બંધારણીય ખંડપીઠ સમક્ષના કેસોમાં નજીવો ઘટાડો
ફિલ્મ દામીનીનો ન્યાયતંત્રને ટાંકીને લખાયેલો ડાયલોગ ડાયલોગ ’તારીખ પે તારીખ’ ખરા અર્થમાં ભારતીય ન્યાયપ્રણાલીનો જાણે પીછો જ છોડતી નથી. એક તરફ સુપ્રીમ કોર્ટ દ્વારા દેશની અદાલતોમાં પેન્ડિંગ રહેલા કેસોનો ઝડપથી નિકાલ કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યાં બીજી બાજુ સતત પેન્ડિંગ કેસોમાં વધારો થતો જઈ રહ્યો છે. સંસદમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા દેશભરની અદાલતોમાં વર્ષ 2014થી પેન્ડિંગ કેસોની વિગતો જાહેર કરવામાં આવી છે.
જેમાં વર્ષ 2014થી વર્ષ 2022 સુધીમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યામાં 0.65%નો સહેજ માત્ર ઘટાડો થયો છે જ્યાં બીજી બાજુ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ સમક્ષ 500 મામલા હજી પેન્ડિંગ છે. ઉપરાંત દેશની હાઇકોર્ટમાં વર્ષ 2014 બાદ પેન્ડિંગ કેસોની સંખ્યામાં 0.82% નો વધારો નોંધાયો છે તેમજ દેશની જિલ્લા અદાલતોમાં આ આંકડો 4.32% ને આંબી ગયો છે. ખૂબ મહત્વની બાબત છે કે, દેશની ઉચ્ચ અદાલતોમાં ફક્ત 2014 બાદના 8 વર્ષમાં 10 હજારથી વધુ પબ્લિક ઇન્ટ્રસ્ટ લિટીગેશનો પેન્ડિંગ છે.
કાયદા અને ન્યાય મંત્રાલયે સંસદ સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા અનેક પ્રશ્નોના જવાબ આપ્યા છે. નિવેદન મુજબ ભારતની સર્વોચ્ચ અદાલતમાં ચૂંટણી સંબંધિત લગભગ 500 જેટલા કેસ પેન્ડિંગ છે. વધુમાં લગભગ 500 બંધારણીય બેંચના મામલાઓ પણ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટે 2020માં 130 બંધારણીય બેંચ સમક્ષના કેસોનો નિકાલ કર્યો હતો અને 2022 માં આવા ફક્ત 10 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. ઉપરાંત દેશની હાઈકોર્ટમાં 10 હજારથી વધુ પીઆઈએલ પેન્ડિંગ છે
* સંસદમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, સુપ્રિમ કોર્ટ,હાઈકોર્ટ, જિલ્લા અને અન્ય નીચલીઅદાલતોમાં વર્ષ 2014થી પેન્ડિંગ પડેલા મહિલાઓ સામેના હિંસક ગુનાઓ સહિતના કેસોની સંખ્યા શું છે અને પેન્ડન્સી પાછળના કારણો શું છે ?
જેના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે જે રીતે માહિતી માંગવામાં આવી છે તે રીતે રેકોર્ડ જાળવવામાં આવતો નથી. જો કે, સુપ્રીમ કોર્ટના વિષય કેટેગરીઝ મુજબ જાતીય સતામણી, દહેજ માટે મહિલાઓ પ્રત્યેની ક્રૂરતા, દહેજ મૃત્યુ, ઈવ ટીઝિંગ, ઘરેલુ હિંસા વગેરે જેવા કેસો પેન્ડિંગ છે. ઈન્ટિગ્રેટેડ કેસ મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ (આઇસીએમઆઈએસ)માં ઉપલબ્ધ અને 12 ડિસેમ્બર 2022ના રોજ મેળવેલ આંકડા મુજબ 2014થી ભારતની સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરાયેલ ઉપરોક્ત વિષય કેટેગરીમાં કુલ પેન્ડિંગ કેસોની સંખ્યા 283 છે. વધુમાં મંત્રાલયે જણાવ્યુ છે કે હાઈકોર્ટ, જિલ્લા અદાલત અને નીચલી અદાલતોમાં હિંસક ગુનાઓ સહિત મહિલાઓ સામેના ગુનાઓ સંબંધિત કેસોની માહિતી ન્યાય વિભાગમાં કેન્દ્રિય રીતે રાખવામાં આવતી નથી.
* વર્ષ 2014થી દેશની અદાલતોમાં પડતર કેસોની ટકાવારીમાં વધારો થયો કે ઘટાડો? આ આંકડા વર્ષ અને અદાલતની કેટેગરી મુજબ માંગવામાં આવી હતી.
જેના જવાબમાં મંત્રાલયે જણાવ્યું હતું કે, વર્ષ 2022 સુધીમાં સુપ્રીમ કોર્ટમાં કુલ પેન્ડિંગ કેસ 6978 છે. આ 2014થી પેન્ડન્સીમાં 0.65% ઘટાડો દર્શાવે છે. ઉચ્ચ અદાલતોમાં 53,51,284 પડતર બાબતો સાથે પેન્ડન્સીમાં 0.82% નો વધારો થયો છે. અંતે જિલ્લા અદાલતોમાં 4,28,26, 777 પેન્ડિંગ કેસો છે, જે 2014થી પેન્ડન્સીમાં 4.32% વધારો દર્શાવે છે.
* વર્ષ 2014થી નિકાલ કરાયેલા કેસોની સંખ્યા અને તેમના નિકાલમાં લેવામાં આવેલ સરેરાશ સમયની માહિતી કોર્ટ મુજબ આપવામાં આવે.
નિવેદન મુજબ સુપ્રીમ કોર્ટના સંદર્ભમાં નિકાલ કરાયેલા કેસોની સંખ્યાની માહિતી જે રીતે માંગવામાં આવી છે તે રીતે જાળવવામાં આવી નથી. જો કે, 31 ઓક્ટોબર 2022 સુધી ભારતની સર્વોચ્ચ અદાલતમાં નિકાલ કરાયેલા કેસોની કુલ સંખ્યા 29,109 છે.
* કોવિડ-19 મહામારીની પેન્ડિંગ કેસ પરની અસર અને ન્યાયતંત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દાખલ કરવા અંગે કોઈ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે કે કેમ ? જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે કવાયત હાથ ધરાઈ હોય તો તેની વિગતો આપવામાં આવે.
નિવેદનમાં જણાવાયું છે કે આવો કોઈ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો નથી. જો કે, રાષ્ટ્રીય ઇ-ગવર્નન્સ પ્લાન હેઠળ ભારતીય ન્યાયતંત્ર માટે માહિતી અને સંચાર તકનીક સક્ષમતા અને પહોંચ માટે વર્ષ 2007થી ઈ-કોર્ટસ પ્રોજેક્ટ અમલમાં છે. મંત્રાલયે ઉમેર્યું હતું કે, ન્યાયિક ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગનું અન્વેષણ કરવા માટે ભારતની સર્વોચ્ચ અદાલતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કમિટીની રચના કરી છે જેણે મુખ્યત્વે ન્યાયિક દસ્તાવેજોના અનુવાદ, કાનૂની સંશોધનમાં સહાય અને પ્રક્રિયા ઓટોમેશનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીની એપ્લિકેશનને ઓળખી છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કમિટિનું એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ, સુવાસ (સુપ્રીમ કોર્ટ વિધિ અનુવાદ સોફ્ટવેર) ન્યાયિક ડોમેન અંગ્રેજી દસ્તાવેજોને સ્થાનિક ભાષાઓમાં અનુવાદિત કરવા માટે અને વિકસાવવામાં આવ્યું છે.વધુમાં મંત્રાલયે જણાવ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કાનૂની સંશોધન સહાયક સાધન સુપેસ (કોર્ટ કાર્યક્ષમતામાં સહાયતા માટે સુપ્રીમ કોર્ટ પોર્ટલ) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કમિટી દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
શિયાળુ વેકેશનમાં સુપ્રીમ કોર્ટની રેગ્યુલર બેંચ કાર્યરત નહી રહે: ચીફ જસ્ટિસનો મોટો નિર્ણય
સુપ્રીમ કોર્ટમાં શિયાળાના વેકેશન દરમિયાન તાકીદની બાબતોની સુનાવણી માટે કોઈ બેન્ચ હાજર રહેશે નહીં. સીજેઆઈ ડી વાય ચંદ્રચુડે આ મોટી જાહેરાત કરી છે. 17 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી સુપ્રીમ કોર્ટમાં રજા રહેશે. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની આ જાહેરાત એટલા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ રાજ્યસભામાં કહ્યું હતું કે લોકો માને છે કે કોર્ટની લાંબી રજાઓ ન્યાય શોધનારાઓના હિતમાં નથી.
સુનાવણી શરૂ થાય તે પહેલા ચીફ જસ્ટિસ ચંદ્રચુડે તેમના કોર્ટરૂમમાં હાજર વકીલોને જણાવ્યું કે આવતીકાલથી 1 જાન્યુઆરી સુધી કોઈ બેંચ ઉપલબ્ધ રહેશે નહીં. બે અઠવાડિયાના શિયાળાના વિરામ પહેલા સુપ્રીમ કોર્ટનો છેલ્લો કાર્યકારી દિવસ છે. સુપ્રીમ કોર્ટ 2 જાન્યુઆરીએ ફરી ખુલશે.