો કાર્યક્રમનું આયોજન કરાય છે.
અમૃત મહોત્સવના ઉપક્રમે મહુડી કણકોટ રોડ ઉપર નિર્મિત ગુરુકુળ મૈયાનું પૂજન સવારે આઠ વાગ્યાથી 10 વાગ્યા સુધી હજારો કિલો પુષ્પ પાખડી તથા અનાજ થી પૂજન કરાશે. ત્યાર પછી
ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થીઓનો બાળમંચ સવારે 10:30 થી 12 વાગ્યા સુધી અને બપોર પછી 4:00 થી 6:00 દરમિયાન યોજાશે.
સમાજ ઉત્કર્ષ માટે સતત સક્રીય શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનને 75 વર્ષ પૂર્ણ થતા સંસ્થા દ્વારા તા. 22થી 26 ડિસેમ્બર સુધી મવડી ચોકડીથી આશરે અઢી કિલોમીટર દૂર આવેલ મવડી કણકોટ રોડ પર નિર્માણ કરવામાં આવેલ સહજાનંદનગરમાં ભવ્ય અમૃત મહોત્સવ યોજાયેલ છે. તે નિમિત્તે મુખ્ય મહોત્સવ ઉપરાંત ગુરુકુલ ખાતે દરરોજ વિદ્વાન વક્તાઓ દ્વારા શાસ્ત્રોક્ત બાબતોની છણાવટ અને સંતોના વ્યાખ્યાનો સહિતના કાર્યક્રમો થઈ રહ્યા છે. ઢેબર રોડ પરનું સમગ્ર ગુરુકુલ સુશોભિત કરવામાં આવી રહ્યું છે. લાખો લેમ્પની રોશની ઝળહળી રહી છે. મંદિરમાં વિશિષ્ટ શણગાર કરવામાં આવી રહ્યો છે. સંકુલની ઓફિસની બાજુમાં સભાખંડને આકર્ષક કાપડ, કમાન અને પ્રવેશદ્વારથી સજાવવામાં આવેલ છે. દિવસભર ગુરુકુલમાં સ્વામિનારાયણ ભગવાનના જયઘોષ અને શાસ્ત્રોના શ્લોકના કર્ણપ્રિય ઉચ્ચારણો થઈ રહ્યા છે. હરિભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવી રહ્યા છે. ગુરુકુલ ખાતે તા.25 રવિવારે રાત્રે 8 વાગે ગુરુકુલ મૈયાનો ભવ્ય પૂજનોત્સવ ઉજવાશે. જેમાં 108 વાજિંત્રો તથા ગીત-સંગીત નૃત્યો, આતશબાજી, લેઝર, ફાયર, ધૂમ્રસેરો ઉપરાંત લાખો દિવડાઓનો ઝળહળાટ થશે. આ અલૌકિક પ્રસંગના સાક્ષી બનવાની હરિભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
મવડી કણકોટ રોડ પર તા. 11થી અમૃત સાગર સાંસ્કૃતિક પ્રદર્શનનો પ્રારંભ થયો છે. તે જોવા ભક્તો ઉમટી રહ્યા છે. તે સ્થળ સહજાનંદનગર ખાતે મુખ્ય મહોત્સવ તા.22 થી 26 સુધી યોજાનાર છે. આ પાંચેય દિવસ ગુરુકુલ ખાતે દર્શનીય અન્નકૂટનું આયોજન કરવામાં આવેલ છે. રોજેરોજ 1008 વાનગીઓ ભગવાનને ધરવામાં આવશે. પાંચેય દિવસ અન્નકૂટની વાનગીઓ અને ગોઠવણમાં ફેરફાર થતો રહેશે. સાંસ્કૃતિક પ્રદર્શન સિવાય કોઈ કાર્યક્રમમાં કોઈ જાતનું શુલ્ક રાખેલ નથી. ગુરુકુલ ખાતે અને મહોત્સવના સ્થળે સંતો તથા સંખ્યાબંધ હરિભક્તો હરખભેર સેવા આપી રહ્યા છે. તમામ કાર્યક્રમોનો લાભ લેવા ગુરુકુલ પરિવારના વડા ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે તેમ પ્રભુ સ્વામી જણાવે છે.