સૌર, પવન અને જળ ઉર્જા તરફ ભારતની સતત આગેકૂચ, ઉર્જા ક્ષેત્રે મોટું પરિવર્તન લાવી આયાત ઘટાડવા અને પર્યાવરણ બચાવવાના પ્રયાસ
વર્ષ 2030 સુધીમાં ભારત તેની કુલ ઉર્જા જરૂરિયાતોના લગભગ 62 ટકા ઉર્જા બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોમાંથી મળશે. જે સરકારના લક્ષ્યાંક કરતાં 12 ટકા વધુ છે. ઉર્જા મંત્રાલયના અધિક સચિવ અજય તિવારીએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારત પહેલેથી જ તેની 42 ટકા ઊર્જા જરૂરિયાતો બિન-અશ્મિભૂત સ્ત્રોતોમાંથી મેળવી રહ્યું છે.
સત્તાવાર માહિતી અનુસાર, 31 ઓક્ટોબર, 2022ના રોજ દેશમાં વીજળીની કુલ સ્થાપિત ક્ષમતા 4,09,000 મેગાવોટ છે. તેમાં 1,66,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાનો સમાવેશ થાય છે, જેમાં મોટા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
“પાવર સેક્ટરમાં વૃદ્ધિની વર્તમાન ગતિ સાથે, દેશ 2030 સુધીમાં તેની કુલ ઉર્જા જરૂરિયાતોના 62 ટકા બિન-પરંપરાગત સ્ત્રોતોથી પૂરી કરશે,” તેમ તેમણે ઇન્ડસ્ટ્રી બોડી કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ દક્ષિણ એશિયા (બાંગ્લાદેશ, ભૂટાન, ભારત અને નેપાળ) પાવર સમિટના જણાવ્યું હતું. તે સમય સુધીમાં સ્વચ્છ ઉર્જામાંથી 50 ટકા ઉર્જા પ્રાપ્ત કરવાના લક્ષ્યાંક કરતાં આ વધુ છે.
તિવારીએ એમ પણ કહ્યું હતું કે ભારત વધુને વધુ દેશોને સામેલ કરતા સમગ્ર દક્ષિણ એશિયાઈ પ્રદેશમાં એકબીજા સાથે જોડાયેલ પાવર ગ્રીડ સ્થાપિત કરવાના વિઝન તરફ સક્રિયપણે કામ કરી રહ્યું છે.
તેમણે કહ્યું, ભારત દેશના ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમમાં ખૂબ જ મજબૂત પાવર ગ્રીડ સિસ્ટમ ધરાવે છે. ભવિષ્યમાં, અમે ગ્રીડને મ્યાનમાર, શ્રીલંકા સહિતના પાડોશી દેશો સાથે જોડવા ઈચ્છીએ છીએ અને અમે તેને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં વિસ્તરણ કરવા માટે એક સંકલિત બજાર તરીકે ઉભરી લેવાનું લક્ષ્ય રાખીએ છીએ.”
ઉર્જા મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે આ સંદર્ભે ભારત અને નેપાળ અને ભારત અને ભૂટાન વચ્ચે ક્રોસ બોર્ડર ગ્રીડ વ્યવસ્થાને મજબૂત કરવા માટે વાતચીત ચાલી રહી છે.
2030માં બિન પરંપરાગત સ્ત્રોતમાંથી 5 લાખ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે
સરકાર ઝીરો કાર્બન ઉત્સર્જનની નીતિ ઉપર કામ કરી રહી છે. આ ઉપરાંત પરંપરાગત ઉર્જા સ્રોતોનો ઉપયોગ ઘટાડવા પણ કમર કસી રહી છે. જેમાં ભાગ રૂપે સરકારે બિન પરંપરાગત ઉર્જા એટલે કે પવન ઉર્જા, જળ ઊર્જા અને સૌર ઉર્જા તરફ વળવાનું શરૂ કરી દીધું છે. ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં વીજ ઉત્પાદન ક્ષમતા 2030 સુધીમાં 8,20,000 મેગાવોટ સુધી પહોંચવાનો અંદાજ છે. બિન-પરંપરાગત સ્ત્રોતોમાંથી 5,00,000 મેગાવોટ મેળવવાનું લક્ષ્ય છે.