પલનાડુ જિલ્લામાં પથ્થરમારો-આગચંપી, વાહનો-ઘરોમાં આગ લગાવી દેવાય:પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો, કલમ 144 લાગુ
આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆરસીપી અને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપીના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બંને તરફથી પથ્થરમારો અને આગચંપી કરવામાં આવી હતી. જેના પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી.બીજી તરફ આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
આ ઘટના ત્યારે બની જ્યારે પલનાડુ જિલ્લામાં માશેરલા પાર્ટીના પ્રભારી જુલકંતિ બ્રહ્મા રેડ્ડીની આગેવાની હેઠળ તેલુગુ દેશમ પાર્ટીના સમર્થકો ’ઈધેમી કર્મ’ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. કહેવાય છે કે આ દરમિયાન વાયએસઆરસીપી અને ટીડીપી કાર્યકર્તાઓ સામસામે આવી ગયા અને પછી ઘર્ષણ થયું. બંનેએ એકબીજા પર પથ્થરો અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આમાં અનેક લોકો ઘાયલ થયા છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અથડામણ બાદ પોલીસે ત્યાં હાજર ભીડને વિખેરી નાખી હતી. પોલીસે જુલકંતિ બ્રહ્મા રેડ્ડીની પણ ધરપકડ કરી છે.આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે બદમાશો કારને આગ લગાવી રહ્યા હતા અને વિસ્તારમાં તોડફોડ કરી રહ્યા હતા. પલાનાડુના એસપી વાય રવિશંકર રેડ્ડીના જણાવ્યા અનુસાર, ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોએ ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને જાણી જોઈને પથ્થરમારો કર્યો હતો.
એસપીએ કહ્યું- “આ સંપૂર્ણ રીતે જૂથવાદી લડાઈ છે, રાજકીય લડાઈ નથી. આ વિસ્તારમાં છેલ્લા 20 થી 30 વર્ષથી આ જૂથવાદી હુમલાઓ થઈ રહ્યા છે. શનિવારે સવારે અહીં ઘણા ઘરોની તલાશી લેવામાં આવી છે. માચેરલા નગરના વેલદુર્થીથી સંબંધિત છે. ગેંગનો ગુનાહિત ઇતિહાસ છે.”પોલીસે કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે અને સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. શંકર રેડ્ડીએ ખાતરી આપી હતી કે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. એસપીએ કહ્યું- બંને પક્ષે કેસ નોંધવામાં આવ્યા છે. હિંસા કરનારાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
અથડામણ બાદ એકઠા થયેલા ટોળાને વિખેરવા પોલીસે હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો. ટીડીપીએ અથડામણમાં તેની પાર્ટી ઓફિસ અને તેના નેતાઓના વાહનોને થયેલા નુકસાનની સખત નિંદા કરી. સ્થાનિક ધારાસભ્ય પિનેલી રામકૃષ્ણ રેડ્ડીના ભાઈ, જેઓ વાયએસઆરસીપી કાર્યકરો દ્વારા પાર્ટીની કથિત તોડફોડ દરમિયાન હાજર હતા. વેંકટરામી રેડ્ડીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે જ્યારે પાર્ટીના નેતાઓની કારમાં કથિત રીતે તોડફોડ કરવામાં આવી હતી, ત્યારે ટીડીપી સમર્થકોની દુકાનોને પણ સળગાવી દેવામાં આવી હતી. તેમણે એવો પણ દાવો કર્યો કે સ્થાનિક પોલીસ મૌન રહી અને વાયએસઆરસીપી કાર્યકરો સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી.