થેલેસેમિયાગ્રસ્ત દર્દીનું કયા કારણોસર મોત થયું તે અંગે તંત્ર દ્વારા તપાસ: સિવિલ હોસ્પિટલમાં એલઆર ફિલ્ટર લોહી ન મળતા દર્દીઓની દયજનક સ્થિતિ
સૌરાષ્ટ્ર ભરના દર્દીઓ માટે રાજકોટની પીડિયુ સિવિલ હોસ્પિટલ કેન્દ્ર સ્થાને છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી સિવિલ હોસ્પિટલ દર્દીઓની સારવારમાં કચાસના કારણે ચર્ચામાં આવી રહી છે.
એવો જ એક કિસ્સો ગઇ કાલે બન્યો હતો જેમાં થેલેસેમિયાના દર્દીને લોહી ચડાવ્યા બાદ તેનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું હતું. જેથી તે દર્દીનું મોતનું સચોટ કારણ જાણવા માટે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ મૃતક થેલેસેમિયાગ્રસ્ત દર્દીને એલઆર ફિલ્ટર યુકત રક્ત ન ચડાવતા તેનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ કર્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સોમવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ થેલિસિમિયાગ્રસ્ત દર્દીનું મોત નીપજ્યું હતું.
આ દર્દીને રક્ત ચડાવ્યા બાદ રિએક્શનને કારણે ચામડી પર ચાઠા પડી ગયા હતા જે લાલ થઈ ગયા હતા. થેલેસેમિયાગ્રસ્ત દર્દીને એલઆર ફિલ્ટર યુક્ત રક્ત ન ચડાવતા જ મોત નિપજ્યું હોવાની શંકા વ્યકત કરતા સિવિલ હોસ્પિટલ તંત્ર સફાળું બેઠું થયું હતું
અને દર્દીનું ક્યાં કારણોસર મોત થયું તેનું સચોટ કારણ જાણવા માટે તંત્ર દ્વારા તપાસ હાથધરવામાં આવી છે.
થેલેસિમિયા દર્દીને ચડાવાતા લોહીમાં મશીન મારફત લાલ રક્તકણો અલગ કરી દેવાય છે આ એલઆર લોહી બાદમાં થેલેસેમિક બાળકોને અપાય છે. જેથી રિએક્શન ન આવે. પણ, રાજકોટમાં આ સુવિધા ન હોવાથી આરસીસી એટલે કે રેડ સેલ કોન્સ્ટ્રેન્ટ અપાય છે તેમાં સફેદ કણોની માત્રા 30 ટકા કરતા પણ વધુ હોય છે.
આ કારણે સિવિલમાં લોહી ચડાવે તે બાળકોને રિએક્શન આવે છે. બ્લડ બેંકોમા નિયમ છે કે થેલેસેમિક બાળકોને એલઆર બ્લડ જ આપવું પણ તેનો સિવિલમાં જ નિયમભંગ થઈ રહ્યો છે.
આ અંગે જાણ થતાં સિવિલ હોસ્પિટલ તબીબી અધિક્ષક ડો.આર.એસ. ત્રિવેદી દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. હાલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત દર્દીનું શેના કારણે મોત થયું તે અંગે તપાસ હાથધરી છે. તો બીજી તરફ થેલેસેમિયા ગ્રસ્ત દર્દીનો એલ આર ફિલ્ટરયુક્ત લોહીના ચડાવતા રિએક્શન આવવાથી મોત થયું હોવાનું તંત્ર દ્વારા નકારી કાઢવામાં આવ્યું છે.
થેલેસેમિયાગ્રસ્ત યુવતીનું રીએકશનથી મોત થયું નથી: તબીબી અધિક્ષક
સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા ગ્રસ્ત યુવતીનું મોત થયા બાદ પરિવારજનો દ્વારા સિવિલ તંત્ર પર તબીબોની બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેના પગલે તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી દ્વારા પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે યુવતીનું રીએકશનના કારણે મોત થયું નથી. પરંતુ થેલેસેમિયાના દર્દીઓને ચડવવામાં આવતા લોહીનું ફિલ્ટર કરવું જરૂરી હોય જેના મશીન અંગે પૂછતા તબીબી અધિક્ષકે મશીન મોંઘુ ઘાટ આવતું હોવાનું જણાવ્યું હતું. રૂ.40 લાખનું મશીન સૌરાષ્ટ્રના દર્દીઓ માટે મોંઘુ પડતું હોવાનો અધીક્ષકે બચાવ કર્યો હતો.
થેલેસેમિયાગ્રસ્ત યુવતીના મૃત્યુ બાદ પરિવારજનોનો બેદરકારીનો આક્ષેપ
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અંદાજિત 350 થી 400 થેલેસેમિયાયના દર્દીઓ લોહી ચડાવા આવે છે. જેમાં એક યુવતીને લોહી ચડાવ્યા બાદ રીએકશન આવતા તેનું મોત નિપજ્યું હતું. આ અંગે યુવતીના પિતાએ કહ્યું કે, “અમને હોસ્પિટલમાંથી 3 બોટલ લોહી આપ્યુ હતું, જે અમે ચઢાવ્યુ હતું. તેના બાદ વિધિના શરીર પર ચકામા પડ્યા હતા. પહેલા તો અમને આ વાત સામાન્ય લાગી હતી. પરંતુ સાંજ સુધીમાં તેના શરીર પર ચાંદા પડવા લાગ્યા. ડોક્ટરે કહ્યુ કે આ રિએક્શન છે. અમે આટલા સમયથી લોહી ચઢાવતા હતા, પરંતું દીકરીને આટલી હદે ક્યારેય રિએક્શન આવ્યુ ન હતું. બે ત્રણ દિવસથી બ્લડ ચડાવાતુ હતું, તો ઘણા પેશન્ટ્સને આવો પ્રોબ્લમ આવતો હતો કે રિએક્શન આવે છે.”